‘‘આ અંકથી એક નવા બાળપાક્ષિકનું પ્રકાશન શરૂ થાય છે. નવા પ્રકારનું એટલા માટે કે તેમાં રાજારાણીની કે વેતાળની વાતો નથી. પરીકથાઓ નથી કે કપોળકલ્પિત કહાણીઓ નથી. અંધશ્રદ્ધા ફેલાવે તેવાં ગપગોળાં નથી કે સસ્સારાણાનાં ઉપજાવી કાઢેલાં સાહસો નથી. આ બાળપાક્ષિક તો દર અંકે તેના સૌ બાળમિત્રોને જ્ઞાનવિજ્ઞાનની સફરે લઇ જશે--અને એટલે જ તેનું નામ ‘સફારી’ છે. દુનિયામાં એટલી બધી અજાયબીઓ છે કે તેમના વિશે જાણીએ તો ચકિત્ થઇ જઇએ. એક જમાનામાં એ બધું જાણવા માટે હ્યુએન ત્સાંગ, માર્કો પોલો, રોબર્ટ પિઅરી, કોલમ્બસ વગેરે જિજ્ઞાસુ સાહસિકો નીકળી પડ્યા હતા. કોઇ પગપાળા નીકળ્યા, તો કોઇ વહાણોના સઢ પલાણીને મધદરિયે હંકાર્યા. આજે માનવીએ પોતાની જિજ્ઞાસા સંતોષવા માટે સાહસો ખેડવાની જરૂર નથી અને ‘સફારી’ના વાચકોએ તો આરામખુરશીમાંથી પણ ઊભા થવાની જરૂર નથી, કારણ કે મહિનામાં બે વખત ‘સફારી’ તેમને આરામખુરશીમાં બેઠા બેઠા જ જ્ઞાનવિજ્ઞાનની સફર કરાવશે અને અવનવી માહિતીઓનો ખજાનો તેમની સામે હાજર કરી દેશે. કોઇ માહિતી ભૂગોળ વિશે, તો કોઇ ઇતિહાસ વિશે; કોઇ સમુદ્ર વિશે, તો કોઇ અવકાશ વિશે; કોઇ પ્રાણી વિશે, તો કોઇ વનસ્પતિ વિશે.’’ આ ટૂંકી છતાં અર્થપ...