મિ. તેન્ડુલકર, સંસદનું સભ્યપદ અે કોઇ ક્લબની મેમ્બરશીપ નથી !
ક્રિકેટજગતમાં God નું બિરુદ પામેલા સચીન તેન્ડુલકરે રમતના મેદાનમાંથી ક્યારની નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આમ છતાં રિટાયરમેન્ટ પછીયે તેની વ્યસ્તતા કાયમ છે. ખેલકૂદનાં કાર્યક્રમોમાં અતિથિ વિશેષ તરીકે, વિવિધ દુકાનોના તેમજ શોપિંગ મોલના ઉદ્ઘાટક તરીકે અને એનર્જી ડ્રિંકથી માંડીને ઇન્વરર્ટર સુધીની અનેક બજારુ ચીજવસ્તુઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચમકવામાં એ લિટલ માસ્ટર રચ્યોપચ્યો રહે છે. ‘પદ્મશ્રી’, ‘પદ્મ વિભૂષણ’, ભારતીય વાયુસેનાના ‘ગ્રૂપ કેપ્ટન’ અને ખાસ તો ‘ભારત રત્ન’ હોવાના નાતે આમાંનું એકેય કાર્ય સચીનને છાજે તેવું નથી. છતાં એમ કરવામાં તેને કોઇ ક્ષોભ ન જણાતો હોય તો એ તેનો વ્યક્તિગત મામલો છે. દેશની જનતાને તેમાં હસ્તક્ષેપનો અધિકાર નથી. પરંતુ અનેક માનભર્યા ખિતાબો તેમજ હોદ્દા પામેલો સચીન તેન્ડુલકર પોતે રાજ્યસભાનો સભ્ય હોવાનું ભૂલે, રાજ્યસભામાં સતત ગેરહાજર રહે અને અત્યંત પાંખી હાજરીમાંય સંસદીય કાર્યવાહી દરમ્યાન એક હરફ સુદ્ધાં ન ઉચ્ચારે ત્યારે મામલો વ્યક્તિગત રહેતો નથી. બલકે, રાજકીય બને છે, માટે પ્રજાલક્ષી બને છે--અને માટે પ્રજાનો તેમાં હસ્તક્ષેપ કરવાનો બંધારણીય અધિકાર બને છે. આનું કારણ સમજવા જેવું છે...