...અને હવે આકાશમાંથી જ્ઞાનની સરવાણી (વાયા એજ્યુસેટ)
શાળાના વર્ગખંડોમાં ભણાવવામાં આવતા વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો સરેરાશ વિદ્યાર્થી માટે હંમેશાં સરદર્દ સાબિત થતા હોય છે. વાસ્તવમાં કોઇ વિષય પોતે કદી નિરસ હોતો નથી, પરંતુ તેની નબળી રજૂઆત વિષય પ્રત્યે અણગમો પેદા કરતી હોય છે. ક્યારેક પાઠ્યપુસ્તકોમાં લખેલાં ભંદ્રભદ્રી વાક્યો તો ક્યારેક વિષયની રજૂઆત મૌલિક રીતે ન કરી શકનાર શિક્ષકો વિદ્યાર્થીને જે તે વિષય પ્રત્યે અણગમો પેદા કરવામાં કારણભૂત બનતા હોય છે. આ હકીકત છે, જેનું ભાન કદાચ ગુજરાત સરકારને બહુ મોડેથી થયું છે. ખેર, મોડું તો મોડું, પરંતુ એક આવકાર્ય પગલું તેણે હમણાં ભર્યું છે. રાજ્યની લગભગ ૨૨,૦૦૦ શાળાઓના વર્ગોને હવે રાજ્ય સરકારે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ફેરવવાનું નક્કી કર્યું છે. પાંચેક વર્ષ પહેલાં અંતરિક્ષના સરનામે મોકલાયેલા ઇસરોનો એજ્યુસેટ નામનો ઉપગ્રહની તે માટે મદદ લેવાનો પ્લાન છે. પ્લાનની રૂપરેખા ટૂંકમાં આટલી-- (૧) સરકાર હસ્તકની કુલ ૨૨,૦૦૦ સ્કૂલોના પાંચમા અને સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી એ ત્રણ વિષયો ઇન્ટરએક્ટિવ ઢબે ભણાવવા. (૨) આ માટે બધી સ્કૂલોમાં ૪૨ ઈંચના એલ.સી.ડી. ટેલિવિઝન સેટ ૨૦૦૯ના અંત સુધ...