ચૂંટણીમાં જાતિવાદ અને પ્રાંતવાદના વિઘાતક ફન્ડા પછી પહેલી વારનો નવો અજેન્ડા : વિકાસ
એ ક જરૂરી ખુલાસો: અહીં જે મુદ્દા પર વિશ્લેષણાત્મક ચર્ચા કરી છે તેમાં વાત રાજકીય આગેવાનોની તેમજ રાજકારણની છે, પણ ચર્ચાનું ફોકસિંગ રાષ્ટ્રહિત સિવાય કશે નથી એટલે મુદ્દો વાંચ્યા પછી તેના પર મનોમંથન કરતી વખતે ફોકસિંગ પણ રાષ્ટ્રહિત પર જ રાખજો. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે પંડિત નેહરુ, સરદાર પટેલ, ગોવિંદ વલ્લભ પંત, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર બલદેવ સિંહ, શ્યામાપ્રસાદ મુખરજી વગેરે જેવા વિરાટ પ્રતિભાના રાજકીય આગેવાનો ભારતના રાજકારણમાં સક્રિય હતા. આ દરેકનો અભિગમ પ્રજાભિમુખ હતો, વિચારસરણી દેશહિતને લગતી હતી અને કાર્ય વિચારસરણી મુજબનું હતું. દેશના રાજકારણમાં નૈતિક મૂલ્યોનો ઊંડો પ્રભાવ હતો, એટલે પારદર્શકતા પણ હતી. આ સ્થિતિ જો કે ૧૯૬૦ પછી બદલાવા લાગી. વિદેશનીતિઓમાં રચ્યાપચ્યા રહેતા પંડિત નેહરુ દેશના આંતરિક મામલાઓમાં ગાફેલ રહ્યા, એટલે રાષ્ટ્રહિત જોખમમાં આવી પડ્યું. દેશ સામે ઊભી થયેલી આંતરિક તેમજ (ચીન જેવી) આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વણઉકેલ રહી અને પ્રજાવિમુખ શાસનનો નવો દોર શરૂ થયો. આ દોર નેહરુની દીકરી ઇન્દિરાએ આગળ ચલાવ્યો અને નિષ્ઠા, નૈતિકતા, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રહિત વગેરેની રાજકારણમાંથી સંપૂર...