ચુશુલ વોર મેમોરિઅલની મુલાકતઃ અેક અવિસ્મરણીય અનુભવ

બિનપરંપરાગત ઢબે (અવનવું જોવા ઉપરાંત પુષ્કળ જ્ઞાનવર્ધક જાણકારી મળે એવું) ટ્રાવેલિંગ કરવું એ ‘સફારી’ની પ્રવાસી ટીમની ખૂબી છે. ટીમનો દરેક પ્રવાસ સ્ટડી ટૂર જેવો હોય છે, જેમાં ઘણીબધી અજાણી માહિતીઓનો જેકપોટ મળવા ઉપરાંત ક્યારેક બિલિવ-ઇટ-ઓર-નોટ અનુભવો પણ મળે છે. આ વખતે દિવાળી દરમ્યાન ટીમે લદ્દાખના દૂરદરાજના ગામો-પ્રદેશોની મુલાકાત લીધી ત્યારે આપણા સરહદી વિસ્તારો વિશે કેટલીક ફર્સ્ટ-હેન્ડ માહિતીઓ મળી, તો બીજી તરફ કેટલાક અવિસ્મરણીય અનુભવો થયા. આમાંનો એક વિશેષ પ્રસંગ અહીં વાચકો સમક્ષ રજૂ કર્યા વિના રહી શકાતું નથી, કેમ કે તેમાં ‘સફારી’ના રાષ્ટ્રવાદી અભિગમની વાત કેંદ્રસ્થાને છે. જમ્મુ-કાશ્મીરનો લદ્દાખ જિલ્લો તેના ઊંચા ભૌગોલિક સ્થાનને કારણે, વિષમ વાતાવરણને કારણે તેમજ ખૂબ જ મર્યાદિત સાધન-સગવડોને કારણે અત્યંત દુર્ગમ ગણાય છે. લદ્દાખનો સમગ્ર પ્રદેશ વેરાન, ડુંગરાળ અને ખડકાળ છે. નજર દોડાવો ત્યાં બધે પથરા છે અને હરિયાળી તો બિલકુલ નથી. આમ છતાં લદ્દાખ આપણા માટે વ્યૂહાત્મક દષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. ઉત્તરે પાકિસ્તાન સાથેની અંકુશરેખા છે અને પૂર્વે અક્સાઇ ચીનની સરહદ લદ્દાખને સ્પર્શે છે, એટલે ઉત્તર અને પૂર્...