કચતિવુ : ભારત-શ્રી લંકા વચ્ચે વિખવાદનું મૂળ બનેલો ટાપુ
અ ખબારોમાં ખૂણેખાંચરે ક્યાંક ટૂંકા સ્વરૂપે દબાયેલા રહી જાય અને છતાં જેમને અત્યંત ગંભીર બાબત સાથે ડાયરેક્ટ જોડાણ હોય એવા સમાચારનો તાજો નમૂનો : શ્રી લંકાના નૌકાદળે છેલ્લાં ૩૦ વર્ષ દરમ્યાન આપણા ૫૦૦ કરતાં વધુ માછીમારોને ઠાર માર્યા છે. માછીમારોનો કથિત દોષ એ કે તેઓ શ્રી લંકાના મતે તેના જળવિસ્તારમાં માછલાં પકડવા ઘૂસ્યા. શ્રી લંકાની દલીલ પ્રમાણે જોતાં ભારતીય માછીમારોએ આંતરરાષ્ટ્રીય સીમારેખાનો ભંગ કર્યો, માટે તેઓ આક્રમણખોર હોવાનું ગણી યુદ્ધના શિરસ્તા મુજબ તેમને શૂટ કરી દેવામાં આવ્યા. આ હિંસક સિલસિલો હજી ચાલુ છે અને ભારત પ્રેક્ષકના રોલમાં સંતુષ્ટ છે. એક વાત તો આપણે ત્યાં વયસ્કો ઉપરાંત ચિલ્લર પાર્ટીને પણ ખબર છે કે વર્તમાન દિલ્લી સરકારને કરોડરજ્જુ નથી, પરંતુ એ વાતને અહીં પૂરતી બાજુ પર મૂકો તો ભારતીય માછીમારોની કરુણકથનીનાં મૂળિયાં વર્તમાનને બદલે ભૂતકાળમાં છે. ઇન્દિરા ગાંધીની સરકારે એ વખતે રાજ્યબંધારણનું ઉલ્લંઘન કરી ભારત અને શ્રી લંકા વચ્ચેનો આપણી પરંપરાગત માલિકીનો કચતિવુ ટાપુ ઉદાર દિલે શ્રી લંકાને આપી દીધો. ભારતના પ્રદેશનો નજીવો ટુકડો સુદ્ધાં પારકા દેશના હવાલે કરી શકાય નહિ, કાર...