વર્લ્ડ ફોટોગ્રાફી-ડે નિમિત્તે ‘ઓલ્ડ ફેઇથફુલ’ કેમેરાને સ્મરણાંજલિ
આજથી બે દાયકા અગાઉ ગુજરાતના (તેમજ મુંબઇના) કેટલાક અગ્રણી અખબારો-સામયિકોમાં હું જ્ઞાન-વિજ્ઞાનના માહિતીલેખો ફ્રી-લાન્સ ધોરણે લખતો ત્યારનો એક પ્રસંગ આજે વર્લ્ડ ફોટોગ્રાફી-ડે નિમિત્તે યાદ આવે છે. ખરું જોતાં એ પ્રસંગ બન્યો જ ન હોત તો ફોટોગ્રાફીના ક્ષેત્રે મારું આગમન ક્યારે થયું હોત અથવા તો થયું હોત કે કેમ તે સવાલ છે. પ્રસંગ આમ બન્યો-- ૧૯૯૪-૯૫ના અરસામાં અમદાવાદથી નેટવર્ક નામનું સામયિક પ્રગટ થતું, જેમાં વિજ્ઞાનને લગતા મારા માહિતીલેખો પ્રસિદ્ધ થતા અને એ જમાનામાં સારો એવો કહી શકાય તેવો પુરસ્કાર પણ મળતો હતો. (‘સફારી’ ઉપરાંત બહારના સામયિકો-અખબારોમાં લખવાનો આશય લેખન ક્ષેત્રે અનુભવ મેળવવાનો અને સરવાળે લેખનમાં મૌલિકતા આણવાનો હતો. આ હેતુ બર આવવા સાથે રૂપિયા પણ મળતા હતા. આમ લાભ બેવડો હતો). નેટવર્કને ચારેક લેખો હું આપી ચૂક્યો હતો અને તે બધા છપાયા છતાં તેમના પેમેન્ટમાં થોડા મહિનાનું મોડું થયું હતું. દર થોડા દિવસે ઉઘરાણીનો એકાદ ફોન હું નેટવર્કના કાર્યાલયે કરતો અને જવાબમાં ‘લક્ષ્મીપૂજન’ની નવી મુદત પડતી. આખરે એક દિવસ ઊંટ અવળી કાઠીએ બેઠું. નેટવર્કના કાર્યાલયેથી મારા પર સામેથી ફોન આવ્યો: ‘તમારું વ...