ભાજપને હાર અને કોંગ્રેસને હારતોરા!
૨૦૦૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામોનું પાંચ વર્ષ બાદ (જરા જુદી રીતે) વન્સ મોર થયું છે. કોંગ્રેસના સમર્થકો માટે પરિણામો બેશક ખુશાલીના છે, તો ભાજપના સમર્થકોમાં સોપો પાડી દેતો માતમ છવાયો છે. આવું કેમ બન્યું? દેશભરમાં કોંગ્રેસી પંજો કેમ ફરી વળ્યો અને લાખો-કરોડો મતોને કેમ સમેટી ગયો? ભાજપે ક્યાં ખોટ ખાધી અને કોંગ્રેસ ક્યાં ખાટી ગયું? કારણો ઘણાં છે, પરંતુ ત્રણ મહત્ત્વના મુદ્દા તપાસવા જેવા છે. (૧) પંદરમી લોકસભા ચૂંટણી લડવા માટે ન કોંગ્રેસ પાસે કે ન તો ભાજપ પાસે પ્રજાને અપીલ કરી શકતો ઠોસ મુદ્દો હતો. કોંગ્રેસે વિકાસનું ગાણું ગાયું, તો ભાજપે સ્વીસ બેન્કનું કાળું નાણું ખેંચી લાવવાનું સ્વપ્ન પ્રજાને બતાવ્યું. સ્વીસ બેન્ક કઇ ચીડિયાનું નામ છે તે દેશના ઘણાખરા લોકોને ખબર ન હોય એ સ્વાભાવિક વાત છે. પરિણામે ભાજપના પક્ષે કોઇ પણ જાતના અજેન્ડા વિનાની ચૂંટણી લડાઇ. વાસ્તવમાં ભાજપે તેની ભૂતપૂર્વ સરકારે કરેલાં વિકાસકાર્યોને હાઇલાઇટ કરવાની જરૂર હતી, પરંતુ એવું તેણે કર્યું નહિ અને સ્વીસ બેન્કના મુદ્દાને પકડી રાખ્યો. સરવાળે પ્રજાના ઘણાખરા વર્ગનો ઝોક કોંગ્રેસતરફી કદાચ એટલા માટે રહ્યો કે ભાજપના સ્વીસ બેન્ક મુદ્દા કરતાં ક...