કચતિવુ : ભારત-શ્રી લંકા વચ્ચે વિખવાદનું મૂળ બનેલો ટાપુ

ખબારોમાં ખૂણેખાંચરે ક્યાંક ટૂંકા સ્વરૂપે દબાયેલા રહી જાય અને છતાં જેમને અત્યંત ગંભીર બાબત સાથે ડાયરેક્ટ જોડાણ હોય એવા સમાચારનો તાજો નમૂનો : 

શ્રી લંકાના નૌકાદળે છેલ્લાં ૩૦ વર્ષ દરમ્યાન આપણા ૫૦૦ કરતાં વધુ માછીમારોને ઠાર માર્યા છે. માછીમારોનો કથિત દોષ એ કે તેઓ શ્રી લંકાના મતે તેના જળવિસ્તારમાં માછલાં પકડવા ઘૂસ્યા. શ્રી લંકાની દલીલ પ્રમાણે જોતાં ભારતીય માછીમારોએ આંતરરાષ્ટ્રીય સીમારેખાનો ભંગ કર્યો, માટે તેઓ આક્રમણખોર હોવાનું ગણી યુદ્ધના શિરસ્તા મુજબ તેમને શૂટ કરી દેવામાં આવ્યા. આ હિંસક સિલસિલો હજી ચાલુ છે અને ભારત પ્રેક્ષકના રોલમાં સંતુષ્ટ છે.

એક વાત તો આપણે ત્યાં વયસ્કો ઉપરાંત ચિલ્લર પાર્ટીને પણ ખબર છે કે વર્તમાન દિલ્લી સરકારને કરોડરજ્જુ નથી, પરંતુ એ વાતને અહીં પૂરતી બાજુ પર મૂકો તો ભારતીય માછીમારોની કરુણકથનીનાં મૂળિયાં વર્તમાનને બદલે ભૂતકાળમાં છે. ઇન્દિરા ગાંધીની સરકારે એ વખતે રાજ્યબંધારણનું ઉલ્લંઘન કરી ભારત અને શ્રી લંકા વચ્ચેનો આપણી પરંપરાગત માલિકીનો કચતિવુ ટાપુ ઉદાર દિલે શ્રી લંકાને આપી દીધો. ભારતના પ્રદેશનો નજીવો ટુકડો સુદ્ધાં પારકા દેશના હવાલે કરી શકાય નહિ, કારણ કે રાજ્યબંધારણ એ બાબતે સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવે છે. માર્ચ ૨૩, ૧૯૭૬ના રોજ કચતિવુની સોંપણી અંગેની ફાઇનલ સમજૂતી વખતે ઇન્દિરા ગાંધી દ્વારા લદાયેલી ઇમરજન્સીનો સમય હોવાને લીધે તેમના પગલાને કોઇએ પડકાર્યું નહિ. આ પગલાનું ગંભીર પરિણામ એ આવ્યું કે શ્રી લંકાને કચતિવુ સાથે ખાસ્સો મસ્ત્યસમૃદ્ધ એવો જળવિસ્તાર મળી ગયો અને તામિલ નાડુના માછીમારોને અધિકતમ કમાવી આપતો તે જળવિસ્તાર રાતોરાત તેમના માટે ‘નો-એન્ટ્રી ઝોન’ બન્યો. આ ઝોનમાં જાણ્યે-અજાણ્યે ઘૂસી આવતા ભારતીય માછીમારોને શ્રી લંકાના નૌકાદળે પહેલાં હાંકી કાઢવાનું, પછી કેદ પકડવાનું અને છેવટે કશી ચેતવણી આપ્યા વગર ગોળીએ દેવાનું શરૂ કર્યું. થોડા સમય અગાઉ કુલ મૃત્યુઆંક ૫૦૦ના ફિગરને વટાવી ગયો.
તાજા સમાચાર એ કે તામિલ નાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એમ. કરુણાનિધિએ કચતિવુનું હસ્તાંતર ગેરબંધારણીય હોવાનું કહી એ ટાપુ પાછો મેળવવા (એટલે કે સરકારને તેના પુનઃકબજા માટે ફરજ પાડવા) સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ રાજકીય નેતા ઉપરાંત તામિલ નાડુની જનતાને પણ આક્રોશ છે, કેમ કે દિલ્લી સરકાર માયકાંગલી હોવાનું જોતાં શ્રી લંકા પ્રતિદિન વધારે ભૂરાયું થતું જાય છે. ભારતીય માછીમારો પર આડેધડ ગોળીબારો કરાય છે, મોંઘી કિંમતની મોટરાઇઝ્ડ નૌકાઓ હંમેશ માટે જપ્ત કરી લેવાય છે અને જે માછીમારો કેદ પકડાયા હોય તેમને શ્રી લંકાની અદાલત મહિનાઓ લાંબી જેલસજા ફટકારે છે. જેલોમાં અમાનુષી શારીરિક જુલમો ગુજારાયાના પણ દાખલા છે. આ સમસ્યાનું દિલ્લી સરકારને મન અસ્તિત્વ પણ હોય એમ જણાતું નથી. એક ટચૂકડો દેશ તેના કરતાં પૂરા ૫૦ ગણા મોટા ભારતનું નાક કાપ્યે જાય છે એ જોતાં સમસ્યા રાષ્ટ્રગૌરવના મુદ્દે અત્યંત ગંભીર લેખાય, માટે તેનું લગભગ અજાણ્યું રહેલું બેકગ્રાઉન્ડ જોઇએ--

કિનારાથી શરૂ કરીને ૧૨ દરિયાઇ માઇલ (રાઉન્ડ ફિગરમાં ૨૨ કિલોમીટર) સુધીનો પટ્ટો જે તે દેશનો રાજકીય વિસ્તાર ગણાય છે, એટલે પરદેશી જહાજો કે માછીમાર નૌકાઓ તેમાં પરવાનગી વગર પ્રવેશી શકે નહિ. શ્રી લંકા-ભારતની બાબતમાં થયું છે એવું કે તેમને ભૌગોલિક રીતે જુદા પાડતી Palk Strait/પાકની સામુદ્રધુની ૩૨ કિલોમીટર કરતાં વધુ પહોળી નથી. શ્રી લંકાએ આગ્રહ રાખ્યો કે સામુદ્રધુનીમાં વચ્ચોવચ જળસીમા (નકશા પર) આંકી દેવી જોઇએ. ઇન્દિરા ગાંધીએ પ્રસ્તાવ માન્ય રાખ્યો, પણ એ પહેલાં જૂના નકશા કઢાવીને જરૂરી તપાસ કરી નહિ. ભૂતકાળમાં કચતિવુ ટાપુ રામનાડના રાજાની માલિકીનો હતો એટલું જ નહિ, શ્રી લંકાની (તત્કાલીન સિલોનની) અંગ્રેજ સરકારે તેના ૧૭૫૭ની અને ૧૭૬૨ની સાલના નકશામાં કચતિવુ ટાપુ ભારતનો દર્શાવ્યો હતો. ટૂંકમાં, ભારતનો અધિકૃત જળવિસ્તાર દક્ષિણે રામેશ્વરમ્ નહિ, પણ કચતિવુ પછી ૧૨ દરિયાઇ માઇલનો ગણાવો જોઇએ. ઇન્દિરા સરકારે ઇમરજન્સી દરમ્યાન શ્રી લંકા સાથે માર્ચ ૨૩, ૧૯૭૬ના રોજ કરેલી સમજૂતી અનુસાર બે દેશો વચ્ચે જળસીમાડો પાક સામુદ્રધુનીમાં વચ્ચોવચ અંકાયો, એટલે કચતિવુ ટાપુ શ્રી લંકાને સુપરત કરી દેવો પડ્યો. આ ગફલતનાં આર્થિક પરિણામો જે આવ્યાં હોય તે ખરાં, પણ આપણા ૫૦૦ માછીમારોએ જિંદગીથી હાથ ધોવા પડ્યા છે. આ ક્રમ ચાલુ રહેવાનો છે.

Comments

  1. Thank you very much for excellent information Sir your articles are always enlightening and very informative.It is very sad that we have such spineless politician who can not save part of Indian soil and lives of Indian citizen.

    ReplyDelete
  2. Nice Blog, Thank you for sharing this nice information about nice topic on your blog, it is very informatics info thank for this blog
    Big Height


    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન