ટેલિવિઝન ન્યૂઝચેનલો : Breaking ના નામે હાંકે રાખોની હરિફાઇ
એક જાણીતી ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ થોડા વખત પહેલાં યોગગુરુ બાબા રામદેવને ઇન્ટર્વ્યૂ દરમ્યાન સવાલ કર્યો : ‘ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહેલી ટીમ અણ્ણા દેશના કાળા નાણાં વિશે કોઇ મુદ્દો ઉઠાવી નથી રહી. આ બાબતે તમારો શો અભિપ્રાય છે ?’ બાબા રામદેવ : ‘એ તેમનો વ્યક્તિગત મામલો છે. કાળા નાણાંના મુદ્દાને તેઓ ટેકો આપે કે ન આપે તેનાથી મને કશો ફરક પડતો નથી. ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરુ કર્યું એ પહેલાંથી હું કાળા નાણાં સામે ઝૂંબેશ ચલાવી રહ્યો છું. આ ઝૂંબેશ મારી રાષ્ટ્રીય ફરજ છે. અણ્ણા હજારે તે ઝૂંબેશને ટેકો આપે તો ઠીક અને ન આપે તો પણ ઠીક.’ આટલો વાર્તાલાપ પૂરો થયો ત્યાં બીજી જ મિનિટે ન્યૂઝચેનલે તેના લાઇવ સમાચારનું મથાળું બાંધ્યું : Breaking News: Baba Ramdev attack on Team Anna! રામદેવે ટીમ અણ્ણા વિરુદ્ધ કોઇ પણ જાતનું જલદ વાક્ય ઉચ્ચાર્યું ન હતું. ઊલટું, ન્યૂઝરિપોર્ટરે પોતે તેના સવાલમાં એમ કહ્યું કે ટીમ અણ્ણા દેશના કાળા નાણાંના મુદ્દે અવાજ ઊઠાવતી નથી અને છતાં ન્યૂઝચેનલે રાઇનો પર્વત ઊભો કર્યો. આ પ્રસંગ ભારતનું ઇલેક્ટ્રોનિક મીડિઆ હજી કેટલું અપરિપક્વ છે તેમજ સમાચારને સનસનીખેજ બનાવવા ખાતર ક...