ચુશુલ વોર મેમોરિઅલની મુલાકતઃ અેક અવિસ્મરણીય અનુભવ
બિનપરંપરાગત ઢબે (અવનવું જોવા ઉપરાંત પુષ્કળ જ્ઞાનવર્ધક જાણકારી
મળે એવું) ટ્રાવેલિંગ કરવું એ ‘સફારી’ની પ્રવાસી ટીમની ખૂબી છે. ટીમનો દરેક પ્રવાસ
સ્ટડી ટૂર જેવો હોય છે, જેમાં ઘણીબધી અજાણી માહિતીઓનો જેકપોટ મળવા ઉપરાંત ક્યારેક બિલિવ-ઇટ-ઓર-નોટ
અનુભવો પણ મળે છે. આ વખતે દિવાળી દરમ્યાન ટીમે લદ્દાખના દૂરદરાજના ગામો-પ્રદેશોની મુલાકાત
લીધી ત્યારે આપણા સરહદી વિસ્તારો વિશે કેટલીક ફર્સ્ટ-હેન્ડ માહિતીઓ મળી, તો બીજી તરફ
કેટલાક અવિસ્મરણીય અનુભવો થયા. આમાંનો એક વિશેષ પ્રસંગ અહીં વાચકો સમક્ષ રજૂ કર્યા
વિના રહી શકાતું નથી, કેમ કે તેમાં ‘સફારી’ના રાષ્ટ્રવાદી અભિગમની વાત કેંદ્રસ્થાને
છે.
જમ્મુ-કાશ્મીરનો
લદ્દાખ જિલ્લો તેના ઊંચા ભૌગોલિક સ્થાનને કારણે, વિષમ વાતાવરણને કારણે તેમજ ખૂબ જ મર્યાદિત
સાધન-સગવડોને કારણે અત્યંત દુર્ગમ ગણાય છે. લદ્દાખનો સમગ્ર પ્રદેશ વેરાન, ડુંગરાળ અને
ખડકાળ છે. નજર દોડાવો ત્યાં બધે પથરા છે અને હરિયાળી તો બિલકુલ નથી. આમ છતાં લદ્દાખ
આપણા માટે વ્યૂહાત્મક દષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. ઉત્તરે પાકિસ્તાન સાથેની અંકુશરેખા
છે અને પૂર્વે અક્સાઇ ચીનની સરહદ લદ્દાખને સ્પર્શે છે, એટલે ઉત્તર અને પૂર્વ એમ બેય
મોરચે ભારતે ઠેરઠેર લશ્કરી મથકો સ્થાપવાં પડ્યાં છે. ખુશ્કીદળનાં થોડાં મથકો ગુપ્ત
છે. પરિણામે લદ્દાખની મુલાકાતે જવા માગતા પર્યટકો માટે અમુક સરહદી વિસ્તારોમાં પાબંદી
છે. ચુશુલ નામના ગામનો એવા નો-એન્ટ્રી વિસ્તારમાં સમાવેશ થાય છે.
અહીં
જરા વિષયાંતર કરીને યાદ અપાવવાનું કે નવેમ્બર, ૧૯૬૨માં લદ્દાખના ચુશુલ ખાતે ચીનનું
લશ્કર અણચિંતવ્યું આક્રમણ લાવ્યું હતું અને ભારતના સપૂતો ટાંચા શસ્ત્રો વડે તેમને સામી
છાતીએ લડ્યા હતા. ભરશિયાળે ૪,૩૬૦ મીટરની (૧૪,૩૦૦ ફીટની) ઊંચાઇએ ખેલાયેલા સંગ્રામમાં
સેંકડો ભારતીય જવાનો શહીદ થયા, જેમાં એક ફૌજી ૧૩મી કુમાઉં બટાલિઅનના મેજર શૈતાનસિંહ
હતા. ચુશુલમાં ચીને સરેરાશ ૧ ભારતીય જવાન સામે ૧૦ સૈનિકોને યુદ્ધમાં ઉતાર્યા હતા. મેજર
શૈતાનસિંહે પોતાની ચોકીનું રક્ષણ કરતી વખતે દસ નહિ, પણ ઘણું કરીને પાંત્રીસથી ચાલીસ
દુશ્મનોને વીંધ્યા. લાંબી લડતના અંતે ખુદ તેઓ દુશ્મનની ગોળીનો શિકાર બન્યા અને જમીન
પર ફસડાઇ પડ્યા. આપણા બે જવાનોએ તેમને સારવાર અર્થે છાવણીએ લઇ જવા માટે ઊંચક્યા, પણ
ચીની સૈનિકોએ તેમની તરફ ફાયરિંગ શરૂ કર્યું. બે જવાનો ઘાયલ શૈતાનસિંહને ઊંચકી સ્વબચાવ
માટે ભાગી શકે તેમ ન હતા, એટલે મેજરે તેમને લશ્કરી રાહે ઓર્ડર આપી ફરજમુક્ત કર્યા.
ઓર્ડર છૂટ્યો, એટલે તેનું પાલન તો કરવું રહ્યું. મેજરને ઘાયલ સ્થિતિમાં છોડી જવાનોએ
પીછેહઠ કરવી પડી. ત્રણ મહિના પછી એ જ સ્થળે મેજર શૈતાનસિંહનો મૃતદેહ મળી આવ્યો, જે
હિમ પર જેમનો તેમ સચવાયો હતો. ચુશુલના યુદ્ધમાં અપ્રતિમ સાહસ બદલ શૈતાનસિંહને મરણોત્તર
પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો.
ચુશુલ સંગ્રામના પરમવીર મેજર શૈતાનસિંહ |
આ મેજરની
તેમજ ૧૩મી કુમાઉં બટાલિઅનના અન્ય શહીદોની વીરગાથાને બિરદાવતું તેમજ જીવંત રાખતું સ્મારક
વખત જતાં ચુશુલ નજીક રેઝાંગ લા ખાતે ઊભું કરવામાં આવ્યું. આ સ્મારકની મુલાકાત ‘સફારી’ની
પ્રવાસી ટીમની ટોપ-પ્રાયોરિટી હતી, એટલે આમજનતા માટે વર્જ્ય એવા ચુશુલની વિઝિટ માટે
ટીમે લેહના ડેપ્યૂટી કમિશ્નરને વિનંતીપત્ર લખ્યો. મુલાકાતનો ઉદ્દેશ ઉમદા હતો, છતાં
થોડીક પૂછપરછ બાદ ડેપ્યૂટી કમિશ્નરે પરવાનગી આપી.
ઓક્ટોબર
૨૩, ૨૦૧૪. દિવાળીનું પર્વ તે દિવસે હતું. સરહદી વિસ્તારોમાં ખુશ્કીદળની સંખ્યાબંધ ચેક-પોસ્ટ
વટાવીને ‘સફારી’ની મોટર ચુશુલના રેઝાંગ લા ખાતે ૧૩મી કુમાઉં બટાલિઅનના સ્મારકે પહોંચી
ત્યારે લશ્કરના પંદરેક જવાનો ત્યાં પહેલેથી મોજૂદ હતા. થોડી જ મિનિટોમાં એક જીપગાડી
ત્યાં આવી પહોંચી. ૧૯મી કુમાઉં બટાલિઅનના રોહિત સિંહ નામના મેજર જીપમાંથી ઊતર્યા. સ્મારકની
મુલાકાતે તેઓ આવ્યા હતા. ‘સફારી’ની ટીમને જોઇ મેજર સહેજ નવાઇ પામ્યા અને તેમણે વિવેકપૂર્વક
પૂછ્યું : ‘ઘૂમને આયે હો ?’
‘નહીં
! ખાસ કારણ હૈ...’ મેં પ્રત્યુત્તર દીધો.
‘અચ્છા
?’ મેજરનું આશ્ચર્ય જરા વધ્યું. ‘મેમોરિઅલ દેખ લિયા ?’
‘બસ,
દેખને હી જા રહે હૈ...’ મેજર રોહિત સિંહ સાથે વાર્તાલાપ આગળ વધે એ પહેલાં ૧૯મી કુમાંઉ
બટાલિઅનના બીજા એક સીનિઅર અફસર આવી ચડ્યા, એટલે મેજર તેમની સાથે ચર્ચામાં રોકાયા. દરમ્યાન
‘સફારી’ની ટીમ સ્મારકે ગઇ. નવેમ્બર, ૧૯૬૨માં ચીની આક્રમણ સામે લડી શહાદતને વહોરી ચૂકેલા
૧૩મી કુમાઉં બટાલિઅનના ૧૧૪ જવાનોની નામાવલિ એક ખાંભી ઉપર લખેલી હતી, શહીદોની જવાઁમર્દીને
બિરદાવતી આરસની કેટલીક તકતીઓ હતી, અફસર કક્ષાના ફૌજીઓની યાદમાં અકેક પથ્થર સમાધિના
પ્રતીકરૂપે ખોડવામાં આવેલો હતો અને દરેક પથ્થર નીચે જે તે અફસરનું નામ લખેલી નાનકડી
તકતી હતી. સ્મારકની વચ્ચોવચના એક પથ્થર નીચે લખેલું હતું : મેજર શૈતાનસિંહ (પરમ વીર
ચક્ર) ! આ તકતી વાંચતાવેંત પગ થંભી ગયા. મામૂલી શસ્ત્રો તેમજ મર્યાદિત સૈનિકો વડે મેજર
શૈતાનસિંહે હાડ ગાળી નાખતી ઠંડી વચ્ચે દુશ્મનોનો સામી છાતીએ મુકાબલો શી રીતે કર્યો
હશે તેનું ચિત્ર નજર સામે ઉપસવા લાગ્યું અને હ્દય ગમગીનીમાં ડૂબવા લાગ્યું.
થોડી
વારે સ્વસ્થતા આવી. જોયું તો ૧૯મી કુમાઉં બટાલિઅનના મેજર રોહિત સિંહ નજીકમાં ઊભા હતા.
‘Can I have a
word with you for a minute ?’ મેં તેમને પૂછ્યું.
‘Sure, why not?’ મેજરે લશ્કરી છટામાં જવાબ દીધો
અને પછી સ્મારકની પડખે આવેલા રિસેપ્શન જેવા એક ઓરડામાં મને દોરી ગયા. અહીં તેમની સાથે
૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ વિશે, ચુશુલ મોરચે મેજર શૈતાનસિંહના બલિદાન વિશે તેમજ સંરક્ષણના
મામલે દેશની ભૂતકાલીન તેમજ વર્તમાન સ્થિતિ વિશે કેટલીક નક્કર, અર્થપૂર્ણ ચર્ચાઓ થઇ
ત્યારે તેઓ સહજતાથી બોલી ઊઠ્યા : ‘How do you know so much about Indian defence?’
જવાબમાં
મેં તેમના હાથમાં સિઆચેન યુદ્ધની કવર સ્ટોરીવાળો ‘સફારી’નો અંક મૂકીને કહ્યું: ‘Here is how! I am the
editor of this magazine.’
ગુજરાતી
આવડતું ન હોવા છતાં મેજર રોહિત સિંહે બહુ રસપૂર્વક ‘સફારી’નો અંક જોયો અને સિઆચેનનો
નકશો (ગુજરાતીમાં હોવા છતાં) એકદમ સચોટ રીતે ‘વાંચી’ બતાવ્યો. લેખમાં પ્રગટ કરાયેલો
કેપ્ટન નરિન્દર કુમારનો ફોટો જોઇને મેજર ખુશાલીથી બોલી પડ્યા, ‘યે ભી કુમાઉં રેજિમેન્ટ
સે થે ! ઐસા કોઇ મિશન નહીં, જો કુમાઉં રેજિમેન્ટને કર દિખાયા ના હો !’
મેજરનો
ઉત્સાહ માપીને તેમના હાથમાં મેં ‘યુદ્ધ-૭૧’ પુસ્તક મૂક્યું ત્યારે વિસ્મયનો વધુ એક
આંચકો તેમને મળ્યો. પુસ્તકનાં પાનાં ચીવટથી તેમણે જોયાં. તમામ તસવીરો અને નકશા ઓળખી
બતાવ્યા અને પછી કહ્યું, ‘ઇંગ્લિશ મેં ઐસી બૂક્સ મૈંને દેખી હૈ, લેકિન રીજનલ લેન્ગ્વેજ
મેં ઔર વો ભી ગુજરાતી મેં પહેલી બાર દેખ રહા હૂં. આપને બહુત અચ્છા કામ કિયા હૈ ! I must thank you for such
a publication!’
આટલું
કહી મેજર રોહિતે મારી સાથે જોશભેર હાથ મિલાવ્યા અને પછી તેમના મદદનીશને કહ્યું, ‘સા’બ
કે સાથ હોમેજ રીથ લે કર જાઓ... વો રીથ રખ કર શહીદોં કો શ્રદ્ધાંજલિ દેંગે.’
આ છેલ્લું
વાક્ય સાંભળીને ચોંકી પડાયું--અને ચોંકવું સ્વાભાવિક હતું, કેમ કે ફૂલ-પાંદડાની બનેલી
wreath/રીથ તરીકે ઓળખાતી રિંગ homage/અંજલિરૂપે શહીદોની સમાધિએ ચઢાવવાનો
વિશેષાધિકાર લશ્કરી અફસરોને કે પછી રાજકારણી વી.આઇ.પી. મહાનુભાવોને મળે; civilians/સામાન્ય પ્રજાજનને નહિ. ‘સફારી’નો
રાષ્ટ્રવાદી અભિગમ પામી ચૂકેલા મેજર રોહિત સિંહે લાખો મેં એક જેવો તે અવસર મને આપી
ખરેખર તો તે અભિગમને બિરદાવ્યો હતો. મેજરને માનભેર સલ્યૂટ કરીને મેં શહીદ સ્મારક તરફ
પ્રયાણ કર્યું અને વીરગતિ પામેલા સપૂતોને પૂરા આદર સાથે ફૂલોની રીથ વડે અંજલિ આપી.
મને ભાવવિભોર જોઇ મેજર રોહિતના મદદનીશે પૂછ્યું, ‘સા’બ...આપકા કોઇ રિશ્તેદાર ઇસ જંગ
મેં શહીદ હુઆ થા ?’
‘નહીં...’
મેં કહ્યું. ‘...લેકિન ઇન્હોંને કહાઁ રિશ્તા દેખકર હમારે લિયે અપની જાનેં દી થી ?’
આ સાંભળીને
મદદનીશ એકીટશે મને જોતો રહ્યો અને સ્મારકના ગેટ સુધી મારી સાથે રહ્યો. ચુશુલ સ્મારકેથી
વિદાય લેતા પહેલાં ખુશ્કીદળની વિઝિટર્સ બૂકમાં મેં (અંગ્રેજીમાં) લખ્યું, ‘હિમાલયના
દુર્ગમ પ્રદેશોના વિષમ વાતાવરણમાં ખેલાયેલા યુદ્ધો વિશે એક પત્રકાર તરીકે મેં અત્યાર
સુધી ઘણું લખ્યું. આજે તે દુર્ગમ પ્રદેશોને નજરે જોયા અને વિષમ વાતાવરણનો માત્ર થોડા
દિવસ પૂરતો અનુભવ કર્યો ત્યારે સમજાયું કે અહીંના જવાનોએ દરરોજ કેવા આકરા પડકારો સામે
લડવું પડે છે. આ સૌને માનભરી સલામ. જય હિંદ !’
Great. Salute to those braves !!
ReplyDeleteHats off..
ReplyDeleteThis is one of best article! Thanks you! please also share your tour photos! I can understand what kind of journey you had! of course it was fantastice! If you can share photos, that would be great! Please.
ReplyDeleteThank you in advance! Deepsinh Parmar
Very very proud moment for you and for us Sir...
ReplyDeleteHats off.....
ત્યાં તમારા પગ થંભ્યા હતાં, અહીં વાંચતા વાંચતા અાંખો થભી જાય છે..!
ReplyDeleteદેશમાં સ્મારકો ઘણા છે અને પત્રકાર તરીકે થોડી મહેનત પછી ત્યાં પ્રવેશ પણ મળી શકે છે. પરંતુ રીથ વડે અંજલિ આપવાનું તમને જે માન મળ્યું એ કદાચ 'સફારી'નો રાષ્ટ્રીય સંરક્ષણ સાથેનો ઋણાનુબંધ દર્શાવે છે.
'સફારી'માં વાંચી વાંચીને જ લશ્કર, લશ્કરની પરિભાષા, સરહદો, સરહદોનું વ્યૂહાત્મક મહત્વ, સમરાંગણની કઠોરતા અને વિશેષ તો લશ્કરનો ઊંડાણપૂર્વક પરિચય મારા જેવા અનેક વાચકોને મળ્યો છે-મળતો રહે છે. મેજર રોહિતે જાણે-અજાણે 'સફારી'એ વાચકો પર ખડકેલા ઋણના અંબારને ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે.
great Safari Team and Salute to our Jawan
ReplyDeleteCan we have this in pdf format....so it can be downloaded and shared with frnds on whatsapp..
ReplyDeleteDear Harshal bhai
ReplyDeleteFirst of all, thanks a lot for sharing your experience. I read safari since my childhood and never miss any issue.
શહીદો પ્રત્યે નત-મસ્તક (ઇન્હોંને કહાઁ રિશ્તા દેખકર હમારે લિયે અપની જાનેં દી થી ?) Salute to you & team Safari.
ReplyDeleteGreat work team safari.Ladakh is very hard weather place, Salute to our soldier.
ReplyDeleteI did not read it, I experienced it..!!
ReplyDeleteખરેખર પ્રશંશનીય કાર્ય છે સર ભારત ના એ દરેક જવાન ને એક માનભરી સેલ્યુટ જે ખાલી સિયાચીન પર જ નહી પણ દરેક સરહદ પર ફરજ બજાવે છે...જય હિન્દ
ReplyDelete