ભારતનાં સાયન્સ સેન્ટરોઃ પિકનિક + મનોરંજન = સાયન્સની બાદબાકી
સચોટ જવાબ તો જાણે આપવો મુશ્કેલ છે, છતાં માત્ર તર્ક લડાવીને કહો કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરના ભારત દેશમાં કુલ મળીને મંદિરો કેટલા હશે? સવાલ મૂંઝવનારો લાગ્યો? તો જવાબમાં ‘પાસ’ કહીને સવાલને બાયપાસ કરવાની છૂટ છે, પરંતુ એમ કર્યા પછી બીજા એક વાયડા પ્રશ્નનો જવાબ આપવો રહ્યોઃ આખા ભારતમાં કુલ સિનેમાગૃહો કેટલા? ફરી ગૂંચવાડો પેદા થયો હોય તો ચાલો, હવે ત્રીજા (અને બહુ સરળ) સવાલનો જવાબ આપોઃ દેશભરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજિ મ્યુઝિયમ્સ કેટલા છે? આનો જવાબ કદાચ સહેલાઇથી આપી શકો, કેમ કે લાખ, હજાર કે સેકડોના આંકડાની આંટીઘૂંટીમાં પડવાની તેમાં જરૂર નથી. હિસાબ બે આંકડામાં નીકળે એટલો નાનો છે. સાયન્સ સેન્ટરની ગમે તેટલી ઉદાર વ્યાખ્યા બાંધો અને વિજ્ઞાન-ટેક્નોલોજિને ઉપરછલ્લી રીતે દર્શાવતા તદ્દન નાનામાં નાના મથકને પણ ગણતરીમાં લો તોય ભારતમાં એવા કેન્દ્રો ૨૭ થી વધુ નથી. ગુજરાતના સાયન્સ સીટી જેવા મોટા મથકો તો આપણે ત્યાં પૂરા અડધો ડઝન પણ નથી. દેશમાં મંદિરો તેમજ અન્ય ધાર્મિક સ્થળોની ગણતરી કરોડોમાં થાય છે. (એકલા આંધ્ર પ્રદેશમાં જ સવા બે લાખ કરતાં વધુ ‘અધિકૃત’ મંદિરો છે). સિનેમા અને મલ્ટિપ્લેક્સનો હિસાબ હજારોમાં મંડાય છે. (...