ભગતસિંહનો જાન લેવાની બ્રિટિશ સાજિશનું સસ્પેન્સ ૮પ વર્ષે ખૂલે છે
પાકિસ્તાનની લાહોર હાઇ કોર્ટમાં એક નાટકીય અદાલતી ખટલો કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો છે. લાંબી મુદત બાદ હમણાં ફરી તેના પર કાર્યવાહી શરૂ થઇ છે. કેસ નાટકીય એટલા માટે છે કે જેની સામે મંડાયો છે તે આરોપીની અદાલતમાં ક્યારેય હાજરી હોતી નથી. (આરોપીનું નામ : બ્રિટિશહિંદ સરકાર). કેસ જેને માટે લડાઇ રહ્યો છે તે વ્યક્તિ પણ અદાલતમાં ઉપસ્થિત રહેતી નથી. (વ્યક્તિનું નામ : ભગતસિંહ). આમ છતાં ઇમ્તિઆઝ રશીદ કુરેશી નામના બુઝુર્ગ પાકિસ્તાની વકીલ લાહોર કોર્ટમાં ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશન વતી કેસ લડી રહ્યા છે. આ ફાઉન્ડેશને (૧૯૨૯ના અરસાની) બ્રિટિશહિંદ સરકાર સામે આરોપ મૂક્યો છે કે ભગતસિંહ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવાના પૂરતા તેમજ નક્કર પુરાવા ન હોવા છતાં તત્કાલીન સરકારે એ ક્રાંતિકારીને ફાંસીની સજા ફરમાવી દીધી હતી. આ સરાસર ગેરકાનૂની પગલું હતું, જે ભરવા બદલ બ્રિટિશહિંદ સરકાર વતી વર્તમાન રાણી એલિઝાબેથે પાકિસ્તાનના તેમજ ભારતના લોકોની માફી માગવી જોઇએ. ભારતમાં વસતા ભગતસિંહના પરિવારને વળતરરૂપે અમુક રકમ પણ આપવી જોઇએ. માર્ચ ૨૩, ૧૯૩૧ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ક્રાંતિકારી ત્રિપૂટીએ લાહોરની જેલમાં ફાંસીનો ગ...