રાષ્ટ્રપતિના હોદ્દાની ગરિમાઃ ગઇ કાલ અને આજ
આઝાદ ભારતના સૌ પ્રથમ રાષ્ટ્રપતિનો મોભાદાર હોદ્દો સંભાળનાર અને સતત ૧૨ વર્ષ સુધી તે હોદ્દાનો મોભો તથા ગરિમા જાળવી રાખનાર ડો. રાજેન્દ્ર પ્રસાદે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય લીધી તે ઐતિહાસિક બનાવને ચાલુ મહિને ૫૦ વર્ષ પૂરાં થાય છે. રાષ્ટ્રપતિ પોતાનો કાર્યકાળ પૂરો થયા પછી રુખસત લે એ પ્રસંગ આમ તો સામાન્ય ગણાય, પણ ડો. રાજેન્દ્ર પ્રસાદના (રાજેન્દ્રબાબુના) કેસમાં એ પ્રસંગ સામાન્ય ન હતો. કારણ કે રાજેન્દ્રબાબુ સાધારણ રાષ્ટ્રપતિ ન હતા. જાન્યુઆરી ૧૯૫૦થી મે, ૧૯૬૨ સુધી દિલ્હીના મહેલાત જેવા રાષ્ટ્રપતિ ભવનમાં રાજેન્દ્રબાબુ અત્યંત સાદગીથી રહ્યા. સરકારે તેમનો નિભાવખર્ચ ઓછામાં ઓછો વેઠવાનો થાય તેનું હંમેશાં તેમણે ધ્યાન રાખ્યું, કેમ કે રાષ્ટ્રપતિ પાછળ સરકાર જે ખર્ચ કરે તે આખરે તો પ્રજાએ કરવેરારૂપે ચૂકવેલા નાણાંમાંથી ભરપાઇ કરાતો હતો. દેશની જનતા પર આર્થિક બોજો લાદવામાં નિમિત્ત બનવા ન માગતા રાજેન્દ્રબાબુની ખાનદાની એટલી કે રાષ્ટ્રપતિ તરીકે મળતા રૂ.૧૦,૦૦૦ના માસિક પગારની ફક્ત ૧૦% રકમ સ્વીકારી બાકીનો ૯૦% હિસ્સો સરકારી તિજોરીમાં જમા કરાવી દેતા. આ રીતે કુલ ૧૪૭ મહિના રાષ્ટ્રપતિના હોદ્દે રહીને રાજેન્દ્...