પ્રથમ વિશ્વયુદ્ધમાં મરી ફીટેલા ભારતીય સૈનિકો : શૂરવીર ખરા, શહીદ નહિ
પ્રથમ વિશ્વયુદ્ધમાં યુરોપના અને મેસોપોટેમિયાના મોરચે ભારતના લાખો સૈનિકો બ્રિટન વતી લડ્યા, જે પૈકી કુલ ૭૪,૧૮૭ સૈનિકોએ તેમના જાન ગુમાવ્યા. આ શૂરવીરો તેમના અપ્રતીમ સાહસ બદલ અમર બન્યા, પણ ખરું જોતાં તેમણે માતૃભૂમિને બદલે ભારતના બ્રિટિશરાજ માટે બલિદાન આપ્યું હતું. આ મૂળભૂત વાસ્તવિકતા ધ્યાનમાં લો તો સહેજે સવાલ થાય કે તેમને શહીદ માનવાનું યોગ્ય ખરું ? પ્રશ્ન વિચાર માગી લે તેવો છે. જવાબ આપતા પહેલાં (જવાબ તરફ દોરી જતો) રોચક કિસ્સો જરા તાજો કરીએ. ૧૯૭૧નું ભારત-પાક યુદ્ધ ડિસેમ્બરમાં લડાયું તેના ઘણા મહિના અગાઉ પંજાબી, બલુચી અને પઠાણ મુસ્લિમોના પશ્ચિમ પાકિસ્તાન અને બંગાળી મુસ્લિમોના પૂર્વ પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ જામવા માંડ્યો હતો. ઓગસ્ટ, ૧૯૭૧માં પાકિસ્તાન એર ફોર્સનો મુતિઉર રહેમાન નામનો બંગાળી ફ્લાઇટ લેફ્ટનન્ટ કરાંચી એરબેઝ પર ફરજ બજાવતો હતો. કરાંચીથી વેળાસર છટકીને તે પૂર્વ પાકિસ્તાન (બાંગલા દેશ) જતો રહે એમાં જ તેની સલામતી હતી. એક દિવસ તેણે એરફોર્સનું ટુ-સીટર તાલીમી પ્લેન હાઇજેક કર્યું. સરહદ ઓળંગીને ભારતના આકાશી ક્ષેત્રમાં પ્રવેશી જવાય, એટલે પછી ચિંતા નહિ. વિમાનની કોકપિટમાં ફ્લાઇટ લ...