Clinical Trials: તબીબી વિજ્ઞાનના નામે માનવતાની કતલ
તબીબી સંશોધન માટે અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાની પ્રયોગશાળાઓમાં દર વર્ષે કરોડો પ્રાણીઓનું નિકંદન કાઢી નાખે છે, જેમાં આપણે ત્યાંથી નિકાસ થતા રહેલા રીસસ પ્રકારનાં વાંદરાની સંખ્યા કદાચ સૌથી નોંધપાત્ર હશે. વાંદરાની શરીરરચના માણસને ઘણે અંશે મળતી આવે છે, એટલે નવી દવાની અસરો તથા આડઅસરો જાણવા માટે પહેલી પસંદગી વાંદરાને અપાય છે. પ્રયોગમાં વપરાતાં બીજા સજીવોમાં ઉંદર, ગીની પીગ, દેડકા વગેરે મુખ્ય છે. કેન્સર જેવા દુઃસાધ્ય રોગોના સંશોધન માટે અમુક પ્રાણીઓને નછૂટકે મારવા પડે તે સમજી શકાય, પરંતુ તબીબી સંશોધન/ clinical trials ના નામે જનાવરોને બદલે માણસો પર ટ્રાયલ એન્ડ એરરના ધોરણે વિવિધ અખતરા થાય અને વળી પ્રયોગો દરમ્યાન ક્યારેક તેમનો ભોગ પણ લેવાય તે સામાન્ય વ્યક્તિ માટે સમજ બહારની વાત છે. અલબત્ત, આવી માલપ્રેક્ટિસ ખુફિયા ઢબે વર્ષોથી ચાલે છે. કોઇ દેશની સરકાર તેના પર સંપૂર્ણપણે અંકૂશ લાદી નથી શકી, જેના નતીજારૂપે જગતમાં વર્ષેદહાડે હજારો જણા તબીબી સંશોધનનો શિકાર બની ભૂંડા મોતના હવાલે થાય છે. નવી દવાઓની દર્દીના શરીર પર થતી સારીનરસી ઇફેક્ટની ચકાસણી માટે વિવિધ દેશોમાં હાલ બધું મળ...