ગીરનારનો રોપ-વે ગીરનારી ગીધ માટે 'સ્વર્ગની સીડી' બની જશે ?
રામાયણના જટાયુને બાદ કરો તો મડદાં પર નભનારાં ગીધને આપણે ત્યાં ખાસ આદરભરી નજરે જોવાતાં નથી, પણ છેલ્લાં પાંચ-સાત વર્ષ દરમ્યાન તેમનાં માનપાન અને માવજત વધ્યાં છે. વધવાનું કારણ તેમની વસ્તીમાં ચિંતાજનક હદે થયેલો ઘટાડો છે. ૧૯૮૦ના દસકામાં ભારતનાં ૬ સ્પીસિસનાં ગીધોનો કુલ વસ્તીઆંક જ્યાં આઠેક કરોડ જેટલો ગણાતો ત્યાં આજે તે થોડાક હજાર પર આવી ગયો છે. ગુજરાતની વાત કરો તો ૨૦૦૫માં ફક્ત ૨,૬૫૦ ગીધ બચ્યાં અને હવે તો આબાદી ૧,૪૦૦ કરતાં પણ ઓછી છે. આ તારાજી પાલતું ઢોરઢાંખરોને શારીરિક સોજાના ઓસડ તરીકે અપાતી ડાઇક્લોફેનેક નામની દવાને આભારી છે. દવાનું C 22 H 38 O 5 એવું રાસાયણિક બંધારણ ઢોરોનાં મડદાં ખાનાર ગીધોની કિડનીને ખુવાર કરી નાખે છે, એટલે લાંબે ગાળે તેમનું મૃત્યુ નીપજે છે. કેંદ્ર સરકારે ૨૦૦૬માં ડાઇક્લોફેનેકને પ્રતિબંધિત જાહેર કર્યા છતાં તેના વેચાણમાં તથા વપરાશમાં ખાસ ફરક પડ્યો નથી. પરિણામે કુદરતના સફાઇ કામદાર જેવાં ગીધોનો સફાયો ચાલુ છે. સૌથી વધુ ઘટાડો Long-billed vulture/ગીરનારી ગીધની સંખ્યામાં થયો છે. ખુદ ગીરનારના ૧૮૦ ચોરસ કિલોમીટરના જંગલમાં એ સ્પીસિસનાં ગીધ દુર્લભ બન્યાં છે. એક સમયે તેઓ એટલી મબલખ સંખ્યા...