જીપગાડીથી અગોસ્તા હેલિકોપ્ટર : શસ્ત્રોના સોદા ભોપાળાં કેમ નીવડે છે ?
અગોસ્તા વેસ્ટલેન્ડ
હેલિકોપ્ટરના તેમજ રફાલ વિમાનોના સોદાને લઇને ગયા મહિને દેશભરના સમાચાર માધ્યમોમાં
ખાસ્સી ‘તાજગી’ રહી. એકમાં કેંદ્રસ્થાને રૂા.૩૬૦ કરોડના ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, તો
બીજામાં સંરક્ષણના ક્ષેત્રે સરકારનું ‘હોતા હૈ, ચલતા હૈ’ વલણ ઉજાગર થતું હતું. આ બેઉ
સંજોગોને હવે તો સામાન્ય વાત ગણવી જોઇએ, કારણ કે આઝાદી પછી ભારતે અબજોના અબજો ડોલરનાં
વિમાનો, રણગાડીઓ, યુદ્ધજહાજો, મિસાઇલ્સ, સબમરીનો અને તોપગોળા ખરીદ કર્યાં, પરંતુ સમ
ખાવા પૂરતો એકેય સોદો નિષ્ઠાની અગર તો નીતિમત્તાની રાહે થયો નથી. વર્ષો પહેલાં બોફર્સ
તોપોના તેમજ તાજેતરમાં અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરોના કેસમાં બન્યું તેમ ફક્ત ખાયકી
પાસે વાત અટકે તો એવું સમજીને દિલાસો મેળવી શકાય કે પ્રજાને હંમેશાં સત્તાલોભી તેમજ
પૈસાલોભી રાજકર્તાઓ મળે છે, પરંતુ દેશની સલામતીના ભોગે ખોટું કે ખોડભર્યું શસ્ત્ર ખરીદવામાં
આવે ત્યારે રાજકીય કે વહીવટી દુરાચાર અને દેશદ્રોહ વચ્ચે આછીપાતળી ભેદરેખા પણ રહેતી
નથી.
આ ભેદરેખા
મિટાવતો પહેલી વારનો બનાવ ૧૯૪૮માં બન્યો કે જ્યારે આઝાદ ભારતે તેનો સૌ પ્રથમ સંરક્ષણ
સોદો કર્યો. બ્રિટન પાસેથી એ વર્ષે રૂા.૮૦ લાખના બદલામાં કુલ ૨૦૦ લશ્કરી જીપગાડીઓ ખરીદ
કરવામાં આવી. સોદો મૂળ તો બ્રિટને વિશ્વયુદ્ધમાં ન વાપરેલી જીપગાડીઓ માટે કરાયો હતો
અને ભારતે બ્રાન્ડ ન્યૂ વાહનના ભાવે બ્રિટને માગેલાં નાણાં પણ ચૂકવી દીધાં. અલબત્ત,
થોડા વખત બાદ બ્રિટનથી જીપગાડી લાદેલું જહાજ ભારત પહોંચ્યું ત્યારે તેમાંથી ૨૦૦ નહિ,
પણ ફક્ત ૧૫૫ જીપગાડીઓ નીકળી. પિસ્તાલીસ નંગના શોર્ટ-ફોલ અંગે બ્રિટને ખુલાસો આપ્યો
નહિ. ભારતે માગ્યો પણ નહિ. ગોદીમાં લાંગરેલા જહાજ પરથી નીચે તરફ લંબાતી લસરપટ્ટી પર
હંકારીને જીપગાડીઓને વારાફરતી નીચે ઉતારવાની હતી અને ત્યાર પછી ગોદીમાંથી બહાર રસ્તા
પર હંકારી જવાની હતી. ઓફલોડિંગની આવી કાર્યવાહી કરતી વખતે કેટલીક જીપગાડીનું એન્જિન
ચાલુ ન થયું ત્યારે બોનેટ ખોલીને જોતાં ખબર પડી કે તેમાં એન્જિન જ ન હતું. નોંધવા જેવી
વાત છે કે સોદો ૨૦૦ બ્રાન્ડ-ન્યૂ જીપગાડીઓ માટે થયેલો. ભારતને બદલમાં ૧૫૫ જીપગાડીઓ
મળી--અને તે પણ સેકન્ડ હેન્ડ નીકળી ! બ્રિટને છડેચોક ભારતને છેતર્યું, છતાં એ છેતરપીંડી
સામે ભારતે વિરોધ સુધ્ધાં ન કર્યો.
સોદામાં અનેક મુદતો અને મુદતોને લીધે વર્ષો વીતી ગયા પછી અાજે દરેક રફાલ વિમાન અાપણને રૂા.૭૦૦ થી રૂા.૭પ૦ કરોડમાં પડવાનું છે |
આ દાખલો સુરક્ષાના
મામલે આપણે ત્યાંના ‘હોતા હૈ, ચલતા હૈ’ વલણનો છે. વલણમાં હજી ખાસ બદલાવ આવ્યો નથી,
માટે આઝાદીના સાત દાયકા થયે પણ આપણે શસ્ત્રોની બાબતમાં સ્વાવલંબી બની શક્યા નથી. દુનિયાના
ઘણાખરા દેશોમાં ત્યાંની સરકારો નહિ, બલકે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ જ શસ્ત્રો બનાવે
છે. અમેરિકાની બોઇંગ (Apache ગનશિપ હેલિકોપ્ટર), હેથિઓન (Patriot મિસાઇલ) તથા લોકહીડ-માર્ટિન (F-16 વિમાન), ફ્રાન્સની દસોલ કંપની (Rafale પ્લેન) તથા DCNS કંપની (Scorpene સબમરીન), સ્વીડનની બોફર્સ (FH-77B હોવિટ્ઝર
તોપ) વગેરે જાણીતી પ્રાઇવેટ કંપનીઓ છે. આપણે ત્યાં સરકારે શસ્ત્રો બનાવવાનો ધંધો આદર્યો,
જે તેમનું કામ નથી. ડિફેન્સ ટેક્નોલોજિ અંગે પ્રધાનોનું જ્ઞાન તો શૂન્ય કરતાં પણ ઓછું
(માઇનસ) હોય, છતાં શસ્ત્રોદ્યોગના ક્ષેત્રે પબ્લિક સેક્ટરનાં લગભગ ૩૦ કારખાનાં ખોલી
નાખવામાં આવ્યાં. કારખાનાંએ જે શસ્ત્રો બનાવ્યાં તે સ્વદેશી કહેવાય છે, પણ તેમનાં ઘણાખરા
મુખ્ય પૂરજા આયાતી છે. ઉદાહરણ તરીકે LCA/ તેજસનું
જેટ એન્જિન GE F 404 અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીનું છે,
એર-ટુ-એર R 73 E મિસાઇલ રશિયન છે, બહુશ્રુત રેડાર ઇઝરાયેલી
કંપની એલ્ટાનું છે, જ્યારે ઇજેક્શન સીટ બ્રિટિશ કંપની માર્ટિન બેકરની છે. તેજસના બીજા
પણ કેટલાક પાર્ટ્સ આયાતી છે, જ્યારે અર્જુન રણગાડીના તો ૫૫% પૂરજા ઇમ્પોર્ટેડ હોવાનું
જોતાં તેને સ્વદેશી ટેન્ક કહેવી કે પરદેશી ગણવી તે સવાલ છે. એન્ટિ-ટેન્ક નાગ મિસાઇલનું
રૂા. ૩૮૦ કરોડનું મૂળ બજેટ આજે રૂા. ૧,૭૦૦ કરોડ થયું છે. મિસાઇલમાં ૩૫% પૂરજા વળી પરદેશી
છે. આમ છતાં ભારતીય ખુશ્કીદળ માટે અતિ મહત્ત્વનું તે શસ્ત્ર આજે ૩૪ વર્ષે પણ હજી બન્યું
નથી.
વિચારો જરા કે સંરક્ષણના મામલે
આપણે ક્યાં ઊભા છીએ ! એક તરફ સ્વદેશી શસ્ત્રો હજી સંશોધનની એરણેથી ઊતર્યાં નથી, બીજી
તરફ આયાતી શસ્ત્રો ભ્રષ્ટાચારની ડમરીમાં અટવાયા છે, તો ત્રીજી તરફ સરકારનું ‘હોતા હૈ,
ચલતા હૈ’ વલણ રફાલ જેવાં વિમાનોની ખરીદીમાં અનેક મુદતો પાડી ચૂક્યું છે. સંરક્ષણ જેવા
પ્રાણપ્રશ્નની બાબતે આટલી બેકાળજી કેવી રીતે ચાલે ?
Khub saras
ReplyDeleteAmane aavi sachot mahiti aapva badal aabhar.
Another eye opening article... I am a regular reader of safari, it helps to develop nationalist ideology in my mind. After getting into a college out of Gujarat, unfortunately , I am not able to continue my reading of safari but these blogs fill that lack.
ReplyDeletei regular reader of safari.
ReplyDeleteplease Sir,keep updating this blog.
every week if possible.
can't wait month for safari.nedd something to read like safari everyday.....
નમસ્તે સર
ReplyDeleteહવે રફાલનો સોદો થઇ ગયો ખરો
સફારી અને સરકારની વિચારવાની પેટર્ન એકસરખી છે.
નમસ્તે સર
ReplyDeleteહવે રફાલનો સોદો થઇ ગયો ખરો
સફારી અને સરકારની વિચારવાની પેટર્ન એકસરખી છે.