'સફારી' : જ્ઞાનવિજ્ઞાનના નિઃસ્વાર્થ પ્રચાર-પ્રસારનાં ૩પ વર્ષ
નવી પેઢીનું વ્યક્તિત્વ ઘડતર કરવાના હેતુસર ઓગસ્ટ, ૧૯૮૦માં ‘બુદ્ધિશાળી બાળકો માટેનું મેગેઝિન’ તરીકે શરૂ કરાયેલા ‘સફારી’ને ચાલુ મહિને ૩૫ વર્ષ પૂરાં થાય છે. કોઇ પણ સામયિક માટે પાંત્રીસ વર્ષનો પ્રકાશનગાળો નાનોસૂનો ન ગણાય--અને જ્ઞાનવિજ્ઞાનના સામયિક માટે તો લગીરે નહિ. આનું કારણ છે. ફિલ્મ, ફેશન, મનોરંજન, સોશિયો-પોલિટિકલ, વ્યાપાર વગેરે જેવા વિષયોમાં રસ ધરાવતા વિશાળ વાચકસમુદાયની તુલનાએ જ્ઞાનવિજ્ઞાનમાં રુચિ ધરાવતા વાચકોની સંખ્યા મર્યાદિત છે. પરિણામે એ વિષયને લગતી જ માહિતી પીરસતા મેગેઝિને સીમિત વાચકગણ વડે સંતોષ માનવો પડે છે. આ સંદર્ભે ‘સફારી’નો કેસ જુઓ ઃ પાંત્રીસ વર્ષ પહેલાં ‘સફારી’નું અવતરણ એવા માહોલમાં થયું કે જ્યાં જ્ઞાનવિજ્ઞાન શબ્દ નવી પેઢી માટે અજાણ્યો હતો. જનરલ નોલેજનું મહત્ત્વ આજે છે એટલું ત્યારે ન હતું. બલકે, રાજા-રાણીની વાર્તાઓ વાંચીને નવી પેઢી મોટી થતી હતી. પરિણામે ‘સફારી’એ પોતાનો વાચકગણ જાતે ઊભો કરવાનો વખત આવ્યો. આ પડકારરૂપ કાર્યમાં ઘણાં વર્ષો નીકળી ગયાં. દરમ્યાન પૂરતા વાચકોના અભાવે ‘સફારી’નું પ્રકાશન આર્થિક ભારણ બન્યું અને એકાદ-બે નહિ, કુલ પાંચ વખત પ્રકાશન બંધ કરવાનો વારો આવ્યો. બળીન...