ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૫--અને છેલ્લો)

શામોની મો બ્લાં ઓક્ટોબર ૨૩, ૨૦૦૯ આજે Aiguille Du Midi/એગ્વિલ દયૂ મિદી કેબલ કાર મારફત મો બ્લાંને અત્યંત નિકટથી જોવાનો પ્રોગ્રામ હતો. સવારે ઊઠીને સૌ પહેલાં નજર મો બ્લાં પર્વત પર પડી અને મૂડ જરા બગડ્યો. વાદળોનું ધાડું પ્રોગ્રામમાં અવરોધ બનીને આવી ચડ્યું હતું. આમ છતાં ‘જો હોગા, દેખા જાયેગા’નો અભિગમ અપનાવી અમે કેબલ કારની ટિકિટ ઓફિસે ગયા. કાઉન્ટરે બેઠેલી મહિલાએ સલાહ આપી કે આજે મો બ્લાંની મુલાકાત લેવાનું ટાળો તો સારૂં, કેમ કે ઉપર વાતાવરણ ચોખ્ખું નથી અને વાદળોની ઓથે ઢંકાયેલું મો બ્લાંનું શિખર જોવા ન મળે એ સંભવ છે. ઘડીભર અમે વિચારમાં પડ્યા. રોપ-વેની ટિકિટનો ચાર્જ જેવોતેવો ન હતો. બીજી તરફ શામોનીથી આવતી કાલે પેરિસ જવા નીકળી જવાનું હતું. છેવટે ટિકિટ ખરીદી અને એગ્વિલ દયૂ મિદી કેબલ કારમાં બેઠા. (ફ્રેન્ચ ભાષામાં એગ્વિલ દયૂ મિદી એટલે મધ્યાહન બતાવતો ઘડિયાળનો કાંટો. એગ્વિલ = સોય અથવા કાંટો; દયૂ = ની; મિદી = બપોર). મો બ્લાં પર્વતની પડખે આવેલા ઊંચા પર્વત સુધી પહોંચવા માટેનું લગભગ ૨,૮૦૦ મીટરનું ચઢાણ એગ્વિલ દયૂ મિદી કેબલ કાર અત્યંત તીવ્ર ખૂણે ચઢે છે--અને તે બદલ તેના નામે વિશ્વવિક્રમ બોલે છે. કેબલ કારમાં સાર...