Posts

Showing posts from May, 2014

યુદ્ધ’૭૧ના સુપરસ્ટાર વિક્રાંતની ચિરવિદાય

Image
એક દુઃખદ સમાચાર, જે ખરેખર તો દેશ માટે શરમજનક ગણવા જોઇએ: પાકિસ્તાન સામે ૧૯૭૧ના યુદ્ધમાં રંગ રાખનાર ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ ભંગારવાડે નાખી દેવાયું છે. ભારત સરકારે રૂા.૬૦ કરોડમાં તેનો સોદો એક ખાનગી કંપની સાથે ગયે મહિને કરી દીધો, એટલે ‘વિક્રાંત’ પર હવે સરકારી માલિકી રહી નથી. આ ભવ્ય જહાજ ટૂંક સમયમાં શિપ બ્રેકિંગ યાર્ડના હવાલે થવાનું છે, જ્યાં તેના સ્પેરપાર્ટ્સને વન બાય વન છૂટા પાડી ભંગારભેગા કરી દેવામાં આવશે. શરમની વાત છે કે ભારતીય યુદ્ધની તવારીખ જેણે સુવર્ણ અક્ષરે લખી આપી તે જહાજનું મૂલ્યાંકન છેવટે લોખંડના ભાવે ભંગાર તરીકે કરાયું. દેશના ઇતિહાસ ભેગી તેની ભૂગોળ પણ બદલી નાખવામાં કોઇ એક યુદ્ધજહાજે બહુ નિર્ણાયક રોલ ભજવ્યો હોય તેવા પ્રસંગો દરિયાઇ યુદ્ધની લાંબી તવારીખમાં જૂજ છે. એક કિસ્સો અમેરિકાના વિમાનવાહક જહાજ ‘એન્ટરપ્રાઇઝ’નો છે, જેણે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાની નૌકાકાફલાને પ્રશાંત મહાસાગરમાં વારંવાર પડકાર્યો અને ‘બેટલ ઓફ મિડવે’ જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ સાગરસંગ્રામમાં અમેરિકાને વિજય અપાવ્યો. મિડવેનું યુદ્ધ જાપાન જીતી ગયું હોત તો દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં જાપાની સૈન્