ભારતમાં ટેલિગ્રાફ સેવાનું ૧૬૩ વર્ષે ગૂડબાય!
વિજ્ઞાન અને ટેક્નોલોજિના આધુનિક યુગમાં પુરાણી છતાં ક્રાંતિકારી વૈજ્ઞાનિક શોધોની એક પછી એક મરણનોંધ લખાતી જાય છે. આવી જ એક શોધ ટેલિગ્રાફની છે, જેને ભારતે આજે (જુલાઇ ૧૩, ૨૦૧૩ના રોજ) હંમેશ માટે તિલાંજલી આપી દીધી. ટેલિગ્રાફ વિશે આજની પેઢી બહુ વાકેફ ન હોય તે બનવાજોગ છે, કેમ કે મોબાઇલ ફોનના અને ઇન્ટરનેટના ઝડપી યુગમાં તે જીવે છે. બીજી તરફ, જૂની પેઢીના અનેક લોકો એવા છે કે જેમને પોતાના જીવનમાં ટેલિગ્રાફ કરવાનો તથા મેળવવાનો એક કરતાં વધુ વખત મોકો મળ્યો. આવા ‘જૂના જમાના’ના કેટલાક લોકો આજે અમદાવાદની ભદ્ર ખાતેની તાર-ટપાલ કચેરીએ જોવા મળ્યા. ભારતમાંથી ટેલિગ્રાફ સેવા વિદાય પામે તે પહેલાં પોતાનાં સગાં-મિત્રોને અંતિમ ટેલિગ્રામ પાઠવવા તેઓ આવ્યા હતા. ટેલિગ્રાફના ભૂલાયેલા યુગની ભવિષ્યમાં યાદગીરી રહે એ ખાતર બે ટેલિગ્રાફ મેં પણ મોકલ્યા--એક ‘સફારી’ના તંત્રી નગેન્દ્ર વિજયને અને બીજો મને ખુદને ! ભદ્રની ટેલિગ્રાફ ઓફિસ, જેને ટેલિગ્રામની સેવાની વિદાયના અવસરે ફૂલોથી સુશોભિત કરવામાં આવી હતી ભદ્રની તાર કચેરીએ ટેલિગ્રામ નોંધનારા બેઉ ક્લાર્ક ભારે ઉત્સાહી હતા. એક તરફ ટેલિગ્રાફની વિદાય...