Posts

Showing posts from May, 2015

નેપાળે ન અપનાવેલું અને ભારતે અપનાવવા જેવું શોક-પ્રૂફ મકાનોનું ધોરણ

Image
નેપાળમાં ગયે મહિને આવેલા ધરતીકંપે જાન-માલનું પુષ્કળ નુકસાન કર્યું અને ખુવારીના આંકડા પ્રમાણે જોતાં તે અભૂતપૂર્વ સાબિત થયો તેમાં ભૂકંપના તીવ્રતાસૂચક ૭.૯ રિક્ટરના આંકડાને માત્ર નિમિત્ત ગણતા હોવ તો એક મહત્ત્વનો ભેદ પહેલાં સમજી લો. રિક્ટરના સ્કેલનો આંકડો તેમજ ખુવારીનો આંકડો બન્ને જુદી બાબતો છે. રિક્ટરનો સ્કેલ ઊંચો તેમ ખુવારી પણ વધારે એ વાત પ્રાથમિક રીતે સાચી, પરંતુ તેમની વચ્ચે સીધા અનુપાતનો સંબંધ હોવો જરૂરી નથી. ગીચ વસ્તીમાં અને કાચાં મકાનોવાળા પ્રદેશમાં સહેજ નબળો ધરતીકંપ પણ વધુ ખુવારી સર્જે છે, જ્યારે સહરાના રેગિસ્તાનમાં કે દક્ષિણ ધ્રુવ ખંડના બર્ફસ્તાનમાં ૮ કરતાં વધુ રિક્ટરનો ભૂકંપ પણ ઓછું નુકસાન કરે તે શક્ય છે. નેપાળમાં ફેલાયેલા આતંકનું મુખ્ય કારણ એ છે કે ઘણાંખરાં મકાનોનું બાંધકામ કચાશભર્યું હતું. અનેક મકાનો બેડોળ પથ્થરોનાં અને પથ્થરો વચ્ચે પૂરેલી માટીનાં બનેલાં હતાં. પથ્થરો વચ્ચે મજબૂત ‘બાઇન્ડિંગ મટીરિઅલ’ ન હતું. ઊંડો પાયો નાખવામાં આવ્યો ન હતો. છાપરાં પ્રમાણમાં વજનદાર હતાં. આ સ્થિતિમાં એક પથ્થર બીજા પથ્થર સાથે કસોકસ ફિટ બેસતો ન હોય ત્યારે આડી લીટીમાં (હોરિઝોન્ટલ) આંચકો લાગ્યા પછી દીવા