બિનસાંપ્રદાયિકતાની હાંસી ઊડાડતું અનામતનું રાજકારણ
સંપાદકનો પત્ર 'Safari' April, 2010 આન્ધ્ર પ્રદેશમાં ત્યાંના પછાત વર્ગના મુસ્લિમો માટે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ સરકારી નોકરીમાં ચાર ટકા અનામત રાખવાના સમાચાર ગયે મહિને આવ્યા. આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો ભણીગણીને આગળ વધે અને સરકારી કચેરીઓમાં તેમને નોકરી મળી શકે એ માટે તેમને અમુક ક્વોટા બાંધી આપવો એ બેશક આવકારદાયક પગલું છે, પરંતુ સમાજના અમુક વર્ગને ‘પછાત’નું લેબલ માર્યા પછી એ લેબલ પર વળી ધર્મનું અને જાતિનું લેબલ શા માટે ચિપકાવવામાં આવે છે એ સમજાતું નથી. આર્થિક તેમજ સામાજિક રીતે પછાત રહી જવા પામેલા લોકોને અનામતના કાયદા વડે પગભર બનાવવા જ હોય તો એ લોકો કઇ જાતિના કે ધર્મના છે તેનાથી સરકારે શા માટે નિસ્બત રાખવી જોઇએ ? ક્વોટાની ટકાવારી તેમની આર્થિક પહોંચને અનુલક્ષીને કરવી જોઇએ, નહિ કે તેમના ધર્મને કે જાતિને ધ્યાનમાં લઇને. દિલ્હીની કોંગ્રેસ સરકાર બિનસાંપ્રદાયિકતાની સખત અને સતત તરફેણ કરતી હોય છે. સેક્યુલારિઝમની વ્યાખ્યા એમ કહે છે કે સેક્યુલારિસ્ટ સરકારે દેશના રાજકારણને, કાયદો અને વ્યવસ્થાને તેમજ શિક્ષણપ્રથાને ધર્મસંપ્રદાયોથી તેમજ પ્રજાની નાતજાતથી પર રાખવા જોઇએ. આન્ધ્ર પ્રદેશમા...