પાક જેલોમાં સબડતા ફૂટ્યાં કરમના ૫૪ ભારતીય સરફરોશો

એક ચોંકાવનારો પ્રસંગ વર્ણવતા પહેલાં વર્ષ જણાવી દઇએ: ૧૯૭૯નું હતું. ‘સફારી’ના તંત્રી એ સમયે ‘ફ્લેશ’ નામનું સામયિક ચલાવતા હતા, જેનું સ્લોગન ‘માંડીને વાત કરતું મેગેઝિન’ એવું હતું--અને સાથે જ તેમાં દરેક ઘટનાત્મક વિષય અંગે ‘સફારી’ની જેમ વિગતવાર લેખો અપાતા હતા. સામયિકના ચાર ખબરપત્રીઓ દિલ્લી ખાતે હતા જેઓ અસલમાં તો ‘ધ સ્ટેટ્સમેન’ અને ‘ધ હિન્દુસ્તાન ટાઇમ્સ’ના સ્ટાફ રિપોર્ટર્સ હતા. એક ખબરપત્રીએ ૧૯૭૯માં તંત્રીની દિલ્લીની મુલાકાત દરમ્યાન જણાવ્યું : ‘આજે રાત્રે તમારો ભેટો દાણચોર સાથે કરાવવાનો છે.’ પ્રસ્તાવ નકારી કાઢવા જેવો હતો, કેમ કે લેખક-પત્રકારે દાણચોર સાથે અછડતી પણ લેવાદેવા રાખવાની હોય નહિ. આમ છતાં પોતાના આગ્રહને વળગી રહેલા ખબરપત્રીએ ફોડ પાડ્યો કે મામલો દાણચોરી અંગેનો ન હતો. કંઇક જુદી જ વાત હતી. રાત્રે ચાંદની ચોક નજીકની પેશાવરી લાલાની રેસ્ટોરન્ટમાં ૩ જણા ભોજનના બહાને મળ્યા. દેખાવે પડછંદ છતાં પહેરવેશે લઘરા જણાતા દાણચોરે પંજાબી લઢણવાળી હિંદીમાં કેટલીક નિરર્થક વાતો કર્યા બાદ પોતાનો જે સાચો અનુભવ વર્ણવ્યો તે આશ્ચર્યની તેમજ આઘાતની મિશ્રિત લાગણી જન્માવે તેવો હતો. આ રીઢો દાણચોર જેમાં વધુ બરકત જણાય...