જીપગાડીથી અગોસ્તા હેલિકોપ્ટર : શસ્ત્રોના સોદા ભોપાળાં કેમ નીવડે છે ?
અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના તેમજ રફાલ વિમાનોના સોદાને લઇને ગયા મહિને દેશભરના સમાચાર માધ્યમોમાં ખાસ્સી ‘તાજગી’ રહી. એકમાં કેંદ્રસ્થાને રૂા.૩૬૦ કરોડના ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, તો બીજામાં સંરક્ષણના ક્ષેત્રે સરકારનું ‘હોતા હૈ, ચલતા હૈ’ વલણ ઉજાગર થતું હતું. આ બેઉ સંજોગોને હવે તો સામાન્ય વાત ગણવી જોઇએ, કારણ કે આઝાદી પછી ભારતે અબજોના અબજો ડોલરનાં વિમાનો, રણગાડીઓ, યુદ્ધજહાજો, મિસાઇલ્સ, સબમરીનો અને તોપગોળા ખરીદ કર્યાં, પરંતુ સમ ખાવા પૂરતો એકેય સોદો નિષ્ઠાની અગર તો નીતિમત્તાની રાહે થયો નથી. વર્ષો પહેલાં બોફર્સ તોપોના તેમજ તાજેતરમાં અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરોના કેસમાં બન્યું તેમ ફક્ત ખાયકી પાસે વાત અટકે તો એવું સમજીને દિલાસો મેળવી શકાય કે પ્રજાને હંમેશાં સત્તાલોભી તેમજ પૈસાલોભી રાજકર્તાઓ મળે છે, પરંતુ દેશની સલામતીના ભોગે ખોટું કે ખોડભર્યું શસ્ત્ર ખરીદવામાં આવે ત્યારે રાજકીય કે વહીવટી દુરાચાર અને દેશદ્રોહ વચ્ચે આછીપાતળી ભેદરેખા પણ રહેતી નથી. આ ભેદરેખા મિટાવતો પહેલી વારનો બનાવ ૧૯૪૮માં બન્યો કે જ્યારે આઝાદ ભારતે તેનો સૌ પ્રથમ સંરક્ષણ સોદો કર્યો. બ્રિટન પાસેથી એ વર્ષે રૂા.૮૦ લાખના બદલામ...