પ્રથમ વિશ્વયુદ્ધમાં મરી ફીટેલા ભારતીય સૈનિકો : શૂરવીર ખરા, શહીદ નહિ
પ્રથમ વિશ્વયુદ્ધમાં યુરોપના
અને મેસોપોટેમિયાના મોરચે ભારતના લાખો સૈનિકો બ્રિટન વતી લડ્યા, જે પૈકી કુલ ૭૪,૧૮૭ સૈનિકોએ તેમના જાન ગુમાવ્યા. આ શૂરવીરો
તેમના અપ્રતીમ સાહસ બદલ અમર બન્યા, પણ ખરું જોતાં તેમણે માતૃભૂમિને બદલે ભારતના બ્રિટિશરાજ
માટે બલિદાન આપ્યું હતું. આ મૂળભૂત વાસ્તવિકતા ધ્યાનમાં લો તો સહેજે સવાલ થાય કે તેમને
શહીદ માનવાનું યોગ્ય ખરું ? પ્રશ્ન વિચાર માગી લે તેવો છે. જવાબ આપતા પહેલાં (જવાબ
તરફ દોરી જતો) રોચક કિસ્સો જરા તાજો કરીએ. ૧૯૭૧નું ભારત-પાક યુદ્ધ ડિસેમ્બરમાં લડાયું
તેના ઘણા મહિના અગાઉ પંજાબી, બલુચી અને પઠાણ મુસ્લિમોના પશ્ચિમ પાકિસ્તાન અને બંગાળી
મુસ્લિમોના પૂર્વ પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ જામવા માંડ્યો હતો. ઓગસ્ટ, ૧૯૭૧માં પાકિસ્તાન
એર ફોર્સનો મુતિઉર રહેમાન નામનો બંગાળી ફ્લાઇટ લેફ્ટનન્ટ કરાંચી એરબેઝ પર ફરજ બજાવતો
હતો. કરાંચીથી વેળાસર છટકીને તે પૂર્વ પાકિસ્તાન (બાંગલા દેશ) જતો રહે એમાં જ તેની
સલામતી હતી. એક દિવસ તેણે એરફોર્સનું ટુ-સીટર તાલીમી પ્લેન હાઇજેક કર્યું. સરહદ ઓળંગીને
ભારતના આકાશી ક્ષેત્રમાં પ્રવેશી જવાય, એટલે પછી ચિંતા નહિ.
વિમાનની કોકપિટમાં ફ્લાઇટ લેફ્ટનન્ટ મુતિઉર રહેમાનની બાજુવાળી સીટ પર બેઠેલો તેનો
કો-પાયલટ રશીદ મિન્હાસ પંજાબી મુસ્લિમ હતો. કરાંચીથી ટેક-ઓફ બાદ મુતિઉર રહેમાને ફ્લાઇટ
પ્લાન મુજબનો નિયત દિશામાર્ગ પકડવાને બદલે વિમાનનો મોરો પૂર્વ દિશામાં ભારત-પાક સરહદે
વાળ્યો, એટલે રશીદ મિન્હાસ ચોંક્યો. જરા વાર મૌખિક ગરમાગરમી પછી વિમાનનાં કન્ટ્રોલ્સ
પોતાના હાથમાં લેવા માટે તે મથ્યો અને બે જણા વચ્ચે ખેંચતાણનો ગજગ્રાહ ચાલ્યો. વિમાન
તેને લીધે બેકાબૂ થવા લાગ્યું. ભારતીય સરહદ ૪૦ કિલોમીટર છેટે રહી ત્યારે પાકિસ્તાનના
થટ્ટા ગામ પાસે વિમાન તૂટી પડ્યું અને બેઉ જણા માર્યા ગયા. બાંગલા દેશે મુતિઉર રહેમાનને
શહીદ તરીકે બિરદાવી તેના માટે સર્વોચ્ચ મિલિટરી ઇલ્કાબ ‘બિર શ્રેષ્ઠો’ મરણોત્તર જાહેર
કર્યો. બીજી તરફ પાકિસ્તાને તેના શહીદ રશીદ મિન્હાસને ત્યાંના સર્વોચ્ચ મિલિટરી ખિતાબ
‘નિશાન-એ-હૈદર’ વડે મરણોત્તર સન્માનિત કર્યો. બન્ને જણા પોતપોતાના દેશની નજરે શહીદ
ગણાયા, માટે દેખીતી રીતે શહીદ એને કહેવાય કે જે માતૃભૂમિની રક્ષા કાજે લડતી વખતે પોતાનો
જાન આપી દે.
આ વ્યાખ્યા પ્રમાણે જોતાં પ્રથમ વિશ્વવિગ્રહમાં જે પોણો લાખ ભારતીય સૈનિકો ખપી
ગયા તેમણે ગમે તેટલી વીરતા દાખવી હોય તો પણ આપણા માટે તેઓ શહીદ ન હતા. ભારતની સલામતી
ખાતર નહિ, પણ ભારતમાં બ્રિટિશરાજને સલામત રાખવા માટે તેઓ લડ્યા હતા--અને તે પણ જર્મની,
ઓસ્ટ્રિયા-હંગેરી, તુર્કીના ઓટોમાન સામ્રાજ્ય તથા બલ્ગેરિયા સામે કે જેમની સાથે આપણે
ભારતીયોને જરાય શત્રુતા ન હતી. શત્રુતા તો ઠીક, પણ મોરચે ગયેલા ઘણા ભારતીય સૈનિકોએ
તે દેશોનાં નામ સુદ્ધાં કદી સાંભળ્યાં ન હતા.
ગૌરવસૂચક ‘શહીદ’ શબ્દને આજના ભારતમાં સગવડિયો, સ્થિતિસ્થાપક અને સસ્તો બનાવી દેવાયો
છે. ૧૯૮૦-૯૦ દરમ્યાન પંજાબના ખાલિસ્તાની આતંકખોરો સામે મુઠભેડમાં માર્યા જતા પુલિસ
અફસરો (યોગ્ય રીતે જ) શહીદ નહોતા ગણાતા, જ્યારે આજે માઓવાદી આતંકખોરોનો ભોગ બનતા CRPF ના પુલિસમેનને શહીદ તરીકે ઓળખાવાય
છે. રાજીવ ગાંધીને હંમેશાં શહીદ ગણાવાતા આવ્યા છે. રાજીવ ગાંધીએ દેશના કાજે જાનની બાજી
લગાવી નહોતી કે લડ્યા પણ નહોતા, બલકે તેમની હત્યા કરવામાં આવી હતી. આ સદ્ગત પ્રત્યે
આપણી સહાનુભૂતિ હોવી જોઇએ, માટે અહીં તેમનું અવમૂલ્યન કરવાનો સવાલ જ નથી. મુદ્દો ફક્ત
એ છે કે ચૂંટણીપ્રચાર દરમ્યાન રાજીવ ગાંધી ષડ્યંત્રથી ઘટેલી દુર્ઘટનાનો (બલિદાનનો નહિ,
પણ હત્યાનો) ભોગ બન્યા. આથી વતન કાજે રણમોરચે લડીને પ્રાણની આહૂતિ આપી દેનાર પરમવીર
સોમનાથ શર્મા, પરમવીર અબ્દુલ હમીદ, પરમવીર અરુણ ખેતરપાલ અને પરમવીર નિર્મલજીતસિંહ સેખોં
જેવા શૂરવીરોની હરોળમાં રાજીવ ગાંધીને ન મૂકી શકીએ, કારણ કે એમ કરવા જતાં એ સૌ અમર
શહીદોનું અવમૂલ્યન થાય છે.
Comments
Post a Comment