પહાડી ચોકીઅોમાં કઠોર શિયાળા (અને સરકારની કઠોરતા) સામે ઝઝૂમતા જવાનો

કા શ્મીર સરહદે દ્રાસનાં, બટાલિકનાં અને કારગિલનાં સરેરાશ ૧૫,૦૦૦ ફીટ ઊંચાં શિખરો પર ભારતે ઠેર ઠેર સુરક્ષા ચોકીઓ સ્થાપી છે. દરેકમાં ૪ થી ૬ સશસ્ત્ર જવાનો તૈનાત રહે છે અને અંકુશરેખા પર દિવસરાત ચાંપતી નજર રાખે છે. આ ચોકીઓ ભારત માટે વ્યૂહાત્મક રીતે એટલી મહત્ત્વની છે કે ખુશ્કીદળના જવાનો તેમાં ૩૬૫ દિવસ રહે છે. પહાડી ચોકીઓ તેમનું બીજું ઘર બન્યું છે એમ કહેવું ખોટું નહિ. સંજોગો ભલે ગમે તે હોય, પણ ચોકીઓને ક્યારેય રેઢી મૂકવામાં આવતી નથી. અહીં યાદ અપાવવાનું કે ૧૯૯૯ના શિયાળામાં આપણા જવાનો દ્રાસ, કારગિલ અને બટાલિક ખાતેની ચોકીઓ છોડી મેદાની પ્રદેશોમાં ઊતરી આવ્યા ત્યારે પાક ઘૂસણખોરોએ ગુપચુપ તે સૌમાં કબજો જમાવી લીધો હતો. આ તમામ ચોકીઓ ત્યાર બાદ આપણા જવાનોએ કારગિલ યુદ્ધમાં લોહી રેડીને પરત મેળવી હતી. અંકુશરેખાની લગોલગ હિમાલયનાં ઉત્તુંગ શિખરોમાં બનાવવામાં આવેલી આપણી ચોકીઓ સરેરાશ ૧૫,૦૦૦ ફીટની ઊંચાઇએ છે. આ ગગનચુંબી ઊંચાઇએ હવા અત્યંત ઠંડી તથા પાતળી હોય છે. વળી હવામાં પ્રાણવાયુનું પ્રમાણ ખાસ્સું ઓછું હોવાથી પ્રત્યેક શ્વાસે ફેંફસાંને મળતો ઓક્સિજનનો ઓછો પુરવઠો ચિત્તભ્રમ, ઉબકા, સરદર્દ જેવી તકલીફો પેદા કરે છે. શિ...