પૃથ્વીના ભૂગર્ભનો પેટ્રોલિયમ ભંડારઃ કેટલોક ભૂસ્તરીય, બાકીનો ભૂતિયો

ધરતીના પેટાળમાં રહેલું પેટ્રોલિયમ તળિયાઝાટક થવા આડે કેટલાં વર્ષ બાકી છે ? 

ભલભલા જાણકારોને પૂછો તો પણ તે વર્ષનો ચોક્કસ આંકડો ટાંકીને જવાબ ન આપી શકે એવો સવાલ છે, કેમ કે ઘણાં અનિશ્ચિત પાસાં ગણતરીને ખોટી પાડી શકે છે. સૌથી રહસ્યમય પાસું એ છે કે જેને ગણતરી વખતે કદી ધ્યાન પર લેવાતું નથીઅને ઘણા ખરા લોકોના તો ધ્યાનમાં પણ કદી આવ્યું નથી. 

મામલો આમ છે--પૃથ્વીના ભૂગર્ભનો પેટ્રોલિયમ ભંડાર ‘સત્તાવાર’ રીતે ભલે ૧,૧૦૦ અબજ બેરલનો ગણાતો, પણ હકીકતે એટલો છે જ નહિ. અમુક પુરવઠો જ સાચેસાચો ભૂસ્તરીય છે. બાકીનો ભૂતિયો છે, જેનું અસ્તિત્વ નથી. આ કારણસર ભંડારોનું તળિયું ધાર્યા કરતાં ઘણું વહેલું દેખાવાનું છે. ભારત સહિત બધા દેશોનાં અર્થતંત્રો ત્યારે ડગમગી જવાનાં છે.

ભૂતિયા પેટ્રોલિયમનું મૂળ વર્ષો પહેલાંના ભૂતકાળમાં રહેલું છે. શરૂઆતથી જ માંડીને વાત કરો તો ઇરાક, સાઉદી અરબસ્તાન, કુવૈત, વેનેઝુએલા અને ઇરાન એ પાંચ દેશોએ સપ્ટેમ્બર ૧૪, ૧૯૬૦ના રોજ Organization of Petroleum Exporting Countries/OPEC નામનું સંગઠન રચ્યું. ઇરાદો એ કે પ્રત્યેક સભ્યદેશનો પ્રોડક્શનને લગતો ક્વોટા નક્કી થાય, આપસની સ્પર્ધા ટળે અને ભાવ કપાય નહિ. વખત જતાં નાઇજિરિયા, સંયુક્ત આરબ અમીરાત (દુબઇ, અબુ ધાબી વગેરે), લિબિયા તથા અલ્જિરિયા જેવા તેલસમૃદ્ધ દેશોને પણ OPEC/ઓપેકના સભ્ય બનાવવામાં આવ્યા. સાઉદી અરબસ્તાનના નેતૃત્વ હેઠળ ૧૯૭૩માં તત્કાલીન ઓપેક દેશોએ પેટ્રોલિયમનો બેરલદીઠ ભાવ અઢી ગણો કરી નાખ્યો અને થોડા વખત પછી આયાતકાર દેશો પર બીજો ભાવવધારો ફટકાર્યો. ઉત્પાદનનો ખર્ચ જ્યાંનો ત્યાં હતો, એટલે સભ્યદેશોની તિજોરીઓ છલકાવા માંડી અને સામસામે લોહિયાળ યુદ્ધે ચડેલા ઇરાકે તથા ઇરાને શસ્ત્રખરીદી માટે વધુ નફો રળવા ખનિજ તેલનું પ્રોડક્શન વધાર્યું. ઓપેકમાં વ્યાપારી સંપ તૂટ્યો, જેને ફરી સ્થાપિત કરવા સાઉદી અરબસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અહમદ ઝાકી યામાનીએ એમ ઠરાવ્યું કે ઓપેકનો જે તે સભ્યદેશ પોતાના કુલ reserve/અનામત ભંડારના અમુક ટકા કરતાં વધારે પ્રોડક્શન કરે નહિ. આ ઠરાવના પગલે ‘ક્વોટા વોર’ નામનો સંઘર્ષ ચાલ્યો. 


ઉત્પાદન વધુ પ્રમાણમાં કરી શકાય તે આશયે કેટલાક દેશોએ પોતાના કુદરતી ભંડારના આંકડામાં બોગસ અબજો બેરલ ઉમેરી દીધા. સાઉદી અરબસ્તાન પણ તેમાં સામેલ હતું. (જુઓ, ચાર્ટ). પેટ્રોલિયમનો એ પુરવઠો ૧૯૮૫-૯૦ દરમ્યાન ગણાવી દેવાયો કે જે હકીકતે ન હતોઅર્થાત્ ભૂતિયો હતો. ઓપેકના બધા સભ્ય દેશોએ ત્યાર બાદ પોતપોતાના ખોટા આંકડાને વળગી રહેવું જરૂરી હતું.
આજની તારીખે પણ એ જ સ્થિતિ છે, બલકે વધુ બગડી છે એમ કહેવું જોઇએ. એક દાખલો જુઓ : પેટ્રોલિયમના વેપારને લગતા મુખપત્ર જેવું Oil & Gas Journal નામનું મેગેઝિન ઓપેક દેશો પાસે તેમના અનામત ભંડારના આંકડા મંગાવે છે. અમુક દેશો તેનો પ્રત્યુત્તર જ આપતા નથી, માટે ખાસ્સું પેટ્રોલિયમ કાઢવામાં આવ્યું હોવા છતાં ચોપડા પર તેમના રિઝર્વનો આંકડો વર્ષોવર્ષ યથાવત્ રહે છે અને કુલ વૈશ્વિક ભંડારનું (સાચું માની લેવાતું) ખોટું ચિત્ર રજૂ થાય છે. ઉદાહરણો તરીકે જાન્યુઆરી, ૨૦૦૬થી કુવૈતનો અનામત જથ્થો વર્ષોવર્ષ ૧૦૪ અબજ બેરલના આંકડે, સંયુક્ત આરબ અમીરાત/UAE નો ૯૭.૮ અબજ બેરલના આંકડે સ્થગિત છે. ૨૦૦૬-૧૦ દરમ્યાન તે બધા દેશોએ પુષ્કળ ખનિજ તેલ કાઢ્યું છે, તો પછી અનામતનો ફિગર ઘટ્યો કેમ નથી ?

મોરલ ઓફ ધ સ્ટોરી: પેટ્રોલિયમના યુગનું પૂર્ણ વિરામ ‘સત્તાવાર’ મુદત કરતાં ઘણું વહેલું આવવાનું છે.

Comments

  1. have પેટ્રોલીયમમાં તો હમણાં ખૂટશે હમણા ખૂટશે એવી વાતો વર્ષોથી ચાલ્યા કરે છે. ૨૦૦૦માં દસમું ભણતા ત્યારે એમ આવતું કે હવે ખનીજ તેલનો જથ્થો ૨૫-૫૦ વરસ ચાલે એમ છે. જોકે તમે કહ્યું એમ અરબ દેશો આંકડા જ ન આપતા હોય તો પેટ્રોલીયમના ભંડારોનું ઠામુકુ તળિયું આવી શેકે છે. બીજી બાજુ નવા નવા પેટ્રોલીયમ ભંડારો મળી આવે છે એ જોતા થોમસ ગોલ્ડની પેટ્રોલીયમ કડી નહિ ખૂટે એવા મતલબની થીયરી સાચી હોય એમ પણ ક્યારેક લાગે છે!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન