વાંગડુંગ : ૨૫ વર્ષથી ચીનની એડી નીચે દબાયેલો ભારતીય પ્રદેશ
ભારતના અરુણાચલ પ્રદેશને અલાયદા રાજ્યનો દરજ્જો મળ્યાને ગઇ ફેબ્રુઆરી ૨૦ ના રોજ ૨૫ વર્ષ પૂરાં થયાં. પ્રસંગ સિલ્વર જૂબિલિનો હતો, જેની ઉજવણીના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે આપણા સંરક્ષણમંત્રીને તેડાવ્યા. દેશના સંરક્ષણમંત્રી પોતાના જ દેશના એકાદ રાજ્યની મુલાકાત લે એ બાબત આમ તો સામાન્ય ગણાય, પરંતુ ચીનને એ બાબત સામાન્ય ન લાગી. અરુણાચલ પ્રદેશમાં આપણા સંરક્ષણમંત્રીની હાજરી તેને કઠી--અને તે પણ એટલી હદે કે ચીનના વિદેશમંત્રીએ તીખા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી એવા મતલબનું નિવેદન આપ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભારતીય શાસકોનું આવવું બેય દેશો વચ્ચેના શાંતિસંબંધોને જોખમમાં મૂકી શકે છે. ચીનના વિદેશમંત્રીએ પોતાનો વિરોધ કર્યો કે પછી ભારતને ઠાવકી ભાષામાં ધમકી આપી એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ એક વાત નક્કી છે : અરુણાચલ પ્રદેશને રાજકીય તેમજ ભૌગોલિક રીતે પોતાનો ભાગ ગણતી બિજિંગ સરકાર એ સ્થળે ભારતીય આગેવાનોની હાજરી સાંખી લેવા માગતી નથી. ચારેક વર્ષ પહેલાં વડા પ્રધાન મનમોહન સિંહે જ્યારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી ત્યારે પણ બિજિંગ સરકારના પેટમાં તેલ રેડાયું હતું અને ડિપ્લોમેટિક...