વર્લ્ડ ફોટોગ્રાફી-ડે નિમિત્તે ‘ઓલ્ડ ફેઇથફુલ’ કેમેરાને સ્મરણાંજલિ

આજથી બે દાયકા અગાઉ ગુજરાતના (તેમજ મુંબઇના) કેટલાક અગ્રણી અખબારો-સામયિકોમાં હું જ્ઞાન-વિજ્ઞાનના માહિતીલેખો ફ્રી-લાન્સ ધોરણે લખતો ત્યારનો એક પ્રસંગ આજે વર્લ્ડ ફોટોગ્રાફી-ડે નિમિત્તે યાદ આવે છે. ખરું જોતાં એ પ્રસંગ બન્યો જ ન હોત તો ફોટોગ્રાફીના ક્ષેત્રે મારું આગમન ક્યારે થયું હોત અથવા તો થયું હોત કે કેમ તે સવાલ છે. પ્રસંગ આમ બન્યો--

૧૯૯૪-૯૫ના અરસામાં અમદાવાદથી નેટવર્ક નામનું સામયિક પ્રગટ થતું, જેમાં વિજ્ઞાનને લગતા મારા માહિતીલેખો પ્રસિદ્ધ થતા અને એ જમાનામાં સારો એવો કહી શકાય તેવો પુરસ્કાર પણ મળતો હતો. (‘સફારી’ ઉપરાંત બહારના સામયિકો-અખબારોમાં લખવાનો આશય લેખન ક્ષેત્રે અનુભવ મેળવવાનો અને સરવાળે લેખનમાં મૌલિકતા આણવાનો હતો. આ હેતુ બર આવવા સાથે રૂપિયા પણ મળતા હતા. આમ લાભ બેવડો હતો). નેટવર્કને ચારેક લેખો હું આપી ચૂક્યો હતો અને તે બધા છપાયા છતાં તેમના પેમેન્ટમાં થોડા મહિનાનું મોડું થયું હતું. દર થોડા દિવસે ઉઘરાણીનો એકાદ ફોન હું નેટવર્કના કાર્યાલયે કરતો અને જવાબમાં ‘લક્ષ્મીપૂજન’ની નવી મુદત પડતી. આખરે એક દિવસ ઊંટ અવળી કાઠીએ બેઠું. નેટવર્કના કાર્યાલયેથી મારા પર સામેથી ફોન આવ્યો: ‘તમારું વાઉચર તૈયાર છે. ઓફિસે આવીને પેમેન્ટ લઇ જાવ.’

મિનિટભર બગાડ્યા વિના મારી સૂઝૂકી સામુરાઇ મોટરસાઇકલ પર હું ત્યાં પહોંચી ગયો. લેખદીઠ બારસોના હિસાબે રૂા.૪,૮૦૦નું કેશ પેમેન્ટ અકાઉન્ટસ ડિપાર્ટમેન્ટમાં તૈયાર હતું. મને તે આપવામાં આવ્યું, એટલે વાઉચર પર મેં હોંશે હોંશે સહી કરી આપી. નેટવર્કના કાર્યાલયેથી વળતી મુસાફરી જરા વજનદાર હતી, કેમ કે ગજવામાં ચાર હજાર આઠસો રૂપિયા પૂરા હતા. આ માતબર રકમ સાથે હું સીધો પહોંચ્યો પાલડીના ગુજરાત ફોટો સપ્લાયર્સની દુકાને અને ત્યાંથી મારો પહેલો પોઇન્ટ એન્ડ શૂટ ફિલ્મ કેમેરા ખરીદ કર્યો. (કેમેરાનું મોડલ Canon Prima AF-7, કિંમત રૂા.૪,૫૦૦). બાકી વધેલા રૂપિયામાંથી કોડાક ગોલ્ડના રોલ ખરીદવામાં આવ્યા.
ગુજરાત ફોટોની દુકાનેથી ‘સફારી’ની ઓફિસ સુધીની મુસાફરી તો ઓર વજનદાર બની, કેમ કે કેમેરા ખરીદીને ફોટોગ્રાફરોના મોભાભર્યા વર્ગમાં કાયદેસર મારો પ્રવેશ થઇ ચૂક્યો હતો. કેનનનો સાવ બેસિક ફિલ્મ કેમેરા બચોળિયો, પણ બરકંદાજ હતો. અપર્ચર, એક્સપોઝર, શટર સ્પીડ, ડેપ્થ ઓફ ફિલ્ડ વગેરે જેવા હેવીવેઇટ શબ્દો સાથે તેને માઇલોની દૂરી હતી. કેમેરો પોઇન્ટ એન્ડ શૂટ પ્રકારનો હતો, એટલે વ્યૂફાઇન્ડરમાંથી સામેનું દશ્ય જોઇને માત્ર ક્લિક કરવાનું રહેતું હતું. જો કે એ કામ પણ કેટલું ક્રિએટિવ છે તે મને વખત જતાં સમજાયું.

Canon AF Prima લગભગ ચારેક વર્ષ વાપર્યો અને તેના પર ઘણું બધું શીખ્યો. અપર્ચર, એક્સપોઝર, શટર સ્પીડ, ડેપ્થ ઓફ ફિલ્ડ વગેરે જેવા હેવીવેઇટ શબ્દો સાથે બાથ ભીડવા જેટલી ક્ષમતા ખીલી (અગર તે ખીલી હોવાનું હું માનતો થયો) ત્યારે ૧૯૯૯માં પહેલો SLR ફિલ્મ કેમેરા ખરીદ કર્યો. ભારતમાં ત્યારે ડિજિટલ SLR હજી સુલભ ન હતાં. (મોડલ: Canon 500N, લેન્સ: Canon 28-80mm). આ અફલાતૂન કેમેરાએ મને ઘણું શીખવ્યું. આજે ડિજિટલ કેમેરાના યુગમાં ફોટો પાડીને તેનું રિઝલ્ટ તત્કાળ સ્ક્રીન પર ચકાસી લઇએ, જ્યારે સાદા (ફિલ્મવાળા) SLR કેમેરામાં એવી સુવિધા ન હતી. પરિણામે ફોટો પાડ્યા પછી કલર લેબમાંથી રોલ ‘ધોવાઇ’ને આવે ત્યારે જ ફોટાનું રિઝલ્ટ જોવા મળે--અને મારા જેવા નવશીખીયાને ત્યારે જ પોતાની ચૂક વિશે જાણકારી મળી શકતી. ફિલ્મની કિંમત અને તેના ડેવલપિંગનો ખર્ચ જોતાં તે મર્યાદા સજા હતી, તો બીજી બાજુ તે સજામાંય મજા હતી. કારણ એ કે પ્રત્યેક ફોટો ખેંચતા પહેલાં તેને લગતાં રીડીંગ (અપર્ચર, એક્સપોઝર, શટર સ્પીડ, ડેપ્થ ઓફ ફિલ્ડ) મનોમન નક્કી કરી લેવાની અનિવાર્ય આદત તેના લીધે પડી.
પહેલાં પોઇન્ટ એન્ડ શૂટ વડે અને પછી ફિલ્મ SLR વડે ફોટોગ્રાફીના ક્ષેત્રે ઠીક ઠીક ઉત્ક્રાંતિ થઇ એ પછી આગામી પગથિયું હતું ડિજિટલ SLR, જેની ખરીદીનું મૂહુર્ત ૨૦૦૪માં આવ્યું. લાંબો વખત ફિલ્મ કેમેરા વાપરી ચૂકેલા સૌ ફોટોગ્રાફરોને તે વ્હાલો લાગે (મને પણ લાગ્યો), કેમ કે ફિલ્મનો તેમજ રોલના (અને તે સાથે ખિસ્સાના પણ) ‘ધોવાણ’નો ખર્ચ ટળી જતો હતો. કેમેરાની પસંદગી ફરી વખત મેં Canon પર ઢાળી અને તેનો Rebel XTi નામનો ૧૦.૧ મેગાપિક્સેલનો કેમેરા રૂા.૩૨,૦૦૦ના ભાવે ખરીદ્યો. અત્યંત મજબૂત બાંધણીનો તે કેમેરા ફોટોગ્રાફી વિશે મારા નોલેજ અને ઇગ્નોરન્સ વચ્ચેના ભેદ વર્ષોવર્ષ મિટાવતો રહ્યો. આજે તે કામ વધુ સક્ષમ અને એડવાન્સ્ડ એવો Canon 7D કરી રહ્યો છે, જેને ૨૦૧૧ની સાલમાં વસાવ્યો ત્યારથી દરેક ફોટોશૂટ વખતે તેનાં અવનવાં પાસાં ઉજાગર થયા કરે છે.

ફોટોગ્રાફીની વર્તમાન કીટ: Canon 7D અને તેનો પ‌રિવાર
આ મોડર્ન કેમેરાના પુરોગામી એવા સૌ કેમેરા આજની તારીખે ચાલુ હાલતમાં સચવાયેલા છે. એ દરેક કેમેરો અત્યંત મહત્વનો છે, કેમ કે દરેકનાં વ્યૂફાઇન્ડરે ફોટોગ્રાફી માટે નવો દષ્ટિકોણ આપ્યો છે. અને સહેજ પણ અતિશયોક્તિ વિના કહી શકું કે બદલાતા દષ્ટિકોણે જીવન જોવા-જાણવા-માણવાની નજર બદલી આપી છે. આ બધું મારા પહેલવહેલા Canon AF Prima કેમેરાને આભારી છે, જે ફોટોગ્રાફીના એવર લર્નિંગ ક્ષેત્રમાં મને દોરી ગયો. વર્લ્ડ ફોટોગ્રાફી-ડે નિમિત્તે કડક, માનભરી સેલ્યૂટ તેને નામ !


તા.ક.: આજે ‘સફારી’ની તેમજ મારી પર્સનલ ફોટો લાઇબ્રેરીમાં સ્વ-ક્લિક્ડ તસવીરોનો જુમલો ૪૦,૦૦૦ના આંકને વટાવી ચૂક્યો છે. ફોટોગ્રાફીમાં ઉત્ક્રાંતિની સીડી ચડવાનું હજી ચાલુ છે--અને તે ચાલુ રહેશે, કેમ કે પગથિયાં કદી ખૂટવાનાં નથી.         

Comments

  1. કેમેરા વિષે ના જુદા જુદા ફન્ક્સન વિષે તથા જુદા જુદા મળતા કેમેરા વિષે વિસ્તૃત માહિતી આપતો લેખ પ્રગટ કરશો તો તમારો ખુબ ખુબ આભાર.....

    ReplyDelete
  2. ’સ્વ-ક્લિક્ડ’ :-)
    ટૂંકું પણ સરસ બયાન છે યાત્રાનું. શરૂઆતના ફકરાથી ઘણી યાદો તાજી થઇ.
    આપણી પેઢી નસીબદાર કે આ ઉત્ક્રાંતિમાંથી પસાર થઇને ડિજિટલ કેમેરા સુધી પહોંચી.

    ReplyDelete
  3. હા 'સફારી'એ આમ તો ડિઝિટલ કેમેરા વિશે સુપર સવાલમાં જાણકારી આપી છે. તો વળી ફોટોશોપની 'કળા'કારીગરી વિશે પણ એક લેખ હતો. પરંતુ ફોટોગ્રાફી વિશ્વ પોણા બસ્સો વર્ષ પુરા કરી ચૂક્યુ છે, એ નિમિતે સફારી ફોટોગ્રાફી કે કેમેરા વિશે કોઈક લેખ આપે એવી અપેક્ષા વધારે પડતી તો નથી જ. વળી રોબર્ટ કાપાથી લઈને સ્ટીવ મેક્કેઈન સહિતના ફોટોગ્રાફરોની વાતો પણ જાણવી ગમે એવી છે. વિશ્વયુદ્ધમાં ફોટોગ્રાફરોનો રોલ હજુ સુધી સફારીએ કેમ સ્પર્શ્યો નથી? અલબત્ત, ફોટોગ્રાફી દિવસ નિમિત્તે તમારા અનુભવો ગમ્યા પરંતુ, ફોટોગ્રાફી દરમિયાન થયેલા અનુભવો-પ્રસંગો ટાંક્યા હોત તો વધારે મજા પડી હોત. જેમ કે તમે વર્ષો પહેલા પોપટ 'કી' વિશે લેખ લખ્યો હતો અને પછી વર્ષો બાદ ન્યુઝિલેન્ડના તમારા પ્રવાસ વખતે પોપટ 'કી' (બીજુ કોઈ પક્ષી નહીં ને) તમારી ગાડી પર આવીને બેસે એ કેવો યોગાનુયોગ..!

    ReplyDelete
  4. Very detailed and touchy description of your journey with camera and photography. On this world photography day, I wish you many many crisp shots and golden light in future.
    - Sanjiv Kapadia

    ReplyDelete
  5. તમારી કૅમેરા ખરીદી અને તેના ઉપયોગની યાત્રા વિશે વાંચવાની મઝા પડી. મેં બૉક્સ કૅમેરો એક રૉલ પૂરતો વાપર્યો છે. શ્યોર શૉટ કૅમેરાની 110mmના કેસેટ ફિલ્મ રૉલથી લેખક - પત્રકાર વિજયગુપ્ત મૌર્યની તસવીર લીધી હતી એ આ વાંચતા યાદ આવ્યું. એ પછી મેન્યુઅલ એસએલઆર કૅમેરા પણ વાપર્યો. ડિજિટલ એસએલઆર યુગમાં પ્રવેશવાનું બાકી છે.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  6. જયદેવ ગજેરા (રાજકોટ)September 4, 2014 at 5:51 PM

    મિત્ર હર્ષલભાઈ,
    અછતના સમયમાં મળેલી નાની નાની વસ્તુઓ, સવલતો છતનાં સમયે સાંભરતા બહુ મીઠી લાગે છે! નવરાશનાં સમયે જયારે હું 'સફારી'નાં મારા કલેક્શનમાં જુનાં અંકો પર નજર ફેરવું છું ત્યારે વિદ્યાર્થીકાળમાં પાઠ્યપુસ્તક સિવાયનાં વાંચનસામગ્રીની અછત, ટેલીવિઝન પર ફક્ત દૂરદર્શન વગેરે વચ્ચે જયારે 'સફારી'નો અંક હાથમાં આવતો ત્યારે આંખો અહોભાવથી તેની બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરો નિહાળતી અને તેની એક એક લીટી રસપુર્વક વાંચતી!
    અત્યારે મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, ડી ટુ એચ એન્ટરટેઈનમેન્ટ ઉપરાંત વોટ્સ અપ, ફેસબુક જેવાં સોસિઅલ માધ્યમોમાં ફોટોગ્રાફ્સ, વિડિઓ અને માહિતીનો ધોધ વહે છે, ત્યારે જુનાં અંકો હાથમાં લેતા મલકી જવાય છે!
    તમારી સંભારણા-યાત્રા વાંચીને એ જ રીતે મલકી ઉઠાય છે. લેખમાં તમારી કારકિર્દીની મેહનત અને નિષ્ઠાનો પરિચય થાય છે.

    ReplyDelete
  7. ડીઝીટલ કેમેરા કે મોબાઈલમાં કેમેરા આવવાથી ફોટો પાડવાની નવી પ્રવૃત્તી શરુ થઈ સમજવી. પહેલાં એ માટે મહેનત અને અભ્યાસની જરુર પડતી. હવે તો હાથમાં મોબાઈલ હોય અને ફટાફટ દસ બાર ફોટો પાડી જોઈ લેવા અને ક્યો સારો છે એ રાખી બાકીના ડીલીટ કરી નાખવા. થોડીક થોડીક પ્રેકટીસ પછી બધી ખબર પડી જાય છે. ફોટા દેખાય અફલાતુન. એક એકથી ચડીયાતા. મોબાઈલના કેમેરાએ આખી કળાને બદલી નાખી....

    ReplyDelete
  8. ફોટોગ્રાફી વિશેનો આપનો અનુભવ વાંચવાની મજા આવી.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya