પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન
વિજયગુપ્ત મૌર્ય! આ નામ પડે એટલે ‘જ્ઞાનવિજ્ઞાન’ શબ્દનો ઝબકારો મગજના અજ્ઞાત ખૂણે આપમેળે થયા વિના ન રહે. પત્રકારત્વમાં પોતાની ૪૬ વર્ષ લાંબી અર્થપૂર્ણ કારકિર્દી દરમ્યાન વિજયગુપ્ત મૌર્યએ જીવજગત, બ્રહ્માંડ, ભૂસ્તરશાસ્ત્ર, ઇતિહાસ, સમુદ્રસૃષ્ટિ, પર્યાવરણ, ભૌતિકશાસ્ત્ર વગેરે જેવા વિવિધ વિષયો પર વૈવિધ્યપૂર્ણ લેખો વડે ગુજરાતી વાચકોને અદ્ભુત જ્ઞાનસફર કરાવી છે. વિજયગુપ્ત મૌર્યના લેખનનું સૌથી નોખું પાસું તેમની બેજોડ શિકારકથાઓ તેમજ જંગલકથાઓ હતી. વાર્તાના બહાને બાળકોને વનસૃષ્ટિનો અને વન્યજીવોનો રસપ્રદ પરિચય કરાવવામાં તેમની કલમનો જોટો ન હતો. આ સિદ્ધહસ્ત લેખકની રસાળ અને કસાયેલી કલમે લખાયેલાં જંગલકથાનાં સંખ્યબંધ પુસ્તકો પૈકી ‘શેરખાન’ માર્ચ, ૨૦૦૯માં તેમની જન્મશાતાબ્દિ નિમિત્તે નવા રૂપરંગ સાથે યુરેનસ બૂક્સ દ્વારા પ્રગટ કરવામાં આવ્યું હતું. આજે તેમનું બીજું બેસ્ટ સેલર પુસ્તક ‘કપિનાં પરાક્રમો’ અઢી દાયકે પુનઃમુદ્રણ પામ્યું છે. આ પુસ્તકનો હિરો કપિ નામનો વાંદરો છે, જે પોતાનાં સાહસો વડે તેની વાનરસેનાને મોતના મુખમાંથી ઉગારે છે. આ કથા તેનાં પરાક્રમોની છે, જે વાંચતી વખતે મનોરંજન મળવા ઉપરાંત જંગલસૃષ્ટિનો મસ્ત પરિચય ...