જંક ફૂડ : ખોરાક ભેગું ખવાતું કેમ‌િકલ્સનું સ્લો પોઇઝન

અમેરિકી પ્રમુખના નેજા હેઠળ જેનું ગઠન કરવામાં આવ્યું છે તે US President's Cancer Panel નામની સરકારી સંસ્થાએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકાની વર્તમાન વસ્તીના ૪૧% લોકો ભવિષ્યમાં કેન્સરનો ભોગ બને તેવી સંભાવના છે. જુદી રીતે કહો તો અમેરિકાના દર બે પૈકી એક પુરુષ અને દર ત્રણ પૈકી એક મહિલા આગામી વર્ષોમાં કેન્સરનો શિકાર બને તેમ છે. આ સંભવિત સ્થિતિ બદલ Cancer Panel સંસ્થાએ રસાયણોના બેફામ ઉપયોગને દોષિત ઠરાવ્યો છે. પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોમાં વિવિધ જાતનાં કેમિકલ્સનો અમેરિકામાં છૂટે હાથે વપરાશ થાય છે. આમાં કેટલાંક કેમિકલ્સ એવાં છે કે જે શરીરમાં mutation/ ગુણવિકાર વડે જિનેટિક બ્લૂપ્રિન્ટમાં ફેરફાર આણી છેવટે કેન્સરને તેડું આપે છે. અમેરિકાની બહુધા પ્રજા ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ પર નભે છે, એટલે કેન્સર પેનલે વ્યક્ત કરેલા સંશય મુજબ એ દેશને ભવિષ્યમાં કેન્સરનો ભરડો દેવાય તો નવાઇ નહિ.

કેન્સરનો શેષનાગ તો ભારતના માથે પણ ફેણ ચડાવી રહ્યો હોય એમ લાગે છે. એક ઉદાહરણઃ પંજાબમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હમણાં તેના ૫૨૫ પાનાંના રિપોર્ટમાં જણાવ્યું કે ફાસ્ટફૂડમાં અને રેડીમેડ પ્રોસેસ્ડ ફૂડમાં વિવિધ કેમિકલ્સનો વ્યાપક ઉપયોગ તે રાજ્યમાં કેન્સર પેશન્ટોની સંખ્યા વધારવામાં નિમિત્ત બન્યો છે. પંજાબ જેવી સ્થિતિ ભારતનાં અન્ય રાજ્યોમાં પણ હોઇ શકે, કેમ કે ફાસ્ટફૂડનું અને પ્રોસેસ્ડ ફૂડનું ‘કલ્ચર’ ઘણાખરા ભારતીયોએ અપનાવી લીધું છે. આ ‘કલ્ચર’ના વાદે રોજબરોજ કેટલી જાતનાં હાનિકારક રસાયણો તેઓ પેટમાં ઓરી રહ્યા છે એનાથી જો કે તેઓ અજાણ છે. દા.ત. કેટલા લોકોને એ વાતનો ખ્યાલ હશે કે ટુ-મિનિટ્સવાળી મેગી નૂડલ્સમાં જેની વધુ પડતી માત્રા છે તે lead/ સીસું માનવમગજ માટે વિષ સમાન છે ? લોહીમાં સીસું ભળ્યા બાદ મગજના કોષોમાં તેનો સંગ્રહ થાય છે અને પછી નિકાલ પામતો નથી, એટલે વખત જતાં જ્ઞાનતંત્ર આંશિક યા સંપૂર્ણ રીતે બધિર બને છે. 

મેગી નૂડલ્સના મસાલામાં વપરાતા મોનોસોડિયમ ગ્લૂટામેટ/ MSGની (એટલે કે આજીનોમોટોની) વાત કરો તો તેને પણ શરીર માટેનું સ્લો પોઇઝન કહી શકાય. આજીનોમોટોનું ગ્લૂટામેટ વાસ્તવમાં ગ્લૂટામિક એસિડ ધરાવતું નમક છે, જેનું વધુ પડતું સેવન શરીરની બાયોકેમિકલ પ્રક્રિયાને ખોરવી નાખે છે. પરિણામે સરદર્દ થવું, ફેર ચડવા, પિત્ત થવું, વારંવાર ઝોકાં આવવાં, પસીનો વળવો, આંતરડામાં તકલીફ જણાવી વગેરે જેવી શારીરિક સમસ્યા વધુ-ઓછે અંશે વેઠવી પડે છે. કેટલાક પ્રોસેસ્ડ ફૂડમાં Benzoates નામનું કેમિકલ વપરાય છે, જે પણ માનવમગજ માટે હાનિકર્તા છે. અમુક લોકોને તો બેન્ઝોએટ્સનું એલર્જિક રિએક્શન પણ આવે છે. Mono-Glycerides તેમજ Di-Glycerides નામનાં રસાયણો mutation/ ગુણવિકાર સર્જે તેવાં છે. આ પદાર્થોનું વધુ પડતું સેવન કરનાર સ્ત્રીને શારીરિક ખોડખાંપણવાળું બાળક જન્મી શકે છે. Nitrates તથા Nitrites જેવાં ફૂડ પ્રિઝર્વેટિવ્સ અર્થાત પરિરક્ષકો તો ભારોભાર કેન્સરજન્ય હોવાનું જણાયું છે. પ્રોસેસ્ડ ફૂડનું વધુ એક હાનિકર્તા તત્ત્વ હોય તો એ NaCl, જેને સાદી ભાષામાં આપણે નમક યાને મીઠું કહીએ છીએ. ભારતની સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ સંસ્થાએ જણાવ્યું તેમ મેગી જેવા નૂડલ્સમાં તેમજ તૈયાર પોટેટો ચિપ્સમાં મીઠાનું પ્રમાણ બાળકની દૈનિક જરૂરિયાત કરતાં ૬૦% વધુ હોય છે. આવો ખોરાક વખત જતાં બ્લડપ્રેશરને અને ક્યારેક હાર્ટ અટેકને કે સ્ટ્રોકને નોતરી લાવે છે. યાદ રહે કે મીઠાના વધુ પડતા ઉપયોગને કારણે દર વર્ષે જગતમાં ૧૬.૫ લાખ લોકો મોતને ભેટે છે. મીઠાની માફક ખાંડનો પણ વધુ પડતો ઉપયોગ અનેક વ્યાધિઓનું કારણ છે, જે પૈકી સૌથી વ્યાપક વ્યાધિ હોય તો તે સ્થૂળતા છે. માનો યા ન માનો, પણ મલ્ટિપ્લેક્સ થિએટરમાં વેચાતા કોલ્ડ-ડ્રિંકના સરેરાશ ગ્લાસમાં ૨૩ ચમચી ખાંડ હોય છે--અને મોટા કદના ગ્લાસમાં તો ૪૪ ચમચી ! નથી લાગતું કે માત્ર મેગી નૂડલ્સનું નહિ, પ્રોસેસ્ડ ફૂડની બીજી ખાદ્યસામગ્રીઓનું તેમજ કાર્બોનેટેડ ઠંડાં પીણાંનુંય લેબોરેટરી પરીક્ષણ થવું જોઇએ ?

પરંતુ આવાં પરીક્ષણો થાય ત્યારે ખરાં; દરમ્યાન એક મુદ્દો ખુદ આપણે વિચારવા જેવો છેઃ ભારતનું પ્રાચીન તેમજ પરિપૂર્ણ તબીબી વિજ્ઞાન આયુર્વેદ હંમેશાં તાજો રાંધેલો (ચૂલા પરથી ભાણામાં પીરસેલો) ખોરાક ખાવાની સલાહ આપતું આવ્યું છે. વાસી ખોરાકમાં નથી પોષણમૂલ્ય રહેતું કે નથી મૂળભૂત સ્વાદ રહેતો, માટે તે ખોરાકને આયુર્વેદ અપથ્ય ગણે છે. દુર્ભાગ્યે આપણે આયુર્વેદની સલાહ અવગણીને એવા ખોરાક તરફ વળ્યા છીએ કે જેના નામમાં તેનો ગુણધર્મ પણ વ્યક્ત થાય છે : junk !

Comments

  1. જયદેવ ગજેરાJuly 3, 2015 at 2:32 PM

    સેટેલાઇટ ટેલીવિઝનના આગમન પછીથી દરેક બાળકો ટીવી માર્કેટિંગ કોમર્શિયલનો ધોધમાર જોઈને મોટા થાય છે. દરેક ટીવી ચેનલ પર મેગી, બોર્નવીટા, રેડી ટુ ઇટ સ્નેક્સ, બિસ્કીટ, ચોકોલેટ, કાર્બોનેટેડ ડ્રીન્કસ વગેરેની જાહેરાતોનો રીતસરનો મારો ચાલે છે.
    આપણી દરેક ખરીદી જાણ્યે-અજાણ્યે માર્કેટિયર્સ પ્રભાવ હેઠળ હોય છે. આ માર્કેટિયર્સ બહુ ચાલાક છે, લોકોની જીવનશૈલી કેવી રીતે બદલવી તે માટેની માનસ-શાસ્ત્રીય કરામતો-Behavioural Science જાણે છે. બહુ સૂક્ષ્મ રીતે ફિલ્મ, ટેલીવીઝન સીરીઅલ્સ, કોમર્શિયલ્સ વગેરેની કથા વિચારોને પ્રભાવિત કરી લોકોની જીવનશૈલી પર અસર પાડે છે. વર્તનનો આ ફેરફાર આકસ્મિક નથી હોતો, પરંતુ માર્કેટિયર્સની મરજી મુજબનો હોય છે!
    ઘરે રાંધીને ખાવાને બદલે પ્રોસેસ્ડ ફૂડનો વધેલો વપરાશ તેમની વરસોની કોમર્શિયલ્સની મહેનતનો પ્રતાપ છે!

    ReplyDelete
  2. પશ્ચિમની (આંધળી) નકલની જે ઘેલછા આપણને લાગી છે, તેમાં ત્યાંની કંપનીઓની માર્કેટીંગની કળાનો ફાળો પણ નાનોસૂનો નહીં - જાહેરાતોનો આખો ધંધો જ આ જાહેરાતો થકી ચાલે છે - અને તેમાં પાછી આજની દોડધામની જીવનશૈલી ભળે એટલે હાલ તો આ જ થવાના. તાજાં શાકભાજી લાવતાં પણ હોઈએ તો તેને સાચવવાનાં ફ્રીઝમાં. વળી તેના પર પણ રાસાયણિક જંતુનાશકો અને રસાયણો તો હોય જ.
    અને તેમ છતાં આ જ રસાયણો (દવાઓ) ખાઈને ખાઈને સરેરાશ આયુષ્ય વધી ગયું છે તે પણ એક વિચિત્રતા જ છે ને !

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન