આ વર્ષે ફરી અવળી કાઠીએ બેસતું ભારતીય ચોમાસું

વરસાદની આગાહીને લઇને ભારતના હવામાનશાસ્ત્રીઓ હંમેશાં આમજનતા માટે હાંસીપાત્ર ઠરતા આવ્યા છે. આર. કે. લક્ષ્મણ જેવા કેટલાય કાર્ટૂનિસ્ટો તેમનાં વ્યંગચિત્રોમાં મૌસમ ભવને કાઢેલા વર્ષાના વર્તારાની ઠેકડી ઉડાવતા રહ્યા છે. ભારતના ચોમાસાની પેટર્નનો છએક વર્ષથી રસપૂર્વક તેમજ જરા ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી હવે લાગે છે કે હવામાન ખાતાના ભારતીય નિષ્ણાતો બિચારા વગર વાંકે લાફિંગ સ્ટોક બને છે. ભારતીય ચોમાસાની પેટર્ન એટલી સંકીર્ણ છે કે વરસાદ ક્યારે પડશે અને વળી કેટલો પડશે તેનું પૂર્વાનુમાન કરવું ભારે કઠિન છે. ચોમાસું વાદળોનો દિશામાર્ગ એટલી હદે બદલાતો રહે છે કે બત્રીસ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ભારતમાં ચોક્કસ કયા સ્થળે અને કયા સમયે મઘેરાજાની મહેર થાય એ કહી શકાતું નથી.

આ વખતનું ભારતીય ચોમાસું સરેરાશ કરતાં ક્યાંય નબળું છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદે તેનું સરેરાશ લેવલ જાળવ્યું નથી. બીજી તરફ અમુક વિસ્તારોમાં (દા.ત. ગુજરાત ખાતે પોરબંદરમાં અને માંગરોળમાં) બારેય મેઘ ખાંગા થયા છે. સિઝનની કુલ વર્ષા કરતાં ક્યાંય વધુ હેલી ત્યાં વરસી છે. દેશભરમાં એક લાંબા વિરામ બાદ તાજેતરમાં કેટલાંક રાજ્યોમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો ત્યારે ચોમાસુ સિઝન પૂરી થઇ ગયાની લાગણી અનુભતા અનેક લોકોને ધરપત વળી. સંભવ છે કે ધરપતની લાગણી સાથે મનમાં સવાલ પણ થયો હોય કે હજી થોડા દિવસ પહેલાં કોરૂં દેખાતું આકાશ એકાએક વર્ષાવાદળોથી શી રીતે ઘેરાઇ ગયું?

જવાબ વિગતે તપાસવા જેવો છે. ભારતનું ચોમાસું મુખ્ય કરીને વાદળોની ત્રણ પ્રવાસપેટર્ન પર નભે છે--

(૧) ભારતમાં પહેલી જૂને કેરળ ખાતે ચોમાસાનો વિધિવત આરંભ કરતા વર્ષાવાદળો, જેઓ સામાન્ય રીતે આફ્રિકા પાસે માદાગાસ્કર ટાપુથી છેક ભારતનો લાંબો પ્રવાસ કરે છે.

(૨) પશ્ચિમ ભારતના પ્રદેશોમાં વર્ષાના કારક બનતા વાદળો, જેઓ અરબી સમુદ્રમાં જન્મ લઇ બહુ વ્યાપક પ્રમાણમાં ફેલાયા બાદ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા જેવા રાજ્યોને ભીંજવે છે.

(૩) બંગાળના ઉપસાગરમાં પેદાં થતાં વાદળો, જેઓ પૂર્વ ભારત ઉપરાંત ઉત્તર ભારતમાં પણ વરસાદ વરસાવે છે.

આ ત્રણેય પેટર્નને વાદળો યોગ્ય રીતે અનુસરે તો ચોમાસું રંગેચંગે પાર પડે છે. અલબત્ત, વરસાદની એકદમ સચોટ આગાહી ત્યાર પછીયે થઇ શકતી નથી, કેમ કે ત્રણ દિશામાંથી ભારત પર ઘેરો નાખતાં વાદળો કઇ તરફ ક્યારે રૂખ બદલે તે ભાખી શકાતું નથી. અરબી સમુદ્રમાં તેમજ બંગાળના ઉપસાગરમાં હવાના દબાણમાં થતી વધઘટ મુજબ વાદળોનો પ્રવાસમાર્ગ બદલાય છે. વાદળોનો સતત બદલાયા કરતો પ્રવાસમાર્ગ અંતે હવામાનશાસ્ત્રીઓનું કામ કઠિન બનાવે છે. વરસાદની સચોટ આગાહી તેઓ કરી શકતા નથી. વાદળોની બદલાતી દિશા મુજબ પૂર્વાનુમાન વડે આગામી ચોવીસ કલાકનો ફલાદેશ કાઢે છે, જે મોટે ભાગે તો સાચો ઠરી શકતો નથી.

વરસાદનો વર્તારો કાઢવાના કષ્ટદાયક કામને ઓર મુશ્કેલ બનાવતી સમસ્યા ભારતીય ચોમાસાની વિચિત્ર રીતે બદલાઇ રહેલી પેટર્ન છે. એક દાખલો જુઓ. બંગાળના ઉપસાગરમાં રચાતાં વરસાદી વાદળો સામાન્ય રીતે ઇશાન ભારત, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ વગેરે સ્થળોએ ઝાપટાં પાડે છે. મુખ્ય ભૂમિથી દૂર સમુદ્ર પર પેદા થતાં વાદળો પહેલાં ઇશાન દિશા પકડે છે, ત્યાર પછી ઉત્તરે સરકીને પશ્ચિમ તરફ આગેકૂચ કરે છે અને અંતે વધુ એક ટર્ન મારી પશ્ચિમ બંગાળ પર સ્થાયી થાય છે. આ રીતે એક સંપૂર્ણ કલ્પિત વર્તુળ તેઓ પૂરૂં કરે છે.

આ તેમની નોર્મલ ચાલ થઇ. પરંતુ કેટલાંક વર્ષથી એ ચાલમાં અણધાર્યો બદલાવ આવ્યો છે. એટલે કે બંગાળના ઉપસાગરમાં પેદાં થતાં વાદળો ઇશાન તરફનો રસ્તો પકડવાને બદલે ક્યારેક પરબારાં પશ્ચિમ દિશામાં તણાઇ આવે છે. પરિણામે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્રનો વિદર્ભ વિસ્તાર, મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણી રાજસ્થાન જળબંબાકાર થાય છે. કેટલાંક વર્ષ પહેલાં રાજસ્થાનમાં આવેલાં પૂર બંગાળના ઉપસાગરથી ‘હુમલો’ લાવેલાં વાદળોને આભારી હતાં. આજે પણ રાજસ્થાનનાં કેટલાંક નપાણિયા પ્રદેશોમાં ક્યારેક અણધારી વર્ષા થાય છે. બીજી તરફ પૂર્વનાં રાજ્યોમાં વરસાદની કારમી અછત વરતાય છે. મેઘાલયમાં ચેરાપુંજી ખાતે થતા સરેરાશ વાર્ષિક વરસાદનું લેવલ છેલ્લાં કેટલાંક વર્ષમાં ઘટી જવા પામ્યું છે.

બીજો દાખલોઃ અરબી સમુદ્ર પરથી પૂર્વ દિશા તરફ જતાં વાદળો સામાન્ય રીતે સમગ્ર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રને વરસાદ આપે છે. આ વાદળોની ચાલ પણ ક્રમશઃ બદલાઇ રહી છે. વાદળોનો એક ફાંટો સૌરાષ્ટ્રના તટવર્તી વિસ્તારો તરફ જાય છે, જ્યાં તેનું બધું જોર વરસાદરૂપે હણાઇ ગયા પછી ગુજરાતના આંતરિક વિસ્તારો કોરા રહી જવા પામે છે. અરબી સમુદ્રમાં ઉદભવેલાં વાદળોનો બીજો (ક્યાંય મોટો) ફાંટો ક્યારેક ઉત્તર મહારાષ્ટ્ર સુધી જ સીમિત રહેતો નથી. અગાઉ કરતાં વધુ તીવ્ર (અંદાજે ૧૦ ડિગ્રીનો) ખૂણો રચી દક્ષિણે છેક કર્ણાટક સુધી ધસી જાય છે. પરિણામે મધ્ય અને દક્ષિણ મહારાષ્ટ્રના તટવર્તી ગામો અને શહેરોમાં વરસાદથી ધડબડાટી બોલે છે. બે-ત્રણ વર્ષથી મુંબઇમાં ચોમાસા દરમ્યાન ક્યારેક અણચિંતવ્યો જબરજસ્ત વરસાદ પડી જતાં એ શહેર જળબંબાકાર બને છે તેનું કારણ એ કે ત્યાં એકસામટી બે ક્લાઉડ સિસ્ટમ ભેગી મળે છે. એક સિસ્ટમ માદાગાસ્કરથી લાંબો પ્રવાસ કરીને આવેલાં વાદળોની, તો બીજી અરબી સમુદ્રથી ધસી આવેલાં વાદળોની.

ગુજરાતની વાત કરો તો એ રાજ્યની પણ રેઇન પેટર્ન બહુ વિચિત્ર રીતે બદલાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છના માથે જે વરસાદ પડે છે તે મુખ્ય કરીને અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલાં અને પૂર્વ તરફ આગળ વધતાં વાદળોને આભારી છે, દક્ષિણ ગુજરાતમાં વરસતો વરસાદ દક્ષિણ-પૂર્વે મહારાષ્ટ્ર તરફ પ્રવાસ કરતાં વાદળોની ઉપજ છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાત પર ખબાકતાં વાદળાં છેક બંગાળના ઉપસાગરથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવ્યાં હોય છે. આ લખાય છે ત્યારે ગુજરાત પર જે ચોમાસું વાદળોનો જમાવડો થયો છે તે અરબી સમુદ્રનાં નથી. બંગાળના ઉપસાગરનાં છે, જ્યાં લો પ્રેશર સર્જાતાં વાદળોએ પશ્ચિમની દિશા પકડી છે.

આમ, ભારતીય ચોમાસાની સિસ્ટમ ભારે સંકીર્ણ છે અને હવે તે સંકીર્ણ સિસ્ટમમાં વિચિત્ર ફેરબદલા આવી રહ્યા છે. શા માટે આવી રહ્યા છે એમ પૂછો તો જવાબમાં કદાચ ગ્લોબલ વોર્મીંગ તરફ શંકાની આંગળી ચીંધી શકાય. સમુદ્રના સરેરાશ તાપમાનમાં વધારો થયા બાદ સમુદ્રી પ્રવાહોનો લય તૂટી જાય, એ કુદરતી લય તૂટવાને કારણે વરસાદી વાદળોનું ગઠન તેના મૂળભૂત સ્થાન કરતાં સેંકડો કિલોમીટરનો સ્થાનફરક પામે અને તે સ્થાનફરકના પગલે વાદળોનો પ્રવાસમાર્ગ બદલાય એ શક્ય છે.

આમાંનું કશું જ માનો કે બનતું નથી એમ ઘડીભર માની લો તો પણ ભારતીય ચોમાસાનો વર્તારો કાઢવાનું કામ ભારે કપરૂં છે એ હકીકત બદલાતી નથી. આ હકીકતથી સામાન્ય માણસ અજાણ છે એ મૌસમ ભવનમાં બેઠેલા સંશોધકોની કમ્બખ્તી છે, એટલે વરસાદની આગાહીને લઇને એ પંડિતો બિચારા વખતોવખત રમૂજી ટૂચકાનું કેન્દ્ર બને છે.

Comments

  1. Harshalji, I am not so conversant with this science so just like other Indians I also believe that our meterologist are not working sincerly. Also, I wonder how come sites like yahoo weather predict almost precise weather conditions where our departments fail?
    What you have explained must seems to have logical and geographical correct, will give more time to study this point as it is interesting. Thnx for the info.

    ReplyDelete
  2. Harshal sir,

    Some months back, I read similar article in Safari. There is no reason to doubt what you have written. But I have seen that other regions have been very accurate in predictions. Such factors should be applicable to other regions as well.

    Yes, weather is very dynamic in nature. Our Weather department should at least create a properly updated and informative website to increase their credit.

    Thanks a lot.
    nayan panchal

    ReplyDelete
  3. Thanks a lot for information. But as we all know also globle warming is an imported factor for monsoon.

    -Rishabh Purohit

    ReplyDelete
  4. interesting piece with observations. I remember Ravajibhai used to talk about types of clouds, among many reasons,in order to explain the difficulty of Indian forcasters vis a vis "phoren' ones, who usually hit bull's eye.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન