શસ્‍ત્રઉત્‍પાદનમાં ખાનગી ક્ષ્‍ાેત્ર માટે સરકારી દ્વાર આખરે ઉઘડ્યાં!

ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવે ભારતના પથારીવશ અર્થતંત્રને ૧૯૯૧માં ઉદાર આર્થિક નીતિનું સલાઇન ચડાવીને બેઠું કર્યું ત્યાર પછી એ નીતિના ભાગરૂપે રાવની અનુગામી સરકારોએ ઘણાં ક્ષેત્રોમાં ખાનગી કંપનીઓને ઝંપલાવવાની તક આપી. આનું એક ઉદાહરણ ઇન્ફર્મેશન ટેક્નોલોજિ અને ટેલિકોમ ક્ષેત્રનું છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ, વિપ્રો, રિલાયન્સ, ઇન્ફોસિસ, એચ.સી.એલ. વગેરે જેવી ખાનગી કંપનીઓને છૂટો દોર આપી દેવાયા પછી આજે ભારત સોફ્્ટવેરની નિકાસ થકી અબજો ડોલરનું ભંડોળ મેળવતું થયું છે. બીજો દાખલો ઓટોમોબાઇલ ક્ષેત્રનો છે. એક સમયે ભારતમાં દ્વિચક્રી તેમજ મોટરવાહન બનાવવાનો ઇજારો સરકારે પોતાના હસ્તક રાખ્યો હતો. ઉદાર આર્થિક નીતિનું મોડલ અપનાવીને સરકારે તે બિનજરૂરી ઇજારો જતો કર્યો, ખોટ ખાતાં સરકારી નિગમો બંધ કર્યાં અને ખાનગી કંપનીઓને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ઝંપલાવવાનો મોકો આપ્યો. આનુંય પોઝિટીવ પરિણામ નજર સામે છેઃ બજાજ, ટી.વી.એસ., તાતા અને મહિન્દ્રા જેવી કંપનીઓએ દેશ-વિદેશમાં પોતાનો કારોબાર ફેલાવ્યો છે. સ્વદેશી વાહનોની નિકાસ વડે દેશને સારું એવું વિદેશી હુંડિયામણ મળતું થયું છે.

આ પ્રકારની સ્થિતિ શું સ્વદેશી શસ્ત્રોના નિકાસની બાબતે પણ સર્જી શકાય ? નિઃસંદેહ સર્જી શકાય, પરંતુ એક શરત છે: આઇ.ટી. અને ઓટોમોબાઇલની જેમ શસ્ત્ર ઉત્પાદનના ક્ષેત્રે પણ સરકારે ઉદાર વલણ દાખવીને ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવું રહ્યું. આ મામલે ભારતની સરકારોનું વલણ શુષ્ક અને ઉદાસિન રહ્યું છે. સદ્ભાગ્યે હવે પહેલી વાર વલણમાં  સુધારો જોવા મળ્યો છે. નવી સરકારે સ્વદેશી શસ્ત્ર ઉત્પાદનને તેમજ નિકાસને પ્રોત્સાહન આપવા ખાનગી કંપનીઓને એ ક્ષેત્રે આવકાર તેમજ આમંત્રણ આપ્યું છે. નવા આર્થિક બજેટમાં કરાયેલી જોગવાઇ મુજબ ડિફેન્સ પ્રોડક્શન ક્ષેત્રે ખાનગી કંપનીના રોકાણની લિમિટ ૪૯% કરી દેવામાં આવી છે. જુદી રીતે કહો તો શસ્ત્રઉત્પાદનમાં ખાનગી કંપની સાથે સરકાર વચ્ચે પહેલી વાર લગભગ સમાન માલિકીહક્કોની ફિફ્ટી-ફિફ્ટી જેવી પાર્ટનરશિપ થવાની છે. આ જાતનું પ્રાઇવેટાઇઝેશન વખત જતાં દેશને શસ્ત્રોના મામલે સ્વાવલંબી બનાવી શકે તેમ છે.
કોલકાતાની ગાર્ડન રીસર્ચ શીપ‌બિલ્ડર્સે તાજેતરમાં બનાવેલી અેન્‍ટી-સબમ‌રિન કોર્વેટ આઇ.એન.એસ કામોર્તામાં ૯૦ ટકા પૂરજા સ્‍વદેશી છે, માટે આયાતી કોર્વેટ કરતાં તેની પડતર ‌કિંમત અનેકગણી સોંઘી છે. આ જાતની 'બચત યોજના' ઘરઅાઆંગણે શસ્‍ત્રઉત્‍પાદન થકી જ શક્ય બને છે.
સ્વદેશી ધોરણે શસ્ત્રો બનાવવાના મરણિયા પ્રયાસો ભારત છેક ૧૯૫૮થી કરી રહ્યું છે કે જ્યારે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન/DRDO નું ગઠન થયું હતું. યોગાનુયોગે એ જ વર્ષે અમેરિકાએ પણ ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી/DARPA કહેવાતી સંસ્થાની સ્થાપના કરી હતી, જેની મુખ્ય નેમ દેશના લશ્કર માટે અત્યાધુનિક શસ્ત્રો તૈયાર કરવાની હતી. બેઉ દેશોની સરકારોએ પોતપોતાની સંસ્થાઓને બાંધી રકમનું વાર્ષિક બજેટ આપ્યું. ભારતે બજેટની સારી એવી રકમ પગારદાર સ્ટાફ પાછળ ખર્ચી, જ્યારે બજેટનાં નાણાં માત્ર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચાય એ હેતુથી અમેરિકન સંસ્થાના સંચાલકોએ જુદો નુસખો લડાવ્યો. નિષ્ણાતોની પગારદાર ટીમ તૈયાર કરી સંસ્થાનો વહીવટીખર્ચ વધારવાને બદલે રિસર્ચનું કાર્ય આઉટસોર્સિંગના ધોરણે ખાનગી કંપનીઓને સોંપી દીધું. નિર્ધારિત બજેટમાં તેમજ નિર્ધારિત સમયગાળામાં જે તે પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પડાવ્યો. ફાઇટર વિમાનો, વિવિધ પ્રકારનાં મિસાઇલો, રોકેટ લોન્ચર્સ, ગેટલિંગ ગન વગેરે જેવાં શસ્ત્રો DARPA ના નેજા હેઠળ અમેરિકાની વિવિધ ખાનગી કંપનીઓએ બનાવ્યાં. ઉપરાંત સ્ટેલ્થ ટેક્નોલોજિ, હાઇપરસોનિક વિમાન, પાયલટરહિત જાસૂસી વિમાનો, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, અણુધડાકાને પારખી લેતા ઉપગ્રહો વગેરે જેવા બીજા સેંકડો પ્રોજેક્ટ્સ DARPA એ આઉટસોર્સિંગના ધોરણે જ સફળતાપૂર્વક પૂરા કર્યા. આજે તે સંસ્થામાં ફક્ત ૨૪૦ જણા કામ કરે છે, જે પૈકી ૧૩૦ જણા સાયન્ટિસ્ટની કક્ષાના છે. બીજી તરફ આપણા DRDO ની વાત કરો તો એ સરકારી સંસ્થામાં ૩૦,૦૦૦નો સ્ટાફ છે. આટઆટલું સંખ્યાબળ હોવા છતાં DARPA ની તુલનાએ DRDO એ ક્યાંય ઓછા ડિફેન્સ પ્રોજેક્ટ પાર પાડ્યા છે. DRDO સારામાં સારા શસ્ત્રો બનાવી શકે તેમ છે, પરંતુ સરકારી કાર્યપ્રણાલિનો પાશ તેને ઊંડે સુધી ચડ્યો છે, એટલે કામ મંથર ગતિએ ચાલે છે.

આ પ્રકારની સ્થિતિમાં બદલાવ ત્યારે જ સંભવે કે જ્યારે શસ્ત્રઉત્પાદનમાં સરકાર ખાનગી કંપનીઓ સાથે ભાગીદારી કરે, જે મોડે મોડેથી પણ હવે કરવામાં આવી છે. આમાં થોડું નહિ, ઘણું મોડું ભલે થયું; પરંતુ શસ્ત્રઉત્પાદનમાં સ્વાવલંબી બનવાના, વિદેશી શસ્ત્રોની ખરીદીનાં કૌભાંડોમાંથી છૂટકારાના, સ્વદેશી શસ્ત્રોની નિકાસ થકી વિદેશી હૂંડિયામણ મેળવવાના ‘અચ્છે દિન’ ખરેખર આવે તો ૧૯૫૮થી આજ સુધીનો ઇંતેજાર લેખે લાગે.

Comments

  1. Thanks for information

    ReplyDelete
  2. Very Good Information

    ReplyDelete
  3. No second thoughts over this. It is a welcome move by the present government. Any sovereign country should not be dependent on other countries to manufacture weapons and spend foreign current reserves and succumb to arm twisting by international powers.

    Thanks for creating awareness as always.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન