પહાડી ચોકીઅોમાં કઠોર ‌શ‌િયાળા (અને સરકારની કઠોરતા) સામે ઝઝૂમતા જવાનો

કાશ્મીર સરહદે દ્રાસનાં, બટાલિકનાં અને કારગિલનાં સરેરાશ ૧૫,૦૦૦ ફીટ ઊંચાં શિખરો પર ભારતે ઠેર ઠેર સુરક્ષા ચોકીઓ સ્થાપી છે. દરેકમાં ૪ થી ૬ સશસ્ત્ર જવાનો તૈનાત રહે છે અને અંકુશરેખા પર દિવસરાત ચાંપતી નજર રાખે છે. આ ચોકીઓ ભારત માટે વ્યૂહાત્મક રીતે એટલી મહત્ત્વની છે કે ખુશ્કીદળના જવાનો તેમાં ૩૬૫ દિવસ રહે છે. પહાડી ચોકીઓ તેમનું બીજું ઘર બન્યું છે એમ કહેવું ખોટું નહિ. સંજોગો ભલે ગમે તે હોય, પણ ચોકીઓને ક્યારેય રેઢી મૂકવામાં આવતી નથી. અહીં યાદ અપાવવાનું કે ૧૯૯૯ના શિયાળામાં આપણા જવાનો દ્રાસ, કારગિલ અને બટાલિક ખાતેની ચોકીઓ છોડી મેદાની પ્રદેશોમાં ઊતરી આવ્યા ત્યારે પાક ઘૂસણખોરોએ ગુપચુપ તે સૌમાં કબજો જમાવી લીધો હતો. આ તમામ ચોકીઓ ત્યાર બાદ આપણા જવાનોએ કારગિલ યુદ્ધમાં લોહી રેડીને પરત મેળવી હતી.

અંકુશરેખાની લગોલગ હિમાલયનાં ઉત્તુંગ શિખરોમાં બનાવવામાં આવેલી આપણી ચોકીઓ સરેરાશ ૧૫,૦૦૦ ફીટની ઊંચાઇએ છે. આ ગગનચુંબી ઊંચાઇએ હવા અત્યંત ઠંડી તથા પાતળી હોય છે. વળી હવામાં પ્રાણવાયુનું પ્રમાણ ખાસ્સું ઓછું હોવાથી પ્રત્યેક શ્વાસે ફેંફસાંને મળતો ઓક્સિજનનો ઓછો પુરવઠો ચિત્તભ્રમ, ઉબકા, સરદર્દ જેવી તકલીફો પેદા કરે છે. શિયાળામાં તો તાપમાન શૂન્ય નીચે ૪૮૦ સુધી સરી જાય ત્યારે સૂસવાતો ઠંડોગાર પવન જાણે હાડકાં સોંસરવો નીકળી જતો હોય તેવો અનુભવ થાય છે. આ બધી સમસ્યાઓ સામે દૈનિક ધોરણે ઝઝૂમવા માટે લોખંડી મનોબળ જોઇએ. સદ્ભાગ્યે આપણા જવાનોમાં તેની કમી નથી. પરંતુ તેમના દુર્ભાગ્યે કમી હોય તો એ વાતે કે કડકડતી ઠંડીમાં ટકી રહેવા માટે વિશેષ વસ્ત્રો તેમજ સાધન-સામગ્રી વિના તેમણે ચલાવી લેવું પડે છે. દા.ત.--
  • પહાડી ચોકીઓના જવાનો પાસે પગની ઘૂંટીથી સહેજ ઊંચા/ High-ankle શૂઝ નથી, એટલે પેટ્રોલિંગ વખતે પોચા હિમમાં ચાલવાનું તેમને ફાવતું નથી. હિમડંખ સામે જરૂરી રક્ષણ પણ મળી શકતું નથી. ખુશ્કીદળે કુલ ૨,૧૭,૩૮૮ જોડી High-ankle જૂતાંનો ઓર્ડર સંરક્ષણ ખાતાને ક્યારનો આપી રાખ્યો છે, પણ ખરીદીનું મુહૂર્ત આવતું નથી.
  •  બીજો દાખલો : કડકડતી ઠંડીથી માથાને, કપાળને, કાનને, દાઢીને તેમજ ગળાને રક્ષણ આપતી ઊનની ટોપીઓ જરૂરી નહિ, બલકે અનિવાર્ય હોવા છતાં કારગિલ, દ્રાસ તથા બટાલિકનાં પર્વતો પર તૈનાત જવાનો એવી ટોપીથી વંચિત છે. કુલ ૪,૪૭,૦૦૦ ટોપીઓની ખુશ્કીદળને તાત્કાલિક આવશ્યકતા છે, જે પૂરી કરવામાં વિલંબ પર વિલંબ થઇ રહ્યો છે.
  •  રાત્રિના માઇનસ તાપમાનમાં ચોકીના સાવ પ્રાથમિક કક્ષાના બિછાનામાં જવાન ત્યારે જ જરા આરામદાયક નિંદર માણી શકે કે જ્યારે શરીરને થોડો ગરમાવો મળે. આ માટે પરંપરાગત બ્લેન્કેટ ન ચાલે. ઓછા વજનની, પાતળી અને છતાં ઓઢ્યા બાદ હૂંફ આપતી ખાસ બનાવટની રજાઇ જોઇએ, જે પણ પહાડી ચોકીઓના જવાનો પાસે પૂરતી માત્રામાં નથી. ખુશ્કીદળે આવી ૬૫,૯૭૮ રજાઇઓનો ઓર્ડર ઘણાં વર્ષ થયે સંરક્ષણ મંત્રાલયને આપી રાખ્યો છે. (આ ઉપરાંત ખુશ્કીદળને ૧,૨૬,૨૭૦ મચ્છરદાનીઓની તથા કેનવાસના ૧૩ લાખ જોડી જૂતાઓની તાકીદે જરૂર છે). આમ છતાં એ ટહેલનોય કોઇ જવાબ નથી. પરિણામે જાન્યુઆરી ૮, ૨૦૧૫ના રોજ સંયુક્ત દળોના વડા એર માર્શલ રેડ્ડીએ સંરક્ષણ મંત્રાલયને આકરા શબ્દોમાં ટટોળ્યું અને માર્ચની ૧૬મી તારીખ સુધીમાં ઉપરોક્ત ચીજવસ્તુઓની ખરીદીનું કાર્ય સંપન્ન કરવા માટે તાકીદ કરી. 
આ અલ્ટિમેટમનું પરિણામ આવે ત્યારે ખરું. દરમ્યાન હિમાલયનો અત્યંત કઠોર શિયાળો અત્યારે દ્રાસ, કારગિલ અને બટાલિક જેવા મોરચે ઊંચા પહાડોમાં ફરજ બજાવતા આપણા જવાનોના મનોબળની પરીક્ષા લઇ રહ્યો છે. માન્યું કે લડાયક વિમાનો, તોપો, મિસાઇલ્સ, સબમરિન વગેરે મોંઘાદાટ શસ્ત્રોના સોદા તેમાં અગાઉ થયેલા, થઇ રહેલા અગર તો થવાપાત્ર ભ્રષ્ટાચારને લઇને ખોરંભે પડે. પરંતુ દેશના જવાનોએ જેમના વિના શારીરિક યાતના ભોગવવાનો વારો આવે તેવી શૂઝ, ટોપી અને ધાબળા જેવી પ્રાથમિક ચીજોની ખરીદીમાં ઢીલ કરવા પાછળ કોઇ લોજિક ખરું ? માનો કે લોજિક છે, તો તેને અભેરાઇએ ચડાવી દેવું જોઇએ. આખરે માનવતા જેવું પણ કંઇ હોય કે નહિ ?

Comments

  1. atyare aero india 2015 air show chali rahyo 6.hu india na military
    power vise janva mangiye 6iye.to aero india 2015 ma su impressive
    hatu, and india na current aircraft ane future planning vise vistrut
    lekh lakhava vinanti...

    ReplyDelete
  2. mene safari ka 207 number ka lekh already padh liya he,jisme eurofighter typhoon and rafale wala padha tha to mujhe ye bhi jananna he ki wo 126 fighter ki kharidi ki deal ka kya hua.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya