સિઅાચેનનો લશ્કરી મોરચો : જાનના ભોગે પણ સાચવવો જરૂરી કેમ?
ફેબ્રુઆરી ૩ના રોજ સિઆચેન ખાતે હિમપ્રપાતમાં ભારતના દસ જવાનો શહીદ થયા ત્યારે સમાચાર માધ્યમોમાં કેટલાક રાજકીય પંડિતોએ પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું કે સિઆચેનમાંથી ભારતે તેની લશ્કરી ટુકડીઓ હવે કાયમી ધોરણે ખસેડી લેવી જોઇએ. હિમપહાડોમાં કુદરતી આફતો વચ્ચે અત્યાર સુધીમાં ભારતના સેંકડો જવાનોનો ભોગ લેવાઇ ચૂક્યો છે. હજી આપણે બીજા કેટલા જવાનોની આહુતિ આપીશું ? વળી ૧૯૮૫થી સિઆચેનનું રખોપું કરવામાં ભારતીય લશ્કરે ઘણાં બલિદાનો આપ્યાં છતાં બદલામાં આપણે સિઆચેનમાં પાકિસ્તાન હસ્તકનો કેટલો પ્રદેશ મેળવી લેવામાં સફળ થયા ? એકાદ ઇંચ પણ નહિ ! તો પછી જ્યાં કદી કોઇ પણ પ્રકારનાં લશ્કરી છમકલાં અનુભવાતાં નથી તે સિઆચેનના પહાડોમાં આખરે આપણા જવાનોને જાનના જોખમ વચ્ચે તૈનાત શા માટે રાખવા જોઇએ ? રાજકીય પંડિતોની દલીલો તર્કબદ્ધ છે. વિચાર માગી લે તેવી છે. આમ છતાં એક નક્કર વાસ્તવિકતાને તે બદલી શકે તેમ નથી--અને વાસ્તવિકતા એ કે સત્તાની જેમ શાંતિ પણ હંમેશાં બંદૂકની નાળમાંથી પ્રગટ થાય છે. વળી સિઆચેનને લાગેવળગે છે ત્યાં સુધી મહત્ત્વ એ વાતનું નથી કે ભારતે દુશ્મનનો કેટલો ભૌગોલિક પ્રદેશ મેળવ્યો, બલકે અગ્રિમ મુદ્દો એ છે કે ભારતે ક...