ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૪)

શામોની મો બ્લાં
ઓક્ટોબર ૨૨, ૨૦૦૯

લંડનમાં અને પેરિસમાં ટાઇટમટાઇટ ટાઇમટેબલ હેઠળ થકવનારો પ્રવાસ કર્યા પછી છેલ્લા બે દિવસો દક્ષિણ ફ્રાન્સના આલ્પ્સ પર્વતો વચ્ચે કુદરતના ખોળે વીતાવવાનું નક્કી કર્યું હતું. આ માટે Chamonix Mont Blanc/શામોની મો બ્લાં નામનું ટચૂકડું ગામ પસંદ કરેલું. પેરિસ શહેરથી તે લગભગ ૬૪૦ કિલોમીટર છેટે આવેલું છે.
વહેલી સવારે પેરિસના Gare de Lyon/ગાર દ લિયો રેલ્વે સ્ટેશને અમે પહોંચી ગયા. ફ્રાન્સની હાઇ સ્પીડ Train à Grande Vitesse/ત્રાં અ ગ્રાં વિતેસી (વિત = ઝડપ) કહેવાતી ટ્રેન વિશે ઘણુંબધું વાંચ્યું-લખ્યું હતું. આજે તેમાં બેસવાનો જાતઅનુભવ કરવાનો હતો, એટલે થનગનાટ થવો સ્વાભાવિક હતો. પ્લેટફોર્મ પર ઉભેલી TGV ના કેટલાક ફોટા પાડ્યા પછી પાટાનું જરા બારીકાઇથી અવલોકન કર્યું. આપણે ત્યાં જોવા મળતા રેલ્વેના ટ્રેક કરતાં રચના ખાસ જુદી ન હતી. મુખ્ય તફાવત ફિશપ્લેટનો લાગ્યો, જેને પાટા સાથે વેલ્ડિંગ કરીને કાયમી ધોરણે જડી દેવામાં આવી છે. (આપણે ત્યાં આવું વન્સ ફોર ઓલ જોડાણ હોતું નથી). TGVના પાટાને કોન્ક્રિટના સ્લીપર્સ સાથે જોડી રાખતા ધાતુના બોલ્ટ નીચે ફ્રેન્ચ ઇજનેરોએ રબ્બરના વાઇસર જેવા પેડ ગોઠવ્યા છે. પૂરપાટ ભાગતી TGV પેદા કરેલા ધ્રૂજારીના ઘણા આંચકા તે વાઇસર ખમી લે છે.

ટ્રેન ઉપડવાની બરાબર વીસ મિનિટ પહેલાં બધા કોચના ઓટોમેટિક દરવાજા ખૂલ્યા, એટલે અમે ટ્રેનમાં ગોઠવાયા. ટ્રેન શરૂ થઇ અને અડધા-પોણા કલાકે તેણે મહત્તમ સ્પીડ પકડી ત્યારે જાદુઇ શેતરંજી પર જાણે ઊડતા હોવાનો આભાસ થવા લાગ્યો. સ્પીડ કલાકના ૩૦૦ કિલોમીટરની આસપાસ હતી, છતાં તેની પ્રતીતિ કોચમાં લગીરે થતી નહોતી. સુપરફાસ્ટ ઝડપે બદલાતા પાટાની ધડધડાટી પણ વરતાતી ન હતી. લગભગ અઢી કલાકમાં Bellegarde-sur-Valserine નામના સ્ટેશને અમે પહોંચી ગયા. અહીં અમારે ઊતરવાનું હતું અને બીજી ટ્રેન પકડી Saint-Gervais-les-Bains સ્ટેશને જવાનું હતું. વહેલી સવાર હતી. વાતાવરણ ધુમ્મસિયું હતું અને કડકડતી ઠંડી પડી રહી હતી. પ્લેટફોર્મ પર મુસાફરો લગભગ નહિવત હતા. સામે કેટલાક યુનિફોર્મસજ્જ ફ્રેન્ચ પુલિસ અફસરો ઊભા હતા. પ્લેટફોર્મ પર અમને સામાન સાથે ઊભેલા જોઇને એક અફરસ પાસે આવ્યો.

‘Bon jour/બોં જૂર’ તેણે ફ્રેન્ચમાં ગૂડ મોર્નીંગ કહ્યું.

‘બોં જૂર’ અમે જવાબ દીધો.

‘તૂરિસ્ત?’ જરા કડક અવાજમાં તેણે પૂછ્યું. ‘Peux je voir votre passeport?’ અમે સમજી ગયા કે અફસર અમારો પાસપોર્ટ માગી રહ્યો હતો.

‘Oui/ઉઇ’ હકારમાં અમે કહ્યું અને પછી બેગમાંથી પાસપોર્ટ કાઢી દીધા.

બે-ત્રણ બીજા અફસરો એવામાં આવી ચડ્યા અને અમારા પાસપોર્ટનું પ્રયોગશાળાના દેડકાને તપાસતા વિજ્ઞાનની પેઠે ચેકિંગ કરવા લાગ્યા. એક હટ્ટાકટ્ટા અફસરે ઇન્ટરોગેશનના ધોરણે ફ્રેન્ચમાં સવાલ પૂછવાનું શરૂ કર્યું. અમુક વાક્યો ન સમજાયા, એટલે નમ્રતાથી અમે તેને પૂછ્યું: ‘Excusez moi sil vous plait. Parle vous Anglais?/એક્સક્યૂઝે મુઆ સિલ વૂ પ્લે. પારલે વૂ ઓંગ્લે?’ (માફ કરજો પ્લીઝ, પણ તમે અંગ્રેજી બોલી શકો છો?)

અફસરે હકારમાં ડોકું ધૂણાવ્યું અને પછી ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં અમારી સાથે વાત કરી. તેના દરેક સવાલનો અમે સંતોષકારક જવાબ દીધો, એટલે ભાઇસાહેબ જરા ઢીલા પડ્યા. અવાજમાં નમી આવી અને વર્તન જરા સુંવાળું બન્યું. Saint-Gervais-les-Bains સ્ટેશને જવાની ટ્રેન ક્યાંથી પકડવી તેનું માર્ગદર્શન તેણે વગર કીધે આપ્યું. વળી એમ પણ જણાવ્યું કે આગળ જતાં ટ્રેન બે ભાગે વહેંચાશે અને આગલો ભાગ જિનિવા જશે, માટે તમે પાછળ તરફની બોગીમાં બેસજો.

‘Merci beaucoup. A bientot/મેસી બોકુ. આ બિયાંતો’ (ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું!) કહીને અમે આગળ નીકળ્યા.

‘De rien/દ રિયાં’. (મેન્શન નોટ). અફસરે કહ્યું.

થોડી વારમાં અમારી ટ્રેન આવી. અમે તેમાં ગોઠવાયા અને બીજા અઢી કલાકનો પ્રવાસ ખેડીને Saint-Gervais-les-Bains સ્ટેશને પહોંચ્યા, જ્યાં Chamonix Mont Blanc/શામોની મો બ્લાં જવા માટેની માઉન્ટેન ટ્રેન અમારી રાહ જોતી ઊભી હતી. મોટા મોટા કાચની બારીઓ ધરાવતી લાલ રંગની મો બ્લાં એક્સપ્રેસમાં અમે બેઠા અને પ્રવાસ શરૂ થયો, એટલે થોડી મિનિટોમાં આલ્પ્સના પર્વતો દેખાવા શરૂ થયા.
પહાડોના ઢોળાવમાં, મેદાનોમાં અને ખીણોમાં લીલોતરી આંખને ઠંડક આપે તેવી હતી. પહાડી પ્રદેશની સુંદરતા માણતા લગભગ પોણો કલાકે અમે શામોની મો બ્લાં સ્ટેશને પહોંચ્યા. સ્થાનિક ઘડિયાળમાં બપોરનો દોઢ વાગી ચૂક્યો હતો. સ્ટેશનની બહારથી ટેક્સી લઇને દસેક મિનિટમાં હોટલે (વાસ્તવમાં બેડરૂમ, હોલ અને કિચન ધરાવતા સેલ્ફ કેટરિંગ અપાર્ટમેન્ટે) પહોંચી ગયા. લગભગ સાતેક કલાકનો પ્રવાસ ખેડીને અમે આવ્યા હતા, છતાં રૂમની બાલ્કનીમાં જઇને સામેનું દ્રશ્ય જોયું એટલે પળવારમાં તરોતાજા થઇ ગયા. બરાબર સામે આલ્પ્સ પર્વતમાળાનો વિશાળ પથારો દેખાતો હતો--અને તેમાં ૪,૮૦૭ મીટર ઊંચો મો બ્લાં પર્વત! ફ્રેન્ચ ભાષામાં મો એટલે પર્વત અને બ્લાં અથવા બ્લાંશ એટલે સફેદ. નામ પ્રમાણે મો બ્લાંની ટોચ હિમની સફેદ ચાદર ઓથે ઢંકાયેલી હતી. આ દ્રશ્ય જોઇને ફોટોગ્રાફીનો કીડો સળવળાટ કરવા લાગ્યો. તરત જ કેમેરો હાથમાં લીધો અને ઝૂમ લેન્સ મો બ્લાં તરફ તાકીને એ શિખરના તેમજ આસપાસના પહાડોના સંખ્યાબંધ ફોટા લઇ લીધા.
હોટલમાં કેટલાક કલાકો વીતાવ્યા બાદ (અને રૂમના કિચનમાં જાતે રાંધીને બપોરનું ભોજન લીધા બાદ) સાંજે શામોની ટાઉનમાં પગપાળા પ્રવાસે નીકળ્યા. શામોનીમાં ત્યારે ઓફ-સિઝન હતી, એટલે પર્યટકોની સંખ્યા લગીરે ન હતી. (ફ્રાન્સના તથા પડોશી દેશોના પર્યટકોનો નવેમ્બર-ડિસેમ્બરમાં શામોની ખાતે ભારે ધસારો હોય છે. આઇસ સ્કીઈંગના શોખીનો માટે મો બ્લાં અને આસપાસના પર્વતો આદર્શ સ્થળ છે). ચારેય તરફ આલ્પ્સના પર્વતો, પર્વતોની આસપાસ છવાયેલાં સફેદ વાદળો, પર્વતોના ઢોળાવ પર ચીડનાં વૃક્ષો, પર્વતોની તળેટીમાં વસેલું શાંત અને રમણીય શામોની ટાઉન, ટાઉનનાં રૂપકડાં મકાનો, સ્વચ્છ રસ્તા, રસ્તાઓ પરની દુકાનો તથા કોફી શોપ્સ વગેરે બધું જોતા, માણતા અને સ્મૃતિપટ પર તેમને અંકિત કરતા સાંજે હોટલે પાછા ફર્યા.

પર્વતોના સફેદ બરફ પરથી સૂર્યના સોનેરી રંગના કિરણોનો ઢોળ ધીમે ધીમે ઊતરી રહ્યો હતો. વાદળો આસ્તે આસ્તે પર્વતોને પોતાની પાછળ ઢાંકવા આવી રહ્યા હતા. ચારેય તરફ પરમ શાંતિ હતી. એકમાત્ર અવાજ પક્ષીઓના કલરવનો હતો. રૂમની બાલ્કનીમાં બેઠા બેઠા આવું બધું માણતા અમે મોડે સુધી બેઠા. રાત્રે છેલ્લી વાર મો બ્લાં તરફ નજર કરી. આવતી કાલે અમારે તેના બહુ નિકટથી દર્શન કરવા જવાનું હતું--દુનિયાના સૌથી ઊંચા રોપ વે મારફત!
(ક્રમશઃ)

Comments

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન