આ વર્ષે ફરી અવળી કાઠીએ બેસતું ભારતીય ચોમાસું
વરસાદની આગાહીને લઇને ભારતના હવામાનશાસ્ત્રીઓ હંમેશાં આમજનતા માટે હાંસીપાત્ર ઠરતા આવ્યા છે. આર. કે. લક્ષ્મણ જેવા કેટલાય કાર્ટૂનિસ્ટો તેમનાં વ્યંગચિત્રોમાં મૌસમ ભવને કાઢેલા વર્ષાના વર્તારાની ઠેકડી ઉડાવતા રહ્યા છે. ભારતના ચોમાસાની પેટર્નનો છએક વર્ષથી રસપૂર્વક તેમજ જરા ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી હવે લાગે છે કે હવામાન ખાતાના ભારતીય નિષ્ણાતો બિચારા વગર વાંકે લાફિંગ સ્ટોક બને છે. ભારતીય ચોમાસાની પેટર્ન એટલી સંકીર્ણ છે કે વરસાદ ક્યારે પડશે અને વળી કેટલો પડશે તેનું પૂર્વાનુમાન કરવું ભારે કઠિન છે. ચોમાસું વાદળોનો દિશામાર્ગ એટલી હદે બદલાતો રહે છે કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ભારતમાં ચોક્કસ કયા સ્થળે અને કયા સમયે મઘેરાજાની મહેર થાય એ કહી શકાતું નથી. આ વખતનું ભારતીય ચોમાસું સરેરાશ કરતાં ક્યાંય નબળું છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે તેનું સરેરાશ લેવલ જાળવ્યું નથી. બીજી તરફ અમુક વિસ્તારોમાં (દા.ત. ગુજરાત ખાતે પોરબંદરમાં અને માંગરોળમાં) બારેય મેઘ ખાંગા થયા છે. સિઝનની કુલ વર્ષા કરતાં ક્યાંય વધુ હેલી ત્યાં વરસી છે. દેશભરમાં એક લાંબા વિરામ બાદ તાજેતરમાં કેટલાંક રાજ્યોમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શ...