ભારતચીન યુદ્ધનાં ૫૦ વર્ષઃ ભારતીય શાસકો ત્યારે પણ ઊંઘતા હતા, હજી પણ નિદ્રાધીન છે

આ મહિને ૨૦મી ઓક્ટોબરના રોજ ૧૯૬૨ના ચીની આક્રમણને ૫૦ વર્ષ પૂરાં થાય છે અને હજી આપણો ૩૭,૫૫૫ ચોરસ કિલોમીટર જેટલો લદ્દાખી પ્રદેશ ચીનના તાબામાં છે. હવે ચીન અરુણાચલ પ્રદેશ રાજ્યનો ૭૦,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ કબજે લેવા માટે લશ્કરી તૈયારીઓ કરી રહ્યું છે, એટલે ત્યાંની મેક્મેહોન રેખા પર તેનું વહેલું મોડું જંગી આક્રમણ થાય એ બનવાજોગ છે. આ ખતરા બાબતે દિલ્હી સરકાર બિલકુલ નિશ્ચિંત કે પછી નિદ્રાધીન હોવાનું સૂચવતો દાખલો ગયે મહિને જોવા મળ્યો, જેણે ૫૦ વર્ષ પહેલાંના નેહરુની અક્ષમ્ય બેફિકરાઇની યાદ તાજી કરાવી દીધી. બન્યું એમ કે ખુશ્કીદળે શિખરમાળા ધરાવતી ૪,૫૦૭ કિલોમીટર લાંબી ભારતચીન અંકુશરેખા માટે ૬૦,૦૦૦ સૈનિકોની પહાડી corps/કોર તાકીદે રચવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ આજે પચાસ વર્ષે પણ ૧૯૬૨ના ધબડકાનો કશો બોધપાઠ લેવા ન માગતી સરકારે તેને મંજૂર ન કર્યો. કઇ વાતે પંડિત નેહરુની યાદ આવી જાય તે અહીં જણાવવું રહ્યું. ચીની લશ્કર ૧૯૬૨માં ચડી આવ્યું, પણ સરહદે અહીં તહીં ઘૂસપેઠ તેણે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરી દીધી હતી. કાશ્મીરના લદ્દાખ તેમજ આસામના નેફા પ્રદેશમાં તેની વધુ ને વધુ પેટ્રોલિંગ ટુકડીઓ દેખાવા માંડી ત્યારે ભારત...