કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનનો વેધર રિપોર્ટ આપીને ભારતે સંકેત દીધો છેઃ ‘આ પ્રાંત અમારો છે!’ દેશને આઝાદી મળી ત્યારે કાશ્મીરના અવિભાજ્ય અંગ સમો ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંત ભારતભૂમિમાં ભળી જવાનો હતો. છેલ્લી ઘડીએ એવું શું બન્યું કે પોણો લાખ ચોરસ કિલોમીટરનો એ પ્રદેશ પાકિસ્તાનની છાબડીમાં ખરી પડ્યો? ભૌગોલિક રીતે કાશ્મીર ભારતભૂમિની ટોચે આવેલું હોવાથી ભારતનો મુગટ ભલે કહેવાતું, પણ ૧૯૪૭થી આજ સુધીનો ઇતિહાસ તપાસો તો એ મુગટનો ભાર આપણા માટે અસહ્ય સાબિત થયો છે. કાશ્મીરના વાંકે પાકિસ્તાન સાથે ચાર લોહિયાળ સંગ્રામો ખેલવા પડ્યા છે, જ્યારે કાશ્મીરમાં ત્રીસેક વર્ષથી સળગતી આતંકવાદની હોળી તો ઠરવાનું નામ જ લેતી નથી. વળી સાત દાયકા દરમ્યાન કાશ્મીર નામના મુગટનાં કેટલાં અમૂલ્ય રત્નો ખરી પડ્યાં છે તે જુઓઃ ■ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જમ્મુ-કાશ્મીર પર ડોગરા વંશના રાજાઓનું શાસન હતું ત્યારે રાજ્યનો કુલ વિસ્તાર ૨,૨૨,૨૩૬ ચોરસ કિલોમીટર હતો. આઝાદી પછી તરત પાકિસ્તાની હુમલાખોરો કાશ્મીરના ૧૩,૩૦૦ ચોરસ કિલોમીટર પર ફરી વળ્યા. આપણા લશ્કરના બહાદુર જવાનો પોતાનું લોહી રેડીને તે પ્રદેશ પાછો મેળવી રહ્ય...