Posts

Showing posts from July, 2011

ગુજરાતમાં પોતાનો આવાસ ગુમાવી રહેલાં યાયાવર પક્ષીઓ

શહેરીકરણના તેમજ વિકાસના નામે માનવજાતના હાથે લેવાતાં અવિચારી નિર્ણયોની વન્યજીવો પર કેવી માઠી અસરો પડે છે તેના દાખલા નોંધવા બેસો તો એકાદ દળદાર પુસ્તક તેમનાથી ભરાઇ જાય. આ જાતનું પુસ્તક સંભવતઃ હજી સુધી લખાયું નથી, પરંતુ રખે તે લખાય તો તેમાં સ્થાન પામે તેવા બે દાખલા હમણાં કદાચ પહેલી વાર મીડિયાના ધ્યાન પર આવ્યા. પહેલો દાખલો ફ્લેમિંગો અર્થાત્ સુરખાબ નામના પક્ષીનો છે, જેને ગુજરાતે પોતાના state bird તરીકે પસંદ કર્યું છે. દર વર્ષે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ખંભાત નજીકના વિસ્તારોમાં હજારો સુરખાબનાં ટોળાં ઉમટી પડે છે. અહીં છીછરા જળાશયોને તેમજ કળણને તેઓ પોતાનો આવાસ બનાવે છે અને કેટલાક મહિના ત્યાં વીતાવે છે. દરમ્યાન છીછરા પાણી વચ્ચે કાદવના ૧૫ થી ૪૫ સેન્ટિમીટર ઊંચા ઢૂવા બનાવીને માદા તેમાં ઈંડાં મૂકે છે અને પોતાનો કુટુંબકબીલો વધારે છે. સરોવરનું કે જળાશયનું પાણી જ્યાં બહુ ઊંડું ન હોય એવાં સ્થળો સુરખાબને પડાવ માટે વધુ માફક આવે--અને ગુજરાતમાં એવાં સ્થળો ઘણાં છે. એક સ્થળ ભાવનગર શહેરની ભાગોળે આવેલું છે, જ્યાં લગભગ ૩૦૦ એકરના કળણમાં ૨૦ થી ૫૦ હજાર સુરખાબ દર વર્ષે મુકામ કરે છે. આ ટોળાંનાં કેટલાંક સુરખાબ મા