સંપાદકનો પત્ર
'સફારી' November, 2009
'સફારી' November, 2009
શીર્ષકમાં જે ચોંકાવનારૂં વાક્ય લખ્યું છે તે ભવિષ્યમાં અખબારોમાં સમાચારરૂપે વાંચવા મળે તે બનવાજોગ છે. વાત દૂરના ભવિષ્યની છે કે નજીકના ભવિષ્યની એનું મહત્ત્વ નથી. ચિંતાજનક બાબત એ છે કે ચીની ડ્રેગનનો ડોળો ભારતના સરહદી પ્રદેશો પછી હવે ભારતમાં વાયા ચીન અને તિબેટ પ્રવેશતી નદીઓ પર સ્થાયી થયો છે.
૧૯૫૯ થી સતત પચાસ વર્ષ સુધી ભારતને ઘોંચપરોણા કરતા આવેલા (અને બદલામાં આપણી માટીપગી સરકારો દ્વારા આળપંપાળનો લહાવો માણતા રહેલા) ચીનના નવા કાંકરીચાળા અંગે તાજા ખબર વાંચો--
ચીને બ્રહ્મપુત્ર નદીના ૫૦% કરતાં વધુ જળપ્રવાહને તેના ગોબી રેગિસ્તાન તરફ વાળી એ પ્રદેશને હરિયાળો બનાવવાનો એન્જિનિઅરિંગ પ્લાન તૈયાર કરી નાખ્યો છે. એક પશ્ચિમી સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ પ્લાન અનુસાર કામકાજ આરંભી દીધું છે. ભારતની અનુમતિ લેવાનું તો ઠીક, બલકે ભારતને જાણ કરવાનું પણ તેણે જરૂરી માન્યું નથી. ભારત તેને મન નીચી બોરડી છે, જેને ગમે ત્યારે અને ગમે તેટલી વખત ખંખેરી શકાય છે.
હાઇજેકિંગની રાહે ‘મલ્ટિનેશનલ’ નદીના પ્રવાહને આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારની ઐસી તૈસી કરીને ઉપરવાસમાં આંતરી લેવો એ ચીન માટે નવી વાત નથી. પાંચ વર્ષ પહેલાં તેણે માનવાન અને દચાઓશાન નામના બે ગંજાવર બંધો વડે મેકોંગ નદીને બાન પકડી અને હેઠવાસ તરફ જતા મેકોંગના જળપ્રવાહને ખાસ્સો ઘટાડી નાખ્યો. આ નદી ૪,૧૮૦ કિલોમીટર લાંબી છે. ઉદ્દભવ ચીનમાં થાય છે, પરંતુ મોટા ભાગની મજલ તે થાઇલેન્ડ, કમ્બોડિયા, લાઓસ, વિયેતનામ તથા મ્યાનમાર એમ પાંચ દેશોમાં ખેડે છે. ચીનની યોજના જાણ્યા પછી એ દેશોએ મેકોંગના જળભંડારની ફાળવણી અંગે સમજૂતી પર આવવા માટે સમિતિ રચી, પરંતુ ચીન તેમાં જોડાયું નહિ. હવે તેના બહારવટાનું માઠું ફળ પાંચેય દેશો લાચારીપૂર્વક વેઠી રહ્યા છે. દાખલા તરીકે અગાઉ કમ્બોડિયાને મેકોંગના સમૃદ્ધ વહેણમાંથી દર વર્ષે ૨૦ લાખ ટન માછલાંનો પુરવઠો મળી રહેતો, પરંતુ ચીનના બંધોને કારણે જળપ્રવાહ કપાયા બાદ આજે તેનો મત્સ્યોદ્યોગ ખાડે ગયો છે. ઊંડાઇ ઘટ્યા પછી આંતરિક જળમાર્ગ તરીકે પણ મેકોંગનો ઉપયોગ સીમિત બન્યો છે. વિયેતનામ, લાઓસ, મ્યાનમાર અને થાઇલેન્ડ માટે પણ સ્થિતિ ખાસ જુદી નથી. ભવિષ્યમાં ઓર બગડી શકે, કારણ કે ચીન મેકોંગ આડે વધુ બે મોટા બંધો ચણી રહ્યું છે.
બ્રહ્મપુત્રની વાત કરો તો ચીન દ્વારા તેનું સંભવિત હાઇજેકિંગ ભારતને ક્યાંય વધુ કફોડી સ્થિતિમાં મૂકી દે તેમ છે. પહેલાં જો કે બ્રહ્મપુત્ર પર ચીનનો ડોળો કેમ મંડાયો તેનો ખુલાસો જોઇએ. ઉત્તરપશ્ચિમનું ગોબી રેગિસ્તાન ચીનનો (તથા અમુક હદે મોંગોલિયાનો) ૧૩,૦૦,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ રોકે છે અને તેની સીમારેખા બધી તરફ વાર્ષિક ૩ કિલોમીટર લેખે ફેલાતી જાય છે. આજે પાટનગર બિજિંગ સાથે તેને માત્ર ૧૬૦ કિલોમીટર જેટલું છેટું રહ્યું છે. ગોબી ઠંડું રણ છે. પાણી વડે તેને નવસાધ્ય કરી શકાય, પરંતુ ચીનનો મીઠા પાણીનો ફક્ત ૭% જેટલો પુરવઠો ગોબીમાં છે. ચીન પોતાની હુઆંગ-હો અને યાંગત્સે જેવી એકેય નદીને રણ તરફ વાળવા માગતું નથી, કેમ કે એ નદીઓ પર જળવિદ્યુત મથકો સ્થપાયાં છે અને સિંચાઇ માટે નહેરોનું વ્યાપક નેટવર્ક રચવામાં આવ્યું છે.
તિબેટમાં કૈલાસ પાસે જન્મ લેતી (અને તિબેટમાં ત્સાંગ-પો તરીકે ઓળખાતી) બ્રહ્મપુત્ર નદીની બાબતે ચીને કશું ગુમાવવાનું રહેતું નથી. (એટલાસમાં બ્રહ્મપુત્રના વહેણનો માર્ગ તપાસો). હિન્દુ પુરાણોએ નદીને નદ તરીકે ઓળખાવેલી બ્રહ્મપુત્રનું વાર્ષિક ૭૧.૪ અબજ ઘન મીટર જેટલું પાણી છેવટે અરુણાચલ પ્રદેશના સીમાડા ઓળંગીને ભારતમાં વહી જાય છે, એટલે ચીનને ગોબી માટે તેનું ૪૦ અબજ ઘન મીટર જેટલું પાણી તિબેટ ખાતે જ આંતરી લેવાનું પ્રલોભન થાય તેમાં આશ્ચર્ય નથી. ઇજનેરી દ્રષ્ટિએ તે કામ પડકારરૂપ નીવડે, પરંતુ ચીન પાસે તેના માટેની જરૂરી ટેક્નોલોજિ છે અને ભરચક તિજોરી પણ છે.
માની લો કે આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારને અવગણી ચીન પોતાનું ધાર્યું કરીને રહ્યું, તો ભારત કેટકેટલી રીતે મુસીબતમાં આવે પડે તેની હિટલિસ્ટ જેવી યાદી વાંચો--
- ભારતની જળવિદ્યુતને લગતી ક્ષમતા ૧,૫૦,૦૦૦ મેગાવૉટ છે. આમાંથી ૫૪,૦૦૦ મેગાવૉટ જેટલી ક્ષમતા પૂર્વોત્તર રાજ્યોમાં (મુખ્યત્વે અરુણાચલ પ્રદેશમાં) છે, જ્યાં બ્રહ્મપુત્ર મુખ્ય નદી છે. આ સમૃદ્ધ નદી દ્વારા ભારતને પ્રાપ્ત થવાપાત્ર જળવિદ્યુત ૨૮,૫૦૦ મેગાવૉટ કરતાં ઓછી નથી, જે પૈકી ૨,૦૦૦ મેગાવૉટની પ્રાપ્તિ માટે NHPC/નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશને પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને બીજા ૨૩,૫૦૦ મેગાવૉટનો કોન્ટ્રાક્ટ રિલાયન્સ પાવરને, એથેના એનર્જી એન્ડ માઉન્ટેન ફોલ્સ લિમિટેડને તથા જયપ્રકાશ પાવરને આપ્યો છે. હવે એ દરેક પ્રોજેક્ટ ત્રિશંકુની દશામાં આવી પડ્યો છે અને છેવટે અબજો રૂપિયાનો ખર્ચ માથે પડે એવી હાલત છે. ટૂંકમાં, ભારતે ફક્ત પાણીની નહિ, વીજળીના ખાતે પણ જે નુકસાન વેઠવાનું થાય તે જેવું તેવું નથી. ચીની સરકારની ગુસ્તાખ હરકત ચાંચિયાગીરી કરતાં સહેજ પણ કમ નથી.
- બ્રહ્મપુત્રએ આસામને ફળદ્રુપ બનાવ્યું છે. શણની, ચાની અને ડાંગરની મબલખ પેદાશ તેને આભારી છે. ચોમાસા દરમ્યાન નદી બે કાંઠે થાય ત્યારે બન્ને તરફ ડાંગરનાં ખેતરોને સિંચાઇનું પાણી કુદરતી રીતે મળી રહે છે. વહેણ પચાસ ટકા જેટલું કપાયા પછી ભારતે આવા બધા નૈસર્ગિક (અને સરવાળે આર્થિક) લાભો ગુમાવવા પડે તેમ છે--અને તે પણ વળી એવા લાભો કે જેમનું તે કાયદેસર હક્કદાર છે.
- ભારતમાં બ્રહ્મપુત્રનો ૯૧૮ કિલોમીટર લાંબો પ્રવાહ માલની અને મુસાફરોની હેરફેર કરતી નૌકાઓના જળમાર્ગ તરીકે વપરાય છે. હાઇવે જેટલું જ તેનું મહત્ત્વ છે. ઉપરવાસ અને હેઠવાસ વચ્ચે પુષ્કળ ટ્રાફિકની આવનજાવન રહે છે. (‘સફારી’ની પ્રવાસી ટીમ તેનો અભિભૂત કરી દેતો અનુભવ મેળવી ચૂકી છે). પરિવહનના ક્ષેત્રે આસામ માટે બ્રહ્મપુત્ર ધોરી નસ છે. જળપ્રવાહ ઘટ્યા પછી નદીની સંખ્યાબંધ વિશાખાઓ ખાસ કરીને શિયાળા દરમ્યાન કોરા પટમાં ફેરવાય અને નદી સાથે જે તે વિશાખાનું જોડાણ કપાતાં હજારો ગામડાં વિખૂટાં પડી જવા પામે. ગામલોકો રોજીરોટી માટે અહીંથી ત્યાં આવજા કરી ન શકે અને વધુમાં તેમને રોજિંદી જીવન જરૂરિયાતની ચીજો પહોંચાડવાનું મુશ્કેલ બને. મત્સ્યોદ્યોગને પડતો ફટકો વધુ ગંભીર નીવડે, કેમ કે આસામની (તેમજ અરુણાચલની) પ્રજાના આહારમાં માછલાં કેન્દ્રસ્થાને છે. બ્રહ્મપુત્રની દુર્લભ સ્પિસિસની ડોલ્ફિન જેવી વિરલ જળસૃષ્ટિનો અને જળપ્લાવિત વનસ્પતિસૃષ્ટિનો લાંબે ગાળે જે વિનાશ થાય એ વળી પર્યાવરણની દ્રષ્ટિએ મોટું નુકસાન છે.
(૧) ભારતમાં તાજા પાણીનો વ્યક્તિદીઠ વાર્ષિક પુરવઠો ૩,૯૨૦ ઘન મીટર કરતાં વધારે નથીએટલે કે રોજનો માત્ર ૧૦.૭૫ ઘન મીટર જેટલો છે અને તેમાં ઔદ્યોગિક તેમજ કૃષિના ક્ષેત્ર માટે વપરાતા જથ્થાનો પણ સમાવેશ થાય છે. કેટલાક રેગિસ્તાની દેશોને તથા માલદીવ જેવા ટાપુસમૂહોને બાદ કરો તો બીજે ક્યાંય મીઠા પાણીની આટલી કારમી તંગી નથી. (અમેરિકાનો ફિગર : ૧૦,૩૩૩ ઘન મીટર). ચીનના પાપે બાર મહિને પુરવઠામાં ૪૦ અબજ ઘન મીટરનો કાપ આવે તે હરગીઝ પોસાય નહિ.
(૨) ભવિષ્યની વાત કરો તો પ્રશ્ન એકલી બ્રહ્મપુત્ર નદીનો નથી. ઉત્તર ભારતની ગંગા સિવાયની બધી નદીઓ ચીનશાસિત તિબેટમાં જન્મ લે છે. ગંગાની પણ બે મુખ્ય શાખાઓ તિબેટમાંથી આવે છે. ધારો કે ચાંચિયા સ્વભાવનું ચીન બ્રહ્મપુત્રના મામલે પોતાનું ધાર્યું કરીને રહ્યું અને પચાસ વર્ષ થયે ચીનને પસવાર્યા કરતું ભારત મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતું રહ્યું, તો એ ડ્રેગન દેશ ભારતને બોડી બામણી સમજી આવતી કાલે બીજી પણ નદીઓને પોતાના ભૌગોલિક પ્રદેશ તરફ ન વાળે તેની ગેરન્ટી છે ખરી ?
દેશ સામે આટલો મોટો પ્રશ્ન ઊભો છે, છતાં ભારતની નિર્માલ્ય સરકારોના પેટનું પાણી સુદ્ધાં હલતું નથી. જાડી ચામડીના નેતાઓ માટે તો શું કહીએ ?

3 comments:
china is the country with the highest numbres of dams in the world and in recent years chinese institutions have taken a lead in building dams not just domestically but also abroad. Chinese banks and companies are involved in constructing some 216 large dams in 49 different countries, particularly in Africa and Southeast Asia, including Kamchay Dam (Cambodia), Mphanda Nkuwa Dam (Mozambique), Merowe Dam (Sudan), and Tasang Dam (Burma).
બહુ જ ચિંતા ઉપજાવે તેવી માહીતિ . ચીનની આ હરકત પહેલી જ વાર અહીં જાણવા મળી. ખૂબ આભાર.
namaskar harshalji.. Hu Rajal Sanathara gandhinagar thi aa comment lakhi rahyo chhu.. hu "safari" lagbhag chhella 10 varsh thi niyamit rite vanchu chhu.. atyare mari nazar ma "wikipedia" ni ek link aavi je kahe chhe k Bhopal Gas Tragedy darmyan Union Carbide India Ltd. na tatkalin Chairman Warren Anderson ni viruddh 31st july, 2009 na divase arrest warrent jaher karvama aavya.. 1984 thi 2009.. shu aa vilamb THODO vadhu padto hoy tevu nathi lagtu?? aapna desh ma aatla badha loko ni maut mate jawab-dar vyakti ne saja karva ma aatlo vilamb kya sudhi vyajbi hoi shake?? aa babate hu aapno abhipray jarur thi janva magish.. Dhanyavad..
Post a Comment