જંક ફૂડ : ખોરાક ભેગું ખવાતું કેમિકલ્સનું સ્લો પોઇઝન
અમેરિકી પ્રમુખના નેજા હેઠળ જેનું ગઠન કરવામાં આવ્યું છે તે US President's Cancer Panel નામની સરકારી સંસ્થાએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકાની વર્તમાન વસ્તીના ૪૧% લોકો ભવિષ્યમાં કેન્સરનો ભોગ બને તેવી સંભાવના છે. જુદી રીતે કહો તો અમેરિકાના દર બે પૈકી એક પુરુષ અને દર ત્રણ પૈકી એક મહિલા આગામી વર્ષોમાં કેન્સરનો શિકાર બને તેમ છે. આ સંભવિત સ્થિતિ બદલ Cancer Panel સંસ્થાએ રસાયણોના બેફામ ઉપયોગને દોષિત ઠરાવ્યો છે. પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોમાં વિવિધ જાતનાં કેમિકલ્સનો અમેરિકામાં છૂટે હાથે વપરાશ થાય છે. આમાં કેટલાંક કેમિકલ્સ એવાં છે કે જે શરીરમાં mutation / ગુણવિકાર વડે જિનેટિક બ્લૂપ્રિન્ટમાં ફેરફાર આણી છેવટે કેન્સરને તેડું આપે છે. અમેરિકાની બહુધા પ્રજા ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ પર નભે છે, એટલે કેન્સર પેનલે વ્યક્ત કરેલા સંશય મુજબ એ દેશને ભવિષ્યમાં કેન્સરનો ભરડો દેવાય તો નવાઇ નહિ. કેન્સરનો શેષનાગ તો ભારતના માથે પણ ફેણ ચડાવી રહ્યો હોય એમ લાગે છે. એક ઉદાહરણઃ પંજાબમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હમણાં તેના ૫૨૫ પાનાંના રિપોર્ટમાં જણાવ્યું કે ફાસ્ટફૂડમાં અને રેડીમેડ પ્રોસેસ્ડ ફૂડમાં ...