એર ઇન્ડિયા: સરકારી ખીલે બંધાયેલો સફેદ હાથી
એક મોજણી અનુસાર ભારતમાં જાહેરક્ષેત્રનાં સરકાર હસ્તક નાનાંમોટાં કુલ ૨પ૦ એકમો છે. આ પૈકી ૪૬ એકમો વર્ષો થયે ડચકાં ખાય છે અને વાર્ષિક કરોડો રૂપિયાની ખોટ કરે છે. અમુક એકમોના હિસાબી ચોપડે તો છેલ્લાં દસેક વર્ષમાં ક્યારેય નફો દર્જ થયો જ નથી, છતાં સિક યુનિટ જેવાં તે એકમોને સરકાર નિભાવી રહી છે. હકીકતે તેમનું ખાનગીકરણ કરીને સરકારે રોકડી કરી લેવી જોઇએ. પરંતુ જાહેર ક્ષેત્રનાં એકમો પર પોતાનો કન્ટ્રોલ જતો કરી રાજકીય આગેવાનોને ભ્રષ્ટાચારનો મોકો છોડવો નથી. આની સીધી અસર દેશની તિજોરી પર પડે છે. ખોટ કરતાં જાહેરક્ષેત્રનાં ૪૬ એકમો સરકારી તિજોરીમાં (અને દેશના કરદાતાઓના ખિસ્સામાં) વાર્ષિક રૂપિયા ૪૦,૬૫૦ કરોડનું ફાંકું પાડી રહ્યા છે. આ માતબર આંકડામાં જેનો સિંહફાળો છે તે એર ઇન્ડિયાની અહીં વાત કરીએ, જેણે ૨૦૧૧-૨૦૧૨ના વર્ષમાં રૂપિયા ૭,૮૫૩ કરોડનું જંગી નુકસાન કર્યું છે. (છેલ્લાં પાંચ વર્ષમાં એર ઇન્ડિયાએ કરેલું કુલ નુકસાન રૂપિયા ૨૮,૦૪૬ કરોડથી ઓછું નથી). આ સરકારી એકમના માથે આજે રૂપિયા ૪૦,૦૦૦ કરોડનું દેવું છે, જેને ભરપાઇ કરવું ખુદ તે એકમ માટે શક્ય નથી, કારણ કે વર્ષોથી તે ભારે ખોટમાં છે. આથી કેંદ્ર સરકારે તાજેતરમાં...