Tuesday, March 7, 2017

વિજ્ઞાન અને રાજકારણ : નોખાં રહે તો સફળતા, નહિતર સૂરસૂરિયું

ઇસરોના કાબેલ વિજ્ઞાનીઓએ તથા ટેક્નિશિઅનોએ ગયા મહિને PSLVની એક જ છલાંગે સામટા ૧૦૪ ઉપગ્રહોને અંતરિક્ષમાં નિયત ભ્રમણકક્ષામાં પહોંચાડી આપ્યા એ ખુમારીપ્રેરક અને ખુશાલીજનક પ્રસંગની ઉજવણી ‘સફારી’ની ટીમે કાર્યાલયમાં પેંડા પાર્ટી વડે કરી. એક કે બાદ એક પેંડાને ‘ન્યાય’ આપી રહેલા ટીમસભ્યો વચ્ચે ઇસરો અને તેની સિદ્ધિઓ વિશે જે ચર્ચા ચાલી તેમાં એક સરસ મુદ્દો અનાયાસે નીકળ્યો ઃ વિજ્ઞાન-ટેક્નોલોજિનાં આપણાં અન્ય સરકારી એકમો કેમ ઇસરો જેટલા કાર્યક્ષમ નથી ? મસ્ત સવાલ છે. થોડાક બેકગ્રાઉન્ડ સાથે તેનો ખુલાસો વાંચો--

આજથી ૬૦ વર્ષ પહેલાં જગતનો સૌપ્રથમ ઉપગ્રહ ‘સ્પુતનિક’ રશિયાએ ચડાવ્યો હતો. આ ઉપગ્રહ માટે જરૂરી એવું રોકેટ સર્ગેઇ કોરોલ્યેવ નામના રશિયન ઇજનેરનું દિમાગી ફરજંદ હતું. રોકેટનો આઇડિઆ જગતને આપનાર કોન્સ્તેન્તિન ત્સિઓલ્કોવ્સ્કી નામનો ભેજાબાજ પણ રશિયન હતો. રાઇટ બ્રધર્સનું પહેલું પ્લેન હજી આકાર નહોતું પામ્યું ત્યારે કોન્સ્તેન્તિને ૧૮૯૫માં સૂચવ્યું હતું કે વધુ સ્પીડ માટે રોકેટને ત્રણ-ચાર તબક્કામાં વહેંચી દેવું જોઇએ. પહેલું કમ્પ્યૂટર અમેરિકાએ ૧૯૪૫ બનાવ્યું એ જાણીતી વાત છે. પરંતુ કમ્પ્યૂટર બનાવવામાં રશિયનો પાછળ નહોતા. ૧૯૫૦માં તેમણે 'Large Electronic Computing Machine' નામનું પાવરફુલ કમ્પ્યૂટર બનાવી દીધું હતું. ભૌતિકસિદ્ધાંતો વડે લેસર કિરણોના આઇડિઆનો પાયો જેણે નાખ્યો અને તે બદલ ૧૯૬૪નું નોબલ પારિતોષિક મેળવ્યું તે એલેક્ઝાન્ડર પ્રોખોરોવ રશિયન હતો. જગતનું સૌપ્રથમ સફળ હેલિકોપ્ટર ઇગોર સિકોર્સ્કી નામના રૂસી ભેજાબાજના હાથે બન્યું, તો અંતરિક્ષમાં માનવજાત વતી પહેલી હાજરી પૂરાવનાર અવકાશયાત્રી યુરી ગગારિન પણ રશિયન !

જુઅો, અમે અાઆગળ નીકળી ગયા ! સોવિયેત રશિયાના / USSRના
સ્પેસ પ્રોગ્રામની સફળતા ચમકાવતું ૧૯પ૮ના અરસાનું રૂસી પોસ્ટર
જુઓ કે જગતને રશિયાએ ઉપગ્રહ, રોકેટ, લેસર, કમ્પ્યૂટર વગેરે જેવી પાયાની મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધો આપી છે. આમ છતાં આજે તેમાંની એકેય શોધ ખુદ રશિયા માટે ખણખણિયા વરસાવી દેતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં પરિણમી નથી. દા.ત. રશિયન બનાવટનું કમ્પ્યૂટર ક્યાંય જોયું? કે પછી કોઇ મોટા ગજાની લેસર ઉત્પાદક રૂસી કંપની વિશે જાણો છો ? સ્પેસ ટેક્નોલોજિમાં પણ રશિયા કરતાં નાસા અને ઇસરો આગળ છે. એક સમયે વિજ્ઞાન-ટેક્નોલોજિના ક્ષેત્રે અગ્રેસર રહેલું રશિયા આજે કેમ પાછળ રહી ગયું ? કદાચ એટલા માટે કે રશિયાનાં ઘણાંખરાં વૈજ્ઞાનિક સંશોધનો તત્કાલીન સરકારોના રાજકીય દબાણ હેઠળ થયાં હતાં. અમેરિકાથી બે ડગલાં આગળ રહેવાનો સોવિયેત રશિયાના શાસકોનો ભયંકર હઠાગ્રહ હતો. પરિણામે અવનવા શોધ-સંશોધનનું મોતી વીંધી સોવિયેત સંઘનો ડંકો વગાડવા માટે તેઓ રૂસી વિજ્ઞાનીઓ પર ટોર્ચરની હદે દબાણ કરતા હતા. જેમ કે રશિયન અણુપ્રોગ્રામના પિતામહ આન્દ્રેઇ સખારોવ પર રિસર્ચકાર્ય એટલી હદે ઠોકી બેસાડાયું કે દિવસોના દિવસો સુધી તેને બંધ લેબોરેટરીમાં ‘નજરકેદ’ રખાયો હતો. સખારોવે વર્ષો પછી ડાયરીમાં નોંધ્યું તેમ, ‘લેબોરેટરીની નાની અમસ્તી બારીમાંથી હું રોજ સવારે સશસ્ત્ર સોવિયેત ચોકિયાતોને કૂચ કરતા જોતો હતો. લેબોરેટરીની આસપાસ તેમનો કાયમ ચોકીપહેરો રહેતો.’ સોવિયેત સ્પેસ પ્રોગ્રામના સૂત્રધાર સર્ગેઇ કોરોલ્યેવ પર સ્તાલિન વિરુદ્ધ કાવતરાં રચવાનો આરોપ મૂકી તેને સાઇબિરિયાની જેલમાં ધકેલી દેવામાં આવ્યો, જ્યાંના નર્કાગાર વાતાવરણમાં તેની પાસે ૬ વર્ષ રોકેટવિજ્ઞાન અંગે સંશોધનકાર્ય કરાવવામાં આવ્યું. યુદ્ધકાળમાં સ્તાલિનને મિસાઇલ બનાવવાની આવશ્યકતા જણાતા કોરોલ્યેવને તેણે સજામાફી આપી. મિસાઇલ બનાવવાના પ્રોગ્રામમાં ત્યાર બાદ તેને બળજબરીપૂર્વક જોતરી દેવામાં આવ્યો. વિમાનવિદ્યાના ખુરાંટ ઇજનેર આન્દ્રેઇ તુપલોવને પણ વર્ષો સુધી બંદીવાન બનાવીને તેની પાસે વિમાનો બનાવવા અંગેનું રિસર્ચ કરાવવામાં આવ્યું હતું. ઇગોર સિકોર્સ્કી પર તો સોવિયેત સરકારે એટલો બધો માનસિક ત્રાસ ગુજાર્યો કે કંટાળીને તે દેશ છોડી અમેરિકા વસી ગયો.

સોવિયેત રશિયાના લોખંડી પડદા ઓથે આવું બધું ચાલ્યું એ દરમ્યાન અમેરિકાએ શું કર્યું ? વોશિંગ્ટન સરકારે વિજ્ઞાનીઓને, ઇજનેરોને તેમજ સંશોધકોને પોતપોતાનું કામ કરવા માટે છૂટો દોર આપી દીધો. અવનવાં શોધ-સંશોધનો માટે સરકારે ન તેમના પર રાજકીય દબાણ કર્યું કે ન તેમના કાર્યમાં દખલગીરી કરી. અમેરિકાના બુદ્ધિધનને મુક્ત વાતાવરણ મળતાં કલ્પનાશક્તિને તેમજ વિચારશક્તિને પાંખો ફૂટી. આજે તેનું પરિણામ નજર સામે છે. સ્પેસ ટેક્નોલોજિથી (કે જેનો પાયો રશિયાએ નાખ્યો) માંડીને લેસર કિરણો (કે જેનો પણ પાયો રશિયાએ નાખ્યો) સુધી અમેરિકાએ વિશ્વબજારને સર કર્યું છે. ટૂંક સાર ઃ વિજ્ઞાન અને રાજકારણ તેલ-પાણી જેમ નોખા રહેવા જોઇએ. બેયને ભેગા કરવા જતાં ટ્રેજિક પરિણામો આવે છે. ઇસરોમાં આપણા રાજકર્તાઓનો બિલકુલ હસ્તક્ષેપ નથી--અને માટે જ ઇસરો આજે ઇસરો છે.

5 comments:

 1. If we generalise the post then: I think not only science but whole academic domain should be separated from politics.
  Developing the next generation and directing the future of the world should be independent of politics.

  Although this is a debatable comment, I would like to know your as well as others views.

  ReplyDelete
 2. Nice topic with nice information. thanks team safari.

  ReplyDelete
 3. પારદર્શી પૃથક્કરણ...

  ReplyDelete
 4. એક લેખ આપણાં દેશમાં જે શિક્ષણ નીતિ (ખાનગી)છે તેના પર પણ લખો એવી આશા કારણ કે જે રીતે શિક્ષા નો ધંધો કરી નાખ્યો છે તે જોતા બાળકો ના માતા પિતા પાસે પોતાની કિડની વેચવાનો વખત બહુ જલ્દી આવશે તેવું લાગે છે

  ઉદાહરણ તરીકે બીજા ધોરણ માં ભણતાં એક બાળકની વાર્ષિક ફિસ 17,500 છે અને એવા એક વર્ગ માં 50 બાળકો છે તો એક વર્ગની આવક થઈ 8,75,000 અને એવા A,B,C,D,E જેવા 5 વર્ગ છે તો 5 વર્ગ ની આવક થઈ 43,75,000 આતો ફક્ત બીજા ધોરણ ની વાત થઈ આવા તો નર્સરી થી માંડી ને ધોરણ 12 સુધીના વર્ગ છે જેની ફિસ પણ ધોરણ પ્રમાણે વધતી જાય છે.

  હવે શાળા નો બીજો ધંધો સ્કુલ યૂનિફોર્મ પણ શાળા ધ્વરા નક્કી કરેલ દુકાન પર જ મળે અને એની એની કિંમત પણ એક જોડ ની 600 રૂપિયા હોય તેવી 2 જોડી યૂનિફોર્મ ના 1200 રૂપિયા લાગે અને શનિવાર માટે એક અલગ જોડ હોય તેના 600 રૂપિયા એટલે ટોટલ 1800 રૂપિયા 1800×50= 90,000
  90,000×5=45,0000 આતો ફક્ત 5 વર્ગ નો હિસાબ છે અને શાળા આમાંથી પણ કટકી કાઢી લે છે
  હવે આગળ શૂઝ ની વાત બે પ્રકાર ના શૂઝ હોય એક જોડી શૂઝ ની કિંમત 600 હોય છે અને તે શૂઝ પાછાં બ્રાંન્ડેડ હોય અને એટલીજ કિંમત ના શૂઝ શનિવારે પહેરવા માટે ના હોય એટલે ટોટલ 1,200
  1,200 × 50=60,000
  60,000 × 5=30,000
  અને એના પછી વિવિઘ ડે ના નામે રૂપિયા ઉંઘરાવવા નું તો ચાલુ જ હોય પાછું
  હવે જે ગાડી માં બાળક નિશાળે જતું હોય તે એવરેજ 800 થી 1,000 રૂપિયા લે
  હવે તમેજ કહો આમાં ક્યાં શાળા જેવું કંઈ આવ્યું આને શાળા કેહવા કરતા ધંધો કહેવો શુ ખોટું છે ???
  વાલી ની હાલત વાલપાપડી જેવી થઈ જાય જો ઘરમાં ફક્ત બે બાળક હોય તો😋
  હું આશા રાખું કે તમે એક વખત તો આ વિષય પર કાંઈક પ્રતિક્રીયા આપો કારણ કે આ આવનારી પેઢી માટે ભવિષ્ય નો સવાલ છે

  બાકી હું તમારો એક નિયમીત વાંચક છું અને તમે જે એક એક અંક માટે મેહનત કરો છો તે દરેક અંક માં દેખાય જ છે અને છતાં તમારા અંક ની કિંમત વધતી નથી તે દાદ માંગી લે તેવું છે અને અચરજ તો ત્યાં થાય કે એક પણ જાહેરખબર વગર તમે અંકો પ્રકાશીત કરો છો (કોઈ અલાલદીન નો ચિરાગ તો નથી ને તમારી પાસે)
  બાકી મારી માટે તમારો એક એક અંક એક ગ્રંથ કરતા ઓછો નથી અને હું ખૂબ જતન થી સાચવું પણ છું તમારા દરેક અંક
  આશા રાખું કે તમે કંઈક પ્રકાશ પાડશો
  તમારો એક નિયમીત વાંચક
  પ્રફુલ મહાલે

  ReplyDelete