Monday, February 6, 2012

ફૂડ સિક્યૂરિ‌ટિ બિલ : ફૂલપ્રૂફ કે ફિતૂર ?

'The Indian National Congress pledges that every family living below the poverty line either in rural or urban areas will be entitled, by law, to 25 kgs of rice or wheat per month at Rs. 3 per kg.'

દેશના ગરીબોને ત્રણ રૂપિયે કિલોના ભાવે અનાજ પૂરું પાડવાનું વચન આપતું ઉપરોક્ત વાક્ય ૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં છાપ્યું હતું. સરકાર ગમે તે પક્ષની હોય, પરંતુ ચૂંટણીપરિણામો બાદ પોતાના ઘોષણાપત્રને અભેરાઇએ ચડાવી દેવાની આગુ સે ચલી આતી પરંપરાને દરેક પક્ષ અનુસરે છે. કોંગ્રેસે થોડા વખત પહેલાં એ પરંપરામાં જરા અપવાદ સર્જ્યો અને ૨૦૦૯માં દેશના ગરીબોને સસ્તા ભાવનું અનાજ પૂરું પાડવાનો જે વાયદો તેણે કર્યો હતો તેના અમલીકરણનો મેગાપ્રોજેક્ટ એકાએક હાથ ધર્યો. ફૂડ સિક્યૂરિટિ બિલના નામે બહુ ચગેલો એ મેગાપ્રોજેક્ટ સંસદમાં ભારે ધાંધલ બાદ આખરે પાસ થઇ ગયો. ધાંધલ મચ્યાનું કારણ એ કે પ્રોજેક્ટ રૂા. ૧,૦૦,૦૦૦ કરોડનો છે. આ ખર્ચાળ મેગાપ્રોજેક્ટ દેશમાં વ્યાપેલો ભયંકર ભૂખમરો દૂર કરવાના ઉમદા આશયથી હાથ ધરાયો હોત તો પ્રજાના પૈસા લેખે લાગત, પણ કોંગ્રેસે ફૂડ સિક્યૂરિટિ બિલના નામે પોલિટિકલ સોગઠી ખેલી હોય તેમ લાગે છે. ભૂખમરો વેઠતી પ્રજાને રાહતદરે અનાજ આપવાનો વાયદો કોંગ્રેસે છેક ૨૦૦૯માં કર્યો હતો અને હવે ત્રણેક વર્ષ પછી એકાએક વાયદાનું પાલન કરવાનું તેને કેમ સૂઝ્યું ? સંભવ છે કે ફૂડ સિક્યૂરિટિ બિલની સોગઠી તેણે દેશના પાંચ રાજ્યોમાં યોજાઇ રહેલી ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીઓમાં તેમજ આગામી (૨૦૧૪ની) લોકસભાની ચૂંટણીમાં કરોડો ગરીબોના મતો કોંગ્રેસી છાબડીમાં ખેરવી લેવા સારુ ખેલી હોય. હકીકત જે હોય તે ખરી, પણ લોજિકના ત્રાજવે ફૂડ સિક્યૂરિટિ બિલને મૂલવો ત્યારે તે ફિતૂર લાગે.


યુનાઇટેડ નેશન્સની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સંસ્થાના લેટેસ્ટ અહેવાલ મુજબ ભારતમાં ૨૩ કરોડ લોકો બે ટંકનું ખાવાનું પામી શકતા નથી. અર્થાત રોજિંદો ભૂખમરો વેઠે છે. અપૂરતા ખોરાકને લીધે કુપોષણનો ભોગ બનેલા લોકો તો આપણા દેશમાં ૪૧ કરોડ છે. પાંચ તેમજ તેથી ઓછી વયના ૪૩ ટકા બાળકોની ગણના અન્ડરવેઇટની કેટેગરીમાં થાય છે. આ ભયંકર સ્થિતિને હળવી કરવાના આશયે ખાદ્ય મંત્રાલય દર વર્ષે ૫.૫ કરોડ મેટ્રિક ટન ઘઉં તથા ચોખા વિવિધ સરકારી ગોદામોમાં ખડકે છે. આ જથ્થો ત્યાર બાદ દેશના જુદા જુદા ગામોનગરોમાં આવેલી ૫,૦૦,૦૦૦ રાશનની દુકાનોમાં પહોંચે છે, જ્યાંથી ઘઉ રૂા.૪.૧૫ પ્રતિકિલોના અને ચોખા રૂા.૫.૬૫ પ્રતિકિલોના રાહતદરે ગરીબોને આપવામાં આવે છે. રાહતદરે અપાતા આવા અનાજનો ખાદ્ય મંત્રાલયે બાંધેલો માસિક ક્વોટા પરિવારદીઠ ૩૫ કિલોનો છે. દર મહિને આથી વધુ રાશન એક પરિવારને અપાતું નથી. 

અલબત્ત, સવાલ એ કે પ્રત્યેક ગરીબ પરિવારને દર મહિને ૩૫ કિલો ઘઉંચોખા મળે છે ખરા ? જવાબમાં નનૈયો ભણવો રહ્યો. વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ ખાદ્ય મંત્રાલયે પૂરા પાડેલા ૫.૫ કરોડ મેટ્રિક ટન ઘઉં તેમજ ચોખા પૈકી લગભગ ૬૦ ટકા જથ્થો ગરીબો સુધી પહોંચતો જ નથી. અધવચ્ચે જ તેનો વેપલો થઇ જાય છે. આ હકીકત છે. ફૂડ સિક્યૂરિટિ બિલ વડે દેશના ગરીબોને બે ટંક ખાવાનું પૂરું પાડવાના ખ્વાબ બતાવતી કોંગ્રેસ સરકાર તેનાથી અજાણ હોય એમ માનવાને કારણ નથી. આમ છતાં અનાજની અત્યંત ભ્રષ્ટ વિતરણ વ્યવસ્થાને કાર્યક્ષમ બનાવવાને બદલે તેણે સરકારી ગોદામોમાં વધુ ઘઉંચોખાનો ખડકલો કરી તેમને કિલોદીઠ અનુક્રમે રૂા.૩ અને રૂા.૨ ના રાહતદરે ગરીબોને આપવાનો પ્લાન ઘડી કાઢ્યો. ફૂડ સિક્યૂરિટિના પ્લાનને અમલમાં મૂકવા માટે સરકારને વધારાના ૬૦ લાખ મેટ્રિક ટન ઘઉં તેમજ ચોખાનો ખપ પડશે, જેમના સંગ્રહ માટે સરકાર પાસે પૂરતાં ગોદામો નથી. નવાં ગોદામોનું ચણતર, ટ્રાન્સપોર્ટ, બજારમાંથી વધુ અનાજની ખરીદી વગેરે દરેક ખર્ચને ગણતરીમાં લો તો ફૂડ સિક્યૂરિટિ બિલ તત્કાલિન રૂા.૩,૦૦,૦૦૦ કરોડનું સાબિત થાય ! આ તોતિંગ ખર્ચ કર્યા પછી (તેમજ વધારાના ૬૦ લાખ મેટ્રિક ટન ઘઉં તથા ચોખા પાછળ દર વર્ષે રૂા.૨૭,૦૦૦ કરોડનો ખર્ચ કર્યા પછી) સરકારી અનાજ હાલના અત્યંત ભ્રષ્ટ વિતરણ નેટવર્ક મારફત ગરીબ પરિવારો સુધી પહોંચશે ખરું ?

કોઇ ગેરન્ટી નથી. ગરીબોને ત્રણ રૂપિયે કિલો ઘઉં અને બે રૂપિયે કિલો ચોખા આપવાનું તરકટ કોંગ્રેસને પોલિટિકલ માઇલેજ અપાવે તેમજ કરદાતાઓના માથે વાર્ષિક રૂા.૨૭,૦૦૦ કરોડનો બોજો ઠોકી બેસાડે એટલું જો કે નક્કી છે. ભ્રષ્ટાચારથી ખદબદતી રાશન વિતરણ સિસ્ટમને સરકાર ન સુધારે ત્યાં સુધી ફૂડ સિક્યૂરિટિ બિલ ફુલપ્રૂફ સાબિત થાય તેમ નથી. પરંતુ ભ્રષ્ટાચારના વિવિધ કૌભાંડોમાં સંડોવાયેલી સરકાર પાસે એવી આશા રાખવી પણ હાલતુરત તો નકામી છે.

Monday, January 9, 2012

ગીરનારનો રોપ-વે ગીરનારી ગીધ માટે 'સ્‍વર્ગની સીડી' બની જશે ?

રામાયણના જટાયુને બાદ કરો તો મડદાં પર નભનારાં ગીધને આપણે ત્યાં ખાસ આદરભરી નજરે જોવાતાં નથી, પણ છેલ્લાં પાંચ-સાત વર્ષ દરમ્યાન તેમનાં માનપાન અને માવજત વધ્યાં છે. વધવાનું કારણ તેમની વસ્તીમાં ચિંતાજનક હદે થયેલો ઘટાડો છે. ૧૯૮૦ના દસકામાં ભારતનાં ૬ સ્પીસિસનાં ગીધોનો કુલ વસ્તીઆંક જ્યાં આઠેક કરોડ જેટલો ગણાતો ત્યાં આજે તે થોડાક હજાર પર આવી ગયો છે. ગુજરાતની વાત કરો તો ૨૦૦૫માં ફક્ત ૨,૬૫૦ ગીધ બચ્યાં અને હવે તો આબાદી ૧,૪૦૦ કરતાં પણ ઓછી છે.

આ તારાજી પાલતું ઢોરઢાંખરોને શારીરિક સોજાના ઓસડ તરીકે અપાતી ડાઇક્લોફેનેક નામની દવાને આભારી છે. દવાનું C22H38O5 એવું રાસાયણિક બંધારણ ઢોરોનાં મડદાં ખાનાર ગીધોની કિડનીને ખુવાર કરી નાખે છે, એટલે લાંબે ગાળે તેમનું મૃત્યુ નીપજે છે. કેંદ્ર સરકારે ૨૦૦૬માં ડાઇક્લોફેનેકને પ્રતિબંધિત જાહેર કર્યા છતાં તેના વેચાણમાં તથા વપરાશમાં ખાસ ફરક પડ્યો નથી. પરિણામે કુદરતના સફાઇ કામદાર જેવાં ગીધોનો સફાયો ચાલુ છે. સૌથી વધુ ઘટાડો Long-billed vulture/ગીરનારી ગીધની સંખ્યામાં થયો છે. ખુદ ગીરનારના ૧૮૦ ચોરસ કિલોમીટરના જંગલમાં એ સ્પીસિસનાં ગીધ દુર્લભ બન્યાં છે. એક સમયે તેઓ એટલી મબલખ સંખ્યામાં જોવા મળતાં કે તેમનું નામ લાંબી ચાંચનાં ગીધને બદલે ગીરનારી ગીધ પડ્યું.
 આ ગીધ કેટલાંક વર્ષ થયે ચર્ચામાં છે. આજકાલ તો ચર્ચાસ્પદ પણ છે, કેમ કે તેને Z+ સિક્યોરિટી આપવાના મુદ્દા પર ગુજરાત સરકાર અને કેંદ્ર સરકાર વચ્ચે ઘર્ષણ જામ્યું છે. ઘર્ષણના મૂળમાં રોપ-વેનો સૂચિત પ્રોજેક્ટ છે, જેના અમલીકરણ માટે કેંદ્રનું પર્યાવરણ મંત્રાલય બિનશરતી મંજૂરી આપતું નથી. ગીરનારની તળેટીના ભવનાથ મંદિરથી શરૂ કરીને ૧,૦૩૫ મીટર ઊંચેના શિખરે અંબાજી મંદિર સુધી લગભગ ૫,૦૦૦ પગથિયાં ચડવાનો પરિશ્રમ યાત્રાળુ લોકોએ ન કરવો પડે એ રોપ-વે પ્રોજેક્ટનો મૂળભૂત હેતુ છે. ઊડનખટોલા કહેવાતો પ્રોજેક્ટ નક્કી કરાયો તો છેક ૧૯૬૮માં, પરંતુ ટેક્નિકલ કારણોસર યોજના અમલી ન બની. અંતે ૨૦૦૮માં બાંધકામ માટે ૧૨૦ કરોડનું બજેટ ફાળવી શિલારોપણ કરાયું અને ઉષા બ્રેકો કંપનીને રોપવેનો કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે ગીરનારી ગીધની સુરક્ષાનો મુદ્દો વચ્ચે આવ્યો. એકંદરે કાળાશ પડતાં રાખોડી પીછાંવાળાં ગીધને રોપ-વેના કારણે ખલેલ પહોંચે એ ન ચાલે.

તળેટીથી ટોચ સુધી રોપ-વે માટે નક્કી થયેલા માર્ગ નીચે તથા નજીકમાં વૃક્ષો પર ગીરનારી ગીધનાં ૨૨ માળા છે, જેમાં કુલ ૪૭ ગીધ વસે છે. આ પક્ષીઓ મુખ્યત્વે વન્ય જનાવરોનાં મૃતદેહો પર નભે છે, જેમનાં માંસમાં ડાઇક્લોફેનેક હોતું નથી. રોપ-વેના અવિરત ટ્રાફિક દ્વારા ખલેલ પડવાને લીધે તમામ ગીધ પોતાના માળા તજી ગ્રામ્ય વિસ્તાર તરફ જતાં રહે એ મોટું જોખમ છે. પાલતું ઢોરોનાં ડાઇક્લોફેનેક વડે દૂષિત મડદાંનો આહાર ત્યાર પછી તેમને જીવતાં રહેવા ન દે. આથી કેંદ્રના પર્યાવરણ મંત્રાલયે રોપ-વે માટે પરવાનગી આપવાની બાબતે શરત મૂકી છે કે દોરડાની ગરગડીનો દરેક મિનારો ખાસ્સો ઊંચો હોવો જોઇએ અને માળામાં પક્ષીની આવનજાવન થતી દેખાય એ વખતે cable car/પેસેન્જર કેબિનોના ટ્રાફિકને સ્થગિત કરી દેવો જોઇએ. ઉપરાંત ગીધો માટે સલામત ભોજનની સ્થાનિક ‘રેસ્ટોરન્ટ’ ખોલાય એ જરૂરી છે.

આ શરતો મૂકાયા પછીયે ૨.૩ કિલોમીટર લાંબા રોપ-વેના માર્ગનું પર્યાવરણના દ્રષ્ટિકોણે સર્વેક્ષણ હજી ચાલુ છે. પર્યાવરણના નામે કરાતી આવી લાંબી પળોજણ પાછળનું લોજિક સમજાતું નથી. કુદરતનાં સફાઇ કામદારોની ભૂમિકા અદા કરતાં ગીધો પાસે અપેક્ષા તો એ રખાય છે કે તેઓ ઢોરઢાંખરોનાં મડદાંને થાળે પાડી દે, જેથી બદબો અને બિમારી ફેલાય નહિ. ડાઇક્લોફેનેકનું જોખમ ધ્યાનમાં લેતાં સફાઇનું એ કામ જ તેમની પાસે ન કરાવવાનું હોય તો તેમનાં રક્ષણ માટે આટલી જફા કર્યાનો મતલબ શો ? સરકારે ડાઇક્લોફેનેકના પ્રતિબંધનું કડક રીતે પાલન કરાવવું જોઇએ, પણ સરકારના કમનસીબે તે મક્કમ નિર્ધાર અને નિષ્ઠા માગી લેનારું કાર્ય છે.

Wednesday, January 4, 2012

ચંદ્રકળા -- ડિસેમ્‍બર ૧૦, ૨૦૧૧

ડિસેમ્‍બર ૧૦, ૨૦૧૧ની મોડી સાંજે પૂર્વના આકાશમાં જે અદભૂત સ્‍કાય-શો જોવા મળ્યો તેની કેમેરામાં ઝડપાયેલી પળો--

નોંધઃ આ તસવીરો અંગ્રેજી 'સફારી'ના જાન્‍યુઆરી ૨૦૧૨ના અંકમાં 'મેગાપિક્સેલ' વિભાગ હેઠળ પ્રગટ કરી છે.

Friday, December 2, 2011

ટેલિવિઝન ન્‍યૂઝચેનલો : Breaking ના નામે હાંકે રાખોની હરિફાઇ

એક જાણીતી ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ થોડા વખત પહેલાં યોગગુરુ બાબા રામદેવને ઇન્ટર્વ્યૂ દરમ્યાન સવાલ કર્યો : ‘ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહેલી ટીમ અણ્ણા દેશના કાળા નાણાં વિશે કોઇ મુદ્દો ઉઠાવી નથી રહી. આ બાબતે તમારો શો અભિપ્રાય છે ?’

બાબા રામદેવ : ‘એ તેમનો વ્યક્તિગત મામલો છે. કાળા નાણાંના મુદ્દાને તેઓ ટેકો આપે કે ન આપે તેનાથી મને કશો ફરક પડતો નથી. ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરુ કર્યું એ પહેલાંથી હું કાળા નાણાં સામે ઝૂંબેશ ચલાવી રહ્યો છું. આ ઝૂંબેશ મારી રાષ્ટ્રીય ફરજ છે. અણ્ણા હજારે તે ઝૂંબેશને ટેકો આપે તો ઠીક અને ન આપે તો પણ ઠીક.’

આટલો વાર્તાલાપ પૂરો થયો ત્યાં બીજી જ મિનિટે ન્યૂઝચેનલે તેના લાઇવ સમાચારનું મથાળું બાંધ્યું : Breaking News: Baba Ramdev attack on Team Anna!

રામદેવે ટીમ અણ્ણા વિરુદ્ધ કોઇ પણ જાતનું જલદ વાક્ય ઉચ્ચાર્યું ન હતું. ઊલટું, ન્યૂઝરિપોર્ટરે પોતે તેના સવાલમાં એમ કહ્યું કે ટીમ અણ્ણા દેશના કાળા નાણાંના મુદ્દે અવાજ ઊઠાવતી નથી અને છતાં ન્યૂઝચેનલે રાઇનો પર્વત ઊભો કર્યો.

આ પ્રસંગ ભારતનું ઇલેક્ટ્રોનિક મીડિઆ હજી કેટલું અપરિપક્વ છે તેમજ સમાચારને સનસનીખેજ બનાવવા ખાતર કેટલી હદે શાબ્દિક છૂટછાટ લે છે તેનું ઉદાહરણ છે. એક સમયે આવાં પ્રસંગો અપવાદ ગણાતાં, જ્યારે આજે જાણે કે નિયમ બન્યાં છે. સમાચારોને સીધાસાદા સ્વરૂપે રજૂ ન કરવા; ઊલટું, દર્શકગણમાં સસ્પેન્સનું, ઉત્કંઠાનું અને તણાવનું વાતાવરણ ઊભું થાય એ ખાતર સીધાસાદા સમાચારનેય બહેલાવીચગાવીને તેમજ સેન્સેશનલ બનાવીને રજૂ કરવાનો ધારો પડી ગયો છે. દેશની અનેક ન્યૂઝચેનલોએ પોતપોતાના TRP/Television Rating Points વધારવા અગર તો જાળવી રાખવા માટે તે ધારો અપનાવી લીધો છે. સ્વાભાવિક વાત છે કે ચેનલનો TRP જેટલો ઊંચો એટલી વધુ જાહેરાતો તેને મળી શકે. અમુક ન્યૂઝચેનલો તો વળી Paid News ની હાટડી માંડીને બેઠી છે. પોતાની જાહેરાત સમાચારના સ્વરૂપે રજૂ કરવા માગતી (અને તે બહાને વધુ લોકો સુધી પહોંચવા માગતી) કંપનીઓ એવી ન્યૂઝચેનલોને  Paid News હેઠળ માતબર રકમ ચૂકવે, જેના બદલામાં ન્યૂઝચેનલ તે કંપનીના, તેની પ્રોડક્ટ્સના તેમજ કંપનીના સંચાલકોના ગુણગાન ગાતો રીતસરનો ન્યૂઝરિપોર્ટ તૈયાર કરી દર્શકો સમક્ષ સમાચારના સ્વરૂપે રજૂ કરે છે. 
ન્યૂઝચેનલો દ્વારા મીડિઆના આવા દૂરુપયોગને કારણે સમાચારોની ગંભીરતાનો તેની વિશ્વસનીયતાનો, દેશ પર તેની નિકટતમ યા દીર્ઘકાલિન અસરોનો તેમજ વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. દેશનો સરેરાશ નાગરિક એ બાબતે બેધ્યાન છે, જ્યારે સરકારનું સૂચના અને પ્રસારણ મંત્રાલય નિદ્રાધિન છે. ટેલિવિઝન મીડિઆ પર કોઇપણ જાતનો અંકુશ ભારત સરકારે રાખ્યો નથી, માટે ચેનલોના સંચાલકોને છૂટ્ટો દોર મળ્યો છે.

આ સ્થિતિમાં બદલાવ આણવા માટે થોડા દિવસો પહેલાં પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન માર્કંડેય કાત્જુએ સૌપ્રથમ વખત પહેલ કરી. દેશભરની ચેનલોને કાઉન્સીલના કાયદાઓના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ તેમણે રજૂ કર્યો. પરિણામ કાત્જુએ ધાર્યા મુજબનું આવ્યું. બધી ન્યૂઝચેનલો તેમને લઇ પડી અને તેમના નિવેદનોનું પોતાપોતાની રીતે અર્થઘટન કરીને તેમજ હકીકતોને તોડીમરોડીને સમાચારરૂપે રજૂ કરી. ઇલેક્ટ્રોનિક મીડિઆના સંગઠને કાત્જુને રોકડું પરખાવ્યું કે તમે પ્રેસ કાઉન્સીલના વડા છો, માટે પ્રિન્ટ મીડિઆથી નિસ્બત રાખો; ઇલેક્ટ્રોનિક મીડિઆમાં ચંચૂપાત ન કરો. અપમાનજનક કડવા અનુભવો થવા છતાં મક્કમ મનોબળના અને સ્પષ્ટ વિચારસરણીના કાત્જુ ડગ્યા નહિ. દેશનું પ્રિન્ટ મીડિઆ (અખબારો) પર જેમ ૧૯૬૬ની સાલથી પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની કાયદાકીય દેખરેખ છે તેમ ઇલેક્ટ્રોનિક મીડિઆને (ટી.વી. ચેનલોને) પણ કાઉન્સીલ હેઠળ મૂકવાની દરખાસ્ત તેમણે પ્રધાનમંત્રીને લખી મોકલી અને કાઉન્સીલને વધુ સત્તાકીય અધિકારો આપવા માટે અપીલ કરી. આમ કરવા પાછળ માર્કંડેય કાત્જુનો એકમાત્ર ઉદ્દેશ મીડિઆનો દુરુપયોગ થતો અટકાવવાનો અને ખાસ તો ન્યૂઝચેનલોને પરિપક્વ બનાવવાનો છે, માટે તેમનું એ પગલું બિરદાવવાલાયક છે. પાવરફુલ મીડિઆ લોબી સામે કાત્જુની જીત થયાના Breaking News ની ઇન્તેજારી રહેશે!

Monday, November 7, 2011

ભારતના માલેતુજાર પ્રધાનોની મૂડીમાં બઢતી અને બઢતી

પાકિસ્તાનમાં ૧૯૭૦ના અરસા દરમ્યાન બિઝનેસમેન-કમ-પોલિટિશયન નવાઝ શરીફના ખાનદાન સહિત ૨૨ કુટુંબો દેશની ૬૬% ઔદ્યોગિક સંપત્તિ ધરાવતાં હતાં. આમાં ઘણાં ખરાં કુટુંબો એવાં કે જેમના અગ્રણી સભ્યને પ્રાંતમાં યા કેંદ્રમાં પ્રધાનપદ મળ્યું હતું. આપણને તે વખતે ભારત સરકારના પ્રધાનો કેટલી સંપત્તિના આસામી છે તેના અંગે કશી જાણકારી ન હતી. દેખીતું કારણ એ કે રાજકીય ભ્રષ્ટાચાર ત્યારે પણ રાષ્ટ્રવ્યાપી હોવા છતાં સરકારે પ્રજાના દબાણ સામે ઝૂકી નછૂટકે સંપત્તિના આંકડા જાહેર કરવા પડે એટલી હદે જનમત કેળવાયો ન હતો.
 
આજે કૌભાંડો વડે ઘેરાયેલી કેંદ્ર સરકારે પોતાની છબી સુધારવા માટે પારદર્શકતાના નામે પ્રધાનોની માલમિલકતના આંકડા વેબસાઇટ (http://pmindia.nic.in/rti.htm) પર મૂકવા પડ્યા છે. પગલું આવકારપાત્ર છે, પણ આંકડાની જરા છણાવટ કરો તો છબી સુધરવાને બદલે ક્યાંય વધારે બગડી હોય તેમ જણાય છે. સરકારની જમ્બો કેબિનેટના ૭૭ પ્રધાનોની કુલ મિલકત Rs.૮૧૬ કરોડ છે--એટલે કે પ્રજાનો તે દરેક કથિત સેવક સરેરાશ Rs.૧૦.૬ કરોડનો આસામી છે. સૌથી ચોંકાવનારો કુબેરભંડાર સિનિઅર કોંગ્રેસી નેતા કમલનાથનો છે. ચાલીસેક વર્ષ પોલિટિક્સમાં જ રહીને તથા બાંધ્યા પગારનું માત્ર પ્રધાનપદું ભોગવીને તેમણે Rs.૨૬૩ કરોડનો દલ્લો શી રીતે એકઠો કર્યો તેનો ખુલાસો વડા પ્રધાનના કાર્યાલયે મૂકેલી વેબસાઇટમાં મળતો નથી.
 
વધુ ઘેરું રહસ્ય હોય તો કેંદ્રના પ્રધાનોની સંપત્તિમાં આવેલી ઝડપી બરકતનું, જેને ફિલ્મી ભાષામાં વન ટુ કા ફોર કહો તો ચાલે. મે, ૨૦૦૯માં પ્રધાનદીઠ મિલકતનો સરેરાશ ફિગર Rs.૭.૩ કરોડ હતો, જે માત્ર ૨૮ મહિના પછી ઓગસ્ટ, ૨૦૧૧માં એવરેજ Rs.૩.૩ કરોડના વધારા સાથે Rs.૧૦.૬ કરોડની સપાટીએ પહોંચ્યો. વિશેષ ધ્યાન ખેંચનાર અને દરેક ધંધાદારી અકાઉન્ટન્ટ માટે વિચારપ્રેરક દ્રષ્ટાંત પ્રફુલ્લ પટેલનું લેખાય, જેમણે મે, ૨૦૦૯ની ચૂંટણી વખતે એફિડેવિટમાં પોતાની અસ્કયામતો Rs.૭૯ કરોડ હોવાનું જણાવ્યું હતું. ૨૦૧૧ના ઓગસ્ટ સુધીમાં તો તેમણે પોતાની સ્થાવર અને જંગમ મિલકતો વધારીને Rs.૧૨૨ કરોડ જેટલી કરી નાખી. સાદી ગણતરી માંડો તો જણાય કે વચગાળાના ૨૮ મહિનામાં તેમની આવકનું મીટર રોજના Rs.૫,૦૦,૦૦૦ કરતાં વધુ દરે ફર્યું. આ બધો સમય તેઓ નાગરિક ઊડ્ડયન ખાતાના પ્રધાન હતા.
 
આશ્ચર્યના બીજા આંચકા માટે તૈયારી રાખો. પ્રફુલ્લ પટેલની સંપત્તિમાં ૫૩%નો વધારો જો માનો યા ન માનો જેવો જણાતો હોય તો ૧૦૯૨%ના વધારા અંગે શું માનો છો ? કેંદ્ર સરકારના એસ. જગતરક્ષકન નામના મંત્રીએ ૨૦૦૯માં ચૂંટણી વખતના સોગંદનામા મુજબ પોતાની મૂડી Rs.૫.૯ કરોડ બતાવી હતી. ૨૦૧૧માં તેમનો એ જુમલો રોકેટવેગે વધીને Rs.૭૦ કરોડે પહોંચ્યો. ધનભંડારમાં તેમણે રોજેરોજ સરેરાશ Rs.૭,૬૨,૦૦૦ ઉમેર્યા. જુનિઅર પ્રધાન મિલિંદ દેવરાને તેમણે ક્યાંય ભોંઠાં પાડી દીધા, કારણ કે દેવરાએ રોજના લગભગ Rs.૧,૯૦,૦૦૦ કરતાં વધુ ગજુ કાઢ્યું નહિ. બીજા જુનિઅર પ્રધાન રાજીવ શુક્લનું ગાડું દૈનિક Rs.૨,૬૦,૦૦૦ પાસે અટક્યું.

આ બધા જાજરમાન આંકડા જોયા પછી સવાલ એ થાય કે સરકારને દૂધે ધોયેલી જાહેર કરવા વડા પ્રધાને દાખવેલી પારદર્શકતામાં ખરેખર પારદર્શક જેવું શું છે ? પ્રધાનોની આંજી દેતી સંપત્તિ પ્રજાની નજર સામે આવી છે, પણ આવકના કયાં સાધનો દ્વારા સંપત્તિનો ખડકલો કરાયો તે જાણવાનો પ્રજાને અધિકાર ખરો કે નહિ ? પાયાનો સવાલ તો એ છે. સવારથી સાંજ લગી કેંદ્ર સરકારના મંત્રાલયમાં (અને વચ્ચે ક્યારેક પાર્લામેન્ટમાં) બેસી રહેતો પ્રધાન રોજના પાંચ-સાત લાખ રૂપિયાની ટંકશાળ કેવી રીતે પાડે એ પ્રજાએ જાણવું રહ્યું અને સરકારે જણાવવું રહ્યું. ખાસ કરીને એવા માહોલમાં કે જ્યાં (ડો. અર્જુનસેન ગુપ્તા કમિટિના રિપોર્ટ મુજબ) ૮૩.૬ કરોડ લોકોને રોજની Rs.૨૦ થી વધુ આમદાની મળતી નથી.

Tuesday, October 4, 2011

ગરીબીનાબૂદીના શોર્ટ-કટ જેવી ગરીબીરેખાની નવી વ્યાખ્યા

અર્થતંત્રના આંકડાઓની વિશ્વસનીયતા માટે અંગ્રેજીમાં એક જાણીતી ઉક્તિ છે: Lies, damn lies and statistics ! ગુજરાતીમાં તેનો સરળ તરજુમો કરવો હોય તો કંઇક આવો થાય: જુઠ્ઠાણું, હળાહળ જુઠ્ઠાણું અને એનાથી પણ વધુ જુઠ્ઠાણું એટલે અર્થતંત્રના આંકડા ! 

આ ઉક્તિને સાચી ઠરાવતો એક તાજો દાખલો દિલ્હીની સરકારે ગયે મહિને ‘ગરીબી’ શબ્દની નવી વ્યાખ્યા બાંધીને બેસાડ્યો. વ્યાખ્યા મુજબ શહેરી વિસ્તારમાં રોજના Rs.૩૨ અને ગ્રામ્ય વિસ્તારમાં રોજના Rs.૨૬ કે તેથી વધુ ખર્ચ કરનારી વ્યક્તિને ગરીબ કહી શકાય નહિ. પરિણામે એવી વ્યક્તિને સરકાર તરફથી Below Poverty Line/BPL યોજનાઓ હેઠળ અપાતા લાભો મળી શકે નહિ.  આ વ્યાખ્યાએ ભારતીય અર્થતંત્રના આંકડાઓને કેવી રીતે બદલી નાખ્યા તે સમજવા જેવું છે.

આપણે ત્યાં ‘ગરીબ’ શબ્દને લગતી વ્યાખ્યા હંમેશાં વિવાદાસ્પદ રહી છે. લગભગ ૬૫ વર્ષ પહેલાં એમ નક્કી થયું હતું કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજનો અનુક્રમે ૨,૧૦૦ કેલરીથી અને ૨,૪૦૦ કેલરીથી ઓછો ખોરાક પામતા હોય તેમને ગરીબ તરીકે વર્ગીકૃત કરવા જોઇએ. આવી સંકુચિત વ્યાખ્યાને હાસ્યાસ્પદ ગણવી રહી, કેમ કે પર્યાપ્ત કેલરી મેળવતી વ્યક્તિ પાસે સાબુ, કેરોસીન, પગરખાં, કપડાં વગેરે ખરીદવાના પૈસા ન હોય તો પણ વ્યાખ્યા મુજબ એ ગરીબ કહેવાય નહિ. આમ છતાં આપણી સરકારો આવા ભ્રામક માપદંડને વળગી રહી. છેવટે નવેમ્બર, ૨૦૦૯માં ભારતના આયોજન પંચે નીમેલી સુરેશ તેન્ડુલકર સમિતિએ ગરીબીરેખા અંગે નવાં ધારાધોરણોનો રિપોર્ટ આપ્યો. નવાઇની વાત એ કે રિપોર્ટ ૨૦૦૪-૦૫માં જે તે ચીજવસ્તુઓના (દા.ત. ઘઉં, ચોખા, મીઠું વગેરેના) ભાવોને આધારે તૈયાર કરાયો હતો, જે મુજબ શહેરી વિસ્તારમાં જે વ્યક્તિ રોજના Rs.૨૦ કરતાં અને ગ્રામ્ય વિસ્તારમાં જે વ્યક્તિ રોજના Rs.૧૫ કરતાં ઓછી રકમ ખર્ચતી હોય તે ગરીબ લેખાય એવું તેન્ડુલકર સમિતિએ ઠરાવ્યું.
Photo: AP
આ આંકડાઓના જ આધારે ગયે મહિને આયોજન પંચે ગરીબીરેખાનું નવું માપદંડ નક્કી કર્યું. વ્યક્તિની દૈનિક ખરીદશક્તિની ગણતરી માંડતી વખતે તેણે ચીજવસ્તુઓના ૨૦૦૪-૦૫ની સાલના જ ભાવોને ધ્યાનમાં લીધા. ખરેખર તો ૨૦૧૧ના ભાવોને કેંદ્રમાં રાખી હિસાબ માંડવો જોઇએ, પણ એમ કરવા જતાં ગરીબીરેખા નક્કી કરતો આંકડો ઊંચો આવે એ સ્વાભાવિક હતું. એક ગણતરી મુજબ ફુગાવાના વર્તમાન દરને તેમજ મોંઘવારીને ધ્યાનમાં લો તો રોજની સરેરાશ ૨,૨૦૦ કેલરી મેળવવા માટે જરૂરી ખોરાક પાછળ આજે Rs.૪૪ કરતાં ઓછો દૈનિક ખર્ચ ન થાય. જીવનજરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પાછળ થતા ખર્ચનો પણ કરકસરિયો હિસાબ ગણો તો બીજા Rs.૫-૭ ઉમેરી શકાય. (FYI: ગરીબીરેખા માટે વર્લ્ડ બેન્કે ઠરાવેલો દૈનિક ખર્ચ ૧.૨૫ ડોલર છે). તાજેતરમાં Rs.૩૨નો આંકડો તો પછી ગરીબીરેખાના લેવલ તરીકે પસંદ કેમ કરાયો ?
કારણ સમજી શકાય તેવું છે: ગરીબીરેખાનો સૂચકઆંક જેટલો નીચો, દેશમાં ગરીબોની સંખ્યા એટલી ઓછી ! ગરીબીરેખાનો નવો દર Rs.૩૨ નો કર્યા પછી આજે ભારતમાં ૪૦.૭૪ કરોડ લોકો ગરીબીરેખા નીચે જીવતા હોવાનું કહેવાય છે. (આ આંકડો પ્લાનિંગ કમિશને માત્ર અંદાજ માંડીને તારવ્યો છે). માનો કે ગરીબીરેખા Rs.૩૨ ને બદલે Rs.૫૦ મુજબ ગણો તો શું બને? દેખીતી વાત કે દેશમાં ગરીબોની સંખ્યાનો ફિગર ૪૦.૭૪ કરોડ કરતાં ક્યાંય વધી જાય. ગરીબીનાબૂદીનાં બણગાં ફૂંકતી સરકાર માટે એ સ્થિતિ આવકાર્ય નથી.

ગરીબોનું જીવનસ્તર ઊંચે લાવવાનો સારો ઉપાય ફુગાવાના દરને ઘટાડવાનો છે, પણ એમ કરવામાં સરકાર નિષ્ફળ ગઇ છે. પરિણામે ગરીબીનો આંક ઘટાડવાના શોર્ટ-કટ ઇલાજ તરીકે તેણે ગરીબીરેખાને જ તેના જરૂરી સ્તર કરતા નીચા લેવલે આણીને મૂકી દીધી છે. આને અર્થતંત્રના આંકડા સાથે manipulation/ચેડાં ન કહો તો બીજું શું કહો ? 

એક જાણીતા અર્થશાસ્ત્રીના મતે ભારતની પ્રગતિનો ઘણો ખરો લાભ આર્થિક રીતે ઉપલા વર્ગના લોકોને મળે છે, જેમની સંખ્યા ૨૨.૫ કરોડથી વધારે નથી. સૌથી ગરીબ એવા ૧૦% લોકોને દેશની આવકનો કુલ માત્ર ૩% હિસ્સો પ્રાપ્ત થાય છે. સૌથી પૈસાદાર એવા ૧૦% લોકો કુલ ૩૧% હિસ્સો લઇ જાય છે. આમ છતાં દિલ્હીમાં બેઠેલી સરકાર આમ આદમીની હોવાનો દાવો કરે છે.

Update: તાજા સમાચાર મુજબ પ્‍લાનિંગ કમિશને ગરીબીરેખાની વ્‍યાખ્‍યા પર પુનઃવિચાર કરવાનું ઠરવ્‍યું છે.

Friday, September 2, 2011

અન્નાનું ભ્રષ્‍ટાચાર વિરોધી આંદોલન આટલું ગાજ્યું કેમ?

ભ્રષ્ટાચારને અંકૂશમાં રાખવા ખાતર છેક ૧૯૬૮માં જેની રચના કરાઇ હતી તે લોકપાલ બિલે ગયે મહિને ફરી વખત ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો. અગાઉ ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૫, ૧૯૮૯, ૧૯૯૫, ૨૦૦૧, ૨૦૦૫ અને ૨૦૦૮ એમ નવેક વખત લોકપાલ બિલ ભારતીય સંસદમાં રજૂ પામ્યું અને દરેક વખતે સાંસદોએ તેને ઠુકરાવી પોતાની અમર્યાદ સત્તાનો વિશિષ્ટાધિકાર ભોગવ્યો. ૨૦૧૧માં એ ઘટનાનું વધુ એક વખત પુનરાવર્તન થયું. આ વખતે જો કે સ્થિતિ જુદી હતી. ભૂતકાળમાં વારંવાર ઊઠેલા અને થોડા જ વખતમાં શમી ગયેલા લોકપાલ બિલના મુદ્દાએ ગયે મહિને ‘ક્રાંતિ’ની જ્વાળા ચેતાવ્યા પછી તેણે જલદી બૂઝવાનું નામ ન લીધું. ઊલટું, દિવસોદિવસ તે વધુ ને વધુ તેજ થતી રહીને છેવટે દાવાનળની માફક દેશ આખામાં ફેલાઇ. આમ કેમ બન્યું ? એવું તે શું પરિવર્તન એકાએક આવ્યું જેણે અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને દેશમાં જ નહિ, પરદેશમાં પણ ચર્ચાનો મુદ્દો બનાવ્યો ?

જવાબનું મૂળ તપાસવું હોય તો ભારતના રાજકારણમાં નહિ, પણ અર્થશાસ્ત્રમાં થોડુંક ઉત્ખનન કરવું જોઇએ. નહિ, ઇકોનોમિક્સના અટપટાં સિદ્ધાંતો અને વાયડાં સમીકરણો સાથે બાથ ભીડવાની અહીં વાત નથી. મુદ્દો અલગ છે એટલું જ નહિ, પણ જરા વિચારપ્રેરક છે.

આજથી અઢી દાયકા પહેલાં ૧૯૮૫-૮૬ના અરસામાં ભારતની ૯૩% પ્રજા એવી હતી કે જેમની માસિક આવક રૂપિયા ૭,૫૦૦ જેટલી હતી. આ જબરજસ્ત સંખ્યામાં લગભગ ૩૮% લોકો એવા કે જેઓ ગરીબીરેખા નીચે જીવન ગુજારતા હતા. નરસિંહ રાવે ૧૯૯૧માં ઉદાર આર્થિક નીતિ અપનાવી ત્યારે અનેક બિનજરૂરી નીતિનિયમોની સાંકળે બંધાયેલા ભારતીય અર્થતંત્રે પહેલી વાર આઝાદીનો શ્વાસ લીધો. દેશનો આયતનિકાસ વેપાર વધ્યો, માટે આર્થિક વિકાસદર પણ વધ્યો. દસેક વર્ષમાં તો ગરીબીરેખા નીચે જીવતા લોકોની સંખ્યા ઘટીને ૨૬% ના આંકડે આવી, જ્યારે માસિક રૂપિયા ૭,૫૦૦ જેટલી આવક ધરાવતા ભારતીયોનો ફિગર ૯૩%થી ઘટીને ૫૪% સુધી પહોંચ્યો. આ બંને દરમાં નોંધાયેલો ઘટાડો એ વાતનો સૂચક હતો કે ભારતમાં લોકોનું આર્થિક જીવનસ્તર (નહેરુ-ઈંદિરા અને રાજીવ ગાંધીના શાસનકાળની તુલનાએ) ક્યાંય ઊંચું ગયું હતું.

ઉદાર આર્થિક નીતિએ આણેલા પરિવર્તનનો બીજો દાખલો--રૂપિયા ૨૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વચ્ચેની માસિક આવક ધરાવતા લોકો અર્થશાસ્ત્રની ફૂટપટ્ટી મુજબ મધ્યમ વર્ગના એટલે કે મિડલ ક્લાસના વર્ગમાં આવે છે. ૧૯૯૫૯૬ના અરસામાં આપણે ત્યાં આવા લોકોની સંખ્યા ૨.૫ કરોડ હતી, તો આજે મિડલ ક્લાસમાં જેમની ગણના થઇ શકે એવા ભારતીયો ૧૬ કરોડથી ઓછા નથી. (ભારતનો આર્થિક વિકાસદર જોતાં ૨૦૧૫ સુધીમાં આંકડો ૨૬ કરોડને વટાવી જાય તેમ છે). ભારતની ૧ અબજ જેટલી વસ્તી સામે ૧૬ કરોડનો આંકડો નજીવો જણાય, પણ એ નજીવો આંકડો અર્થતંત્રની દ્રષ્ટિએ બહુ વગદાર અને વજનદાર છે. કારણ સ્વાભાવિક છે. મિડલ ક્લાસ લોકોના હસ્તે મોબાઇલ ફોનથી માંડીને મોટરકાર સુધીની અનેક ચીજવસ્તુઓની ખરીદી થતી રહે છે, જેને કારણે અર્થતંત્રનાં ચક્રો સતત ગતિમાન રહી શકે છે.

અલબત્ત, આજના ‘ન્યૂ’ મિડલ ક્લાસ અને વીસ વર્ષ પહેલાંના મિડલ ક્લાસ વચ્ચે બહુ મોટો તફાવત છે. નેહરુ-ગાંધીના શાસન વખતે ભારતમાં ખાનગી કંપનીઓનો આજે જોવા મળે છે તેવો રાફડો ન હતો. રોજગારીની તકો સીમિત હતી એટલું જ નહિ, પણ પગારનું ધોરણ હતાશાજનક હતું. સરેરાશ વ્યક્તિ સરકારી તેમજ અર્ધસરકારી કાર્યાલયોમાં નોકરી કરતો, માટે ગુજરાન ચલાવવા માટે સંપૂર્ણ રીતે સરકાર પર નિર્ભર હતો. આવા સંજોગોમાં સરકાર વિરુદ્ધ ઉંહકાર કરવો તેને પરવડે નહિ. 

આજે વૈશ્વિકરણના યુગમાં રચાયેલા ‘ન્યૂ’ મિડલ ક્લાસ તરીકે ઓળખાતા વર્ગને એવી નામોશીનો સામનો કરવો પડતો નથી. ભારતમાં રોજગારીની તકો એટલી હદે વિકસી છે કે પોતાના કાર્યક્ષેત્રમાં પારંગત લોકો દર થોડા વખતે નોકરી બદલી વધુ ઊંચા પગારના પગથિયે ચડે છે. પોતાના કામનું મહત્તમ આર્થિક વળતર તેમને જોઇએ છે. વળી પોતે ખર્ચેલાં નાણાંનું સર્વિસરૂપે યા ચીજવસ્તુરૂપે સંતોષકારક રિટર્ન મળે એ બાબતે પણ તેઓ જાગૃત થયા છે. આ જાગૃતિએ વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી તેમજ મોબાઇલ ફોન જેવી સેવાઓ આપતી કંપનીઓને અટેન્શનમાં લાવી દીધી છે. ગ્રાહકને નાખુશ કરવામાં સાર નથી એ બ્રહ્મજ્ઞાન આજે દરેક કંપનીઓને થઇ ચૂક્યું છે, માટે consumer is the king ની ઉક્તિ સાચી ઠરતી જણાઇ રહી છે.

આ વસ્તુસ્થિતિને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે શો સંબંધ ? એક રીતે જોતાં બહુ ગાઢ સંબંધ છે. ઉદાર આર્થિક નીતિના પગલે ભારતમાં મિડલ ક્લાસ વર્ગમાં આવતા લોકોની સંખ્યામાં અને માટે કરદાતાઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. સર્વિસ ટેક્સ, ઇન્કમ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ/VAT વગેરે વિવિધ જાતના કરવેરાઓથી દેશની પ્રજા સરકારી તિજોરીને છલકાવી દે છે. ટેક્સનું ચૂકવણું નેહરુગાંધીના શાસન દરમ્યાન પણ લોકો કરતા હતા, પણ આજની પેઢી તેમના પૂર્વજો કરતાં જુદી વિચારધારા ધરાવે છે. પોતે ટેક્સરૂપે ચૂકવેલા નાણાંનો સરકાર પાસે જવાબ માગવામાં તેને ક્ષોભસંકોચ થતો નથી. ઊલટું, એમ કરવું તેઓ પોતાનો હક્ક ગણે છે. (આ હક્ક તેમને સરકારે Right To Information Act હેઠળ આપ્યા વિના છૂટકો ન રહ્યો એ મુદ્દો ભૂલવા જેવો નથી). નબળા રાજકીય વહીવટ બદલ સરકાર સામે અવાજ ઉઠાવવા તેઓ તૈયાર છે, પણ યોગ્ય આગેવાનના અભાવે તેમણે ચૂપકીદી વેઠવી પડે છે.

આવા સમયે અન્ના હજારે જેવા એકાદ ગાંધીવાદી અને ભ્રષ્ટાચારથી પર આગેવાન તેમના વિચારને વાચા આપવા મેદાને પડે ત્યારે સૌને એકજૂથ થતાં વાર ન લાગે એ સમજી શકાય તેવી વાત છે. ગયે મહિને એમ જ બન્યું. કોમનવેલ્થ ગેમ્સથી માંડીને સ્પેક્ટ્રમ સુધીના વિવિધ કૌભાંડોથી પ્રજા ત્રસ્ત હતી. પરિણામે સરકારી બાબુઓ દેશની તિજોરીમાં વધુ ગાબડાં ન પાડે અને લોકપાલ બિલના બહાને તેમના પર પ્રજાની નજર રહે એ ખાતર લોકોએ અન્ના હજારેને બહોળું સમર્થન આપ્યું. સમર્થનનો જુવાળ દેશભરમાં ફેલાઇ શક્યો તેમાં મીડિઆએ તેમજ ફેસબુક અને ટિ્વટર જેવી સોશ્યલ નેટવર્કીંગ સાઇટ્સે પણ મોટો ફાળો આપ્યો. આજનો ભણેલાગણેલો ‘ન્યૂ’ મિડલ ક્લાસ વર્ગ તેમને કારણે આંદોલનમાં ખેંચાઇ આવ્યો. લોકપાલ બિલના મુદ્દે થયેલા અનેક આંદોલનોના ઇતિહાસમાં શિક્ષિત વર્ગ મોટા પાયે જોડાયો હોય એવું કદાચ પહેલી વખત બન્યું.

ટેક્સની રકમ વડે સરકારી તિજોરી વર્ષો થયે ભર્યે રાખતી અને સરકાર તે રકમનો શો વહીવટ કરે છે તે જાણવાની લગીરે દરકાર ન રાખનારી ભારતની ઊંઘણશી પ્રજા પહેલી વાર જાગ્રત થઇ છે. ફરી પાછી તે નિંદરમાં પોઢી ન જાય અને ભ્રષ્ટાચાર સામે આંખમીંચામણાં કરવાનું બંધ કરે તો માનવું કે અન્ના હજારેના ઉપવાસ દેશ આખાને ફળ્યા.

Monday, August 15, 2011

Are we independent yet?



Sixty four years on, we are free from the British Rule.

But are we INDEPENDENT yet? May be not!

We are being ruled by the short-sighted bureaucrats, by the corruption and scams, by the castism, by the British-era education, law & order and political system. And a common man cannot raise his voice against these systems.

We still sing our National Anthem to praise the 'Bharat Bhagya Vidhata'.

Then, I say, were is the INDEPENDENCE?

Wednesday, August 3, 2011

'સફારી'ની સફરના seven wonders!

ઓગસ્ટ ૧, ૨૦૧૧ના રોજ 'સફારી'ના ૩૧મા જન્મદિન નિમિત્તે ફેસબુકના www.facebook.com/safari.india પેજ પર 'સફારી'ના પ્રકાશનને કેટલીક જૂની યાદો તાજા કરી હતી. ત્રીસ વર્ષના સમયગાળામાં 'સફારી'ને થયેલા સારા/નરસા અનુભવોના પ્રસંગો તો જાણે અનેક છે, પરંતુ તે પૈકી સાતેક પ્રસંગો ફેસબુક પર વાચકો માટે Flashback ના શીર્ષક હેઠળ પોસ્ટરૂપે મૂક્યા હતા. આ બ્લોગના અમુક વાચકો તે પ્રસંગો વાંચવાનું કદાચ ચૂકી ગયા હોય તેવા અનુમાન સાથે અહીં તેમને રજૂ કર્યા છે. સમયની તાણ હોવાને લીધે ગુજરાતીમાં તેમને ફરી લખવાનો અવસર મળી શક્યો નથી, માટે copy & paste નો શોર્ટ-કટ અપનાવ્યો છે.


FLASHBACK-1

'What kind of magazine is this? A knowledge magazine; in India? Believe me, this magazine has no future! Publishing the 2nd issue of this magazine would be a suicide.'

Some experienced magazine agents of Gujarat gave this piece of advice, to the editor of 'Safari' when he 'dared' to publish the first issue on August 1, 1980.

Moral: Some advices better not entertained


FLASHBACK-2

Since its 'birth' in August 1980, many changes have been made in 'Safari' during 3 decades. The only prominent thing that did not change is its logo, which has become 'Safari's brand identity.


The unique logo of 'Safari' was designed, in 1979, by an artist named Raman Panchal. He charged Rs.200/- for the design--this amount was considered quite hefty in those days.

'Safari' thanks Mr. Panchal on this day for giving us 'non-aging' logo.


FLASHBACK-3

'Safari' was perhaps the first magazine in Gujarat to switch over from manual hand compose process to computer typesetting in 1989. In those days, Apple Company's Macintosh SE computers were available. Preparing each page on this computer would cost around 100 rupees.

'Safari's issue no.9 was the first issue which was completely prepared with the help of computer. 'Safari' was ahead of time.

FLASHBACK-4

બાઉન્ડ ફાઇલમાંથી સ્કેનિંગ કર્યું હોવાથી છેક ડાબી તરફના મેટર સુધી સ્કેનરની દ્રષ્ટિ પહોંચી શકી નથી.
In August 1994, issue number 34, 'Safari' carried an article on Gateway of India. The article was ready, but the photo of Gateway of India was not available in 'Safari's library. The search for the photograph lasted for weeks--and the issue came to standstill. Finally, one picture of Gateway of India was obtained, but that was not a photo--it was a drawing.

How difficult it was in those days to get desired information. Today, if one types Gateway of India in Google, he gets millions of web pages.


FLASHBACK-5

When an earthquake struck Gujarat on January 26, 2001; the whole issue of 'Safari' was complete and was in print. To cover the article on science of earthquake in the same issue (No. 89), the editor of 'Safari' cancelled the printed pages and cover page. New article and new cover page was prepared, and finally the issue with new cover page went to newsstands on 1st of February.


Team 'Safari' worked for continuous 39 hours for these preparations. As it was risky to sit and work in 'Safari's office situated in a high-rise building which was damaged in earthquake, the work commenced at the editor's residence.

A good example of team 'Safari's dedication to work!


FLASHBACK-6

‘I am really happy to see that there is a science magazine in Gujarat, but I am more surprised to learn that it survives!’

These words were uttered by A. P. J. Abdul Kalam when a copy of ‘Safari’ magazine was put in his hand by Harshal Pushkarna.


FLASHBACK-7

‘Safari’ set a unique record of sales on the newsstand in July, 1995, when issue no.41 was published. The issue carried the first part of the series of articles on introduction to computers. As soon as the issue hit the newsstands, it was completely sold out within 8 hours. Issue no.41 was re-printed, not once but 4 times!

In those days, computer was an object about which most people had only heard of.





A question frequently asked by the readers of ‘Safari’: Where does ‘Safari’ (the content) really come from?

‘Safari’s answer: Out of thin air! ‘Safari’ is not a magazine, at Harshal Publications, we call it an IDEA!

Monday, August 1, 2011

1980-2011: જ્ઞાન-વિજ્ઞાનની દુનિયામાં 'સફારી'નાં ત્રીસ વર્ષ !

‘‘આ અંકથી એક નવા બાળપાક્ષિકનું પ્રકાશન શરૂ થાય છે. નવા પ્રકારનું એટલા માટે કે તેમાં રાજારાણીની કે વેતાળની વાતો નથી. પરીકથાઓ નથી કે કપોળકલ્પિત કહાણીઓ નથી. અંધશ્રદ્ધા ફેલાવે તેવાં ગપગોળાં નથી કે સસ્સારાણાનાં ઉપજાવી કાઢેલાં સાહસો નથી. આ બાળપાક્ષિક તો દર અંકે તેના સૌ બાળમિત્રોને જ્ઞાનવિજ્ઞાનની સફરે લઇ જશે--અને એટલે જ તેનું નામ ‘સફારી’ છે.

દુનિયામાં એટલી બધી અજાયબીઓ છે કે તેમના વિશે જાણીએ તો ચકિત્ થઇ જઇએ. એક જમાનામાં એ બધું જાણવા માટે હ્યુએન ત્સાંગ, માર્કો પોલો, રોબર્ટ પિઅરી, કોલમ્બસ વગેરે જિજ્ઞાસુ સાહસિકો નીકળી પડ્યા હતા. કોઇ પગપાળા નીકળ્યા, તો કોઇ વહાણોના સઢ પલાણીને મધદરિયે હંકાર્યા.
 
આજે માનવીએ પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે સાહસો ખેડવાની જરૂર નથી અને ‘સફારી’ના વાચકોએ તો આરામખુરશીમાંથી પણ ઊભા થવાની જરૂર નથી, કારણ કે મહિનામાં બે વખત ‘સફારી’ તેમને આરામખુરશીમાં બેઠા બેઠા જ જ્ઞાનવિજ્ઞાનની સફર કરાવશે અને અવનવી માહિતીઓનો ખજાનો તેમની સામે હાજર કરી દેશે. કોઇ માહિતી ભૂગોળ વિશે, તો કોઇ ઇતિહાસ વિશે; કોઇ સમુદ્ર વિશે, તો કોઇ અવકાશ વિશે; કોઇ પ્રાણી વિશે, તો કોઇ વનસ્પતિ વિશે.’’

આ ટૂંકી છતાં અર્થપૂર્ણ નોંધ (કહો કે નિર્ધાર) સાથે ઓગસ્ટ ૧, ૧૯૮૦ના રોજ સહેજ પણ ધામધૂમ વિના ‘સફારી’નો સૌપ્રથમ અંક (ઉપરનું ચિત્ર) બહાર પડ્યો ત્યારે જમાનો આજની માફક ઇન્ફર્મેશન સુપરહાઇવેનો ન હતો. કમ્પ્યૂટરો ન હતાં, માટે ઇન્ટરનેટ અને ઇમેલ જેવી સુવિધાઓ ન હતી. સેટેલાઇટ ટેલિવિઝનના યુગનો સૂર્યોદય હજી થયો ન હતો, માટે ડિસ્કવરી અને નેશનલ જિઓગ્રાફિક જેવી જ્ઞાનવર્ધક ચેનલો ન હતી. અખબારો-સામયિકોનો આજના જેવો રાફડો ત્યારે ફાટ્યો ન હતો. વિજ્ઞાનટેક્નોલોજિના ક્ષેત્રે ભારતમાં ભાગ્યે જ કશી નવાજૂની બનતી હતી, માટે એ વિષયો પ્રત્યે લોકોની રુચિ ખીલી ન હતી. Knowledge શબ્દને આજે લેવાય છે એટલો ગંભીરતાપૂર્વક ત્યારે લેવાતો ન હતો, માટે અવનવું જાણવાની જિજ્ઞાસા ધરાવતા લોકોની સંખ્યા મુઠ્ઠીભર હતી. બાળસાહિત્ય તો પરીકથાઓ અને ચિત્રવાર્તા પૂરતું જ સીમિત હતું. ટૂંકમાં, જ્ઞાનવિજ્ઞાનની જ વાત કરનારા સામયિકને ઉષ્માભર્યો પ્રતિસાદ મળે એવી સંભાવના બહુ પાંખી હતી--અને વળી એવું સામયિક વર્ષો થયે રાજારાણીની વાર્તાઓ વાંચવાને ટેવાયેલાં બાળકો માટે લખાયું હોય તો તેનું કશું ભાવિ જ ન હોય એવી સ્થિતિ હતી.

આ કપરાં સંજોગો વચ્ચે ‘સફારી’નો પ્રથમ અંક પ્રગટ કરવાનું સાહસ હર્ષલ પબ્લિકેશન્સે આજથી ત્રીસ વર્ષ પહેલાં ખેડ્યું. કલ્પનાકથાઓના ઘરેડમય બાળસાહિત્યના નાયાગરા ધોધ વચ્ચે ‘સફારી’નો ઉદ્ભવ ભલે નાનકડા ઝરા તરીકે થયો, પણ એ ઝરામાં જ્ઞાનવિજ્ઞાનની અત્યંત રોમાંચક માહિતીનો નાયાગરા વહેતો હતો. કોઇ પણ નવા સામયિકને તેનો ચોક્કસ વાચકવર્ગ હંમેશાં મળી રહે, જ્યારે ‘સફારી’નો કેસ જુદો હતો. આ સામયિકનો ‘રેડીમેઇડ’ વાચકવર્ગ હતો જ નહિ, માટે પોતાનો વાચકગણ તેણે જાતે ઊભો કરવો પડ્યો--અને તેમ કરવામાં ઘણાં વર્ષ નીકળી ગયાં. ‘સફારી’એ અનેક ઉતારચઢાવ જોયાં, જે દરમ્યાન તેની સતત ઉત્ક્રાંતિ થતી રહી. ઉત્ક્રાંતિ હજી પણ ચાલુ છે--અને ‘સફારી’ પોતાનો ૩૧મો જન્મદિન જોઇ શક્યું તેનું એ બહુ મોટું કારણ છે. બીજું કારણ જ્ઞાનપિપાસુ વાચકો છે, જેમણે ‘સફારી’ને માનભેર અપનાવ્યું. ‘સફારી’ની સફળતાનું હજી એક કારણ છે: ‘સફારી’ માત્ર એક સામયિક નથી, it's an idea !