ભારતની શિક્ષ્ાણપ્રણાલિનો લેટેસ્ટ અેક્સ-રે (જેમાં બધું કાળુંધબ્બ છે)
એકવીસમી સદીને જ્ઞાનની સદી તરીકે ઓળખવામાં આવે છે અને નવી પેઢીમાં જ્ઞાનનું સિંચન થાય તેમજ નોલેજ ઇઝ પાવરનું સૂત્ર મૂર્ત બને એ ભારત સહિત એશિયાના ઘણા દેશોની સરકારોના ટોપ અજેન્ડા પર છે. પરંતુ આવો ઉમદા અજેન્ડા હાથ પર લેવો તે એક બાબત છે અને અજેન્ડાનું એટલું જ ઉમદા રીતે અમલીકરણ થવું એ જુદી બાબત છે. સરકારમાં મોટે ભાગે તો એ બન્ને નોખી બાબતોનો હસ્તમેળાપ થતો નથી, પરંતુ મલયેશિયાની, દક્ષિણ કોરિયાની, સિંગાપુરની અને ચીનની સરકારોને તેમાં અપવાદ ગણવી રહી. નવી પેઢીને જ્ઞાનની સદી માટે તૈયાર કરવા એ ચારેય દેશોએ પોતાની શિક્ષણ પ્રણાલિમાં ધરખમ ફેરફારો આણ્યા છે. મલયેશિયાએ ૨૦૧૩ની સાલમાં Malaysia Education Blueprint તરીકે ઓળખાતી બ્રાન્ડ-ન્યૂ એજ્યૂકેશન સિસ્ટમ અમલમાં મૂકી, તો દક્ષિણ કોરિયાએ TestFree /પરીક્ષામુક્ત શિક્ષણ પદ્ધતિ અપનાવી છે. દેશના તમામ બાળકોને શિક્ષણ આપવાના હેતુએ વિનામૂલ્યે શિક્ષણનો પ્રોગ્રામ પણ દક્ષિણ કોરિયાની સરકારે ઘડી કાઢ્યો છે. આ તરફ મહાસત્તા બનવા માગતા ચીને તો પોતાની વર્ષો જૂની શિક્ષણ પદ્ધતિનાં મૂળિયાં ખેંચી કાઢીને ૨૦૦૩ની સાલથી ફર્સ્ટ ક્લાસ એજ્યૂકેશન નામની આધુનિક સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે. આ નવી...