ભારતની પેચવર્કવાળી સુરક્ષાવ્યવસ્થામાં હજી જબરાં છીંડાં છે
સંપાદકનો પત્ર 'Safari' December 2009 મુંબઇ પર અજમલ કસબ ઍન્ડ કંપનીએ આતંકવાદી હુમલો કરી સેંકડો લોકોને જોતજોતામાં મોતને ઘાટ ઉતારી દીધા તે બનાવને ગયા મહિને ૨૬મી તારીખે એક વર્ષ પૂરૂં થયું. આ પ્રસંગ નિમિત્તે સરકારે આતંકવાદીઓનો ભોગ બનેલા કમનસીબ ભારતીયો પ્રત્યે શોક જતાવ્યો અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ચલાવતા પાકિસ્તાન સામે રોષનો શાબ્દિક બળાપો કાઢીને સંતોષ માન્યો. ટૂંકમાં, આગુ સે ચલી આતી પ્રણાલિનું આપણી સરકાર દ્વારા ફરી એક વખત વન્સ મોર થયું. ૨૬ મી નવેમ્બરનો દિવસ વીતી ગયો, એટલે શોકનો અને રોષનો જુવાળ શમી ગયો અને એક વર્ષ પહેલાં મુંબઇમાં જાણે કે કશું બન્યું નહોતું એમ બધું (રાબેતા મુજબ) ભુલાઇ ગયું. રાત ખતમ, એટલે બાત ખતમ ! પાકપ્રેરિત આતંકવાદ ભોગવવાનું ભારતના લમણે લખાયું છે. અઢી દાયકા પહેલાં કાશ્મીરમાં શરૂ થયેલી આતંકવાદી પ્રવૃત્તિઓનો રેલો હવે છેક મુંબઇ સુધી પહોંચ્યો છે. આમ છતાં આતંકવાદને નાથવાની વાત આવે ત્યારે દિલ્હીની સરકારોનું વલણ હંમેશાં ઢીલુંપોચું રહ્યું છે. કંઇક હદે નફિકરૂં પણ રહ્યું છે, માટે મુંબઇના કેસમાં બન્યું તેમ દરેક આતંકવાદી હુમલા વખતે સરકારી તંત્ર ઊંઘતું ઝડપાય છે. આતંકવાદીઓના હા...