પૃથ્વીના ભૂગર્ભનો પેટ્રોલિયમ ભંડારઃ કેટલોક ભૂસ્તરીય, બાકીનો ભૂતિયો
ધરતીના પેટાળમાં રહેલું પેટ્રોલિયમ તળિયાઝાટક થવા આડે કેટલાં વર્ષ બાકી છે ? ભલભલા જાણકારોને પૂછો તો પણ તે વર્ષનો ચોક્કસ આંકડો ટાંકીને જવાબ ન આપી શકે એવો સવાલ છે, કેમ કે ઘણાં અનિશ્ચિત પાસાં ગણતરીને ખોટી પાડી શકે છે. સૌથી રહસ્યમય પાસું એ છે કે જેને ગણતરી વખતે કદી ધ્યાન પર લેવાતું નથીઅને ઘણા ખરા લોકોના તો ધ્યાનમાં પણ કદી આવ્યું નથી. મામલો આમ છે--પૃથ્વીના ભૂગર્ભનો પેટ્રોલિયમ ભંડાર ‘સત્તાવાર’ રીતે ભલે ૧,૧૦૦ અબજ બેરલનો ગણાતો, પણ હકીકતે એટલો છે જ નહિ. અમુક પુરવઠો જ સાચેસાચો ભૂસ્તરીય છે. બાકીનો ભૂતિયો છે, જેનું અસ્તિત્વ નથી. આ કારણસર ભંડારોનું તળિયું ધાર્યા કરતાં ઘણું વહેલું દેખાવાનું છે. ભારત સહિત બધા દેશોનાં અર્થતંત્રો ત્યારે ડગમગી જવાનાં છે. ભૂતિયા પેટ્રોલિયમનું મૂળ વર્ષો પહેલાંના ભૂતકાળમાં રહેલું છે. શરૂઆતથી જ માંડીને વાત કરો તો ઇરાક, સાઉદી અરબસ્તાન, કુવૈત, વેનેઝુએલા અને ઇરાન એ પાંચ દેશોએ સપ્ટેમ્બર ૧૪, ૧૯૬૦ના રોજ Organization of Petroleum Exporting Countries/OPEC નામનું સંગઠન રચ્યું. ઇરાદો એ કે પ્રત્યેક સભ્યદેશનો પ્રોડક્શનને લગતો ક્વોટા નક્કી થાય, આપસની સ્પર્ધા ટળે અને ભાવ કપા...